કેન્દ્રિય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતે આવેલા શ્રી હરસિધ્ધિ માતાના મંદિરે શ્રધ્ધાપૂર્વક દર્શન કર્યા

adminpoladgujarat
3 Min Read

કેન્દ્રીય નાણામંત્રીએ ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે પ્રાચીન હરસિધ્ધિ માતાના દર્શન કરી પુજારીએ આપેલા પ્રસાદ-સાડી, સાલનો ભાવપૂર્વક સ્વીકાર કર્યો : દેશના જનજનના કલ્યાણની હરસિધ્ધિ માતાજીને મંગલકામના કરી

(સૈયદ સાજીદ : નર્મદા)

રાજપીપલા, મંગળવાર:- કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન તા.૧૯ થી ૨૨ ઓગસ્ટ, ૨૦૨૩ સુધી ગુજરાતના પ્રવાસ પધાર્યા હતા. કેન્દ્રીય મંત્રીશ્રી દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરીને પ્રથમ દિવસે ગિફ્ટ સિટી ગાંધીનગરમાં ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર (આઈ.એફ.એસ.સી) ના વિકાસ અને વૃધ્ધિ પર નાણા મંત્રાલય અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયના સચિવોની ટીમ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. ત્યારબાદ તારીખ ૨૦ ઓગસ્ટ, ૨૦૨૩ ના રોજ નર્મદા જિલ્લાના કેવડીયા ટેન્ટ સીટી-૧ ખાતે બે દિવસીય કેન્દ્રીય નાણાં વિભાગની ચિંતન શિબિરમાં ભાગ લીધો હતો.

નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન આ દિવસે કેવડીયા ખાતે આવી પહોંચતા નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા તથા SOU ના CEO શ્રી ઉદિત અગ્રવાલ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું, કેન્દ્રીય મંત્રીશ્રીએ કેવડિયા ખાતે રાત્રિ રોકાણ કરીને ચોમાસાની મહેક, પ્રાકૃતિક સોંદર્ય અને વનરાજીનો નજારો નિહાળીને ખુશી વ્યક્ત કરી આનંદવિભોર બન્યા હતાં.

મંત્રીશ્રીએ તા. ૨૨ ઓગસ્ટ, ૨૦૨૩ ના રોજ ચિંતન શિબિર પૂર્ણ કરી ટેન્ટસીટી -૧ ખાતેથી બપોરે ૧૨:૧૫ કલાકે રાજપીપલા ખાતે આશરે ૬૦૦ વર્ષ જુના પ્રાચીન હરસિધ્ધિ માતાના દર્શને આવી પહોંચ્યા હતા. ત્યારે જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા, મંદિરના ટ્રસ્ટીઓ તેમજ પૂજારી દ્વારા ભક્તિ ભાવપૂર્વક કેન્દ્રીય નાણામંત્રીશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને પૌરાણિક મંદિરમાં હરસિધ્ધિ માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, અને દેશના જનજનના કલ્યાણની હરસિધ્ધિ માતાજીને કામના કરી હતી. પૂજારીશ્રી કિસન મહારાજ દ્વારા મંદિરનો ઇતિહાસ અને ઉદભવ અંગેની માહિતીથી મંત્રીશ્રીને વાકેફ કર્યા હતા. મંદિર પરિસરમાં શ્રી નયન ભટ્ટ, વૈભવ ભટ્ટ, શ્રીમતી રાજેશ્વરી ભટ્ટ દ્વારા તિલક-પ્રસાદ અને સાડી સહિત માતાજીની તસ્વીર ભેટ સ્વરૂપે અર્પણ કરી હતી. જેને ભાવપૂર્વક સ્વીકારી મંત્રીશ્રીએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. પોતાના સમયઅનુકૂળ મંત્રીશ્રી સીતારામન બાયરોડ ડાકોર રણછોડ રાયના પવિત્ર શ્રાવણ માસે દર્શનાર્થે જવા રવાના થયા હતા અને ડાકોર ખાતે દર્શન કરી વડોદરાથી દિલ્હી જવા રવાના થશે.

મંદિરના ટ્રસ્ટીશ્રી ભાસ્કરભાઈ સોનીએ મંત્રીશ્રીની મુલાકાત પુરી થયા બાદ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું કે, રાજપીપલા રજવાડું સંપૂર્ણ આંતરિક અધિકારક્ષેત્ર ધરાવતું દેશી રજવાડું હતું. ૬૦૦ વર્ષથી વધુ ગોહિલ વંશનું આધિપત્ય રહ્યું હતું. સત્તરમી સદીના મહારાણા છત્રસાલજી ગોહિલના પાટવીપુત્ર સત્તરમી વેરિસાલજી ગોહિલને હરસિધ્ધિ માતાજી પ્રત્યે અખંડ શ્રદ્ધા અને ભક્તિ પોતાના માતૃશ્રી તરફથી વારસામાં મળેલ હોઈ તેઓ વારંવાર ઉજ્જૈન જતા અને માતાજીની ઉપાસના કરતા ત્યારથી તેમને પોતાની નગરીમાં હરસિધ્ધિ માતાજીને લાવવાની તીવ્ર ઈચ્છા થઈ હતી. માતાજીને લાવતા હતા ત્યારે ઝાંઝરનો અવાજ છેક સુધી સંભળાતો હતો અને શરત પ્રમાણે પાછું વળીને ન જોયું એવી હતી અને આ જગ્યાએ પાછું વળીને જોતા જ માતાજીની સ્થાપના થઈ હતી. ત્યારથી હરસિધ્ધિ માતાના મંદિરે લોકો ભક્તિભાવથી પુજા-અર્ચના સાથે દર્શનાર્થે આવે છે.

આ પ્રસંગે, સુશ્રી પ્રતિભા દહિયા (IAS) પ્રોબેશનર, નાંદોદ પ્રાંત અધિકારીશ્રી શૈલેશ ગોકલાણી, નાયબ કલેકટર પ્રોટોકોલશ્રી એન.એફ.વસાવા, નાયબ કલેક્ટર સુશ્રી જીજ્ઞા દલાલ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.આર.પટેલ, નાંદોદ મામલતદારશ્રી પી. એલ. ડિંડોર સહિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

eleven + 9 =

Exit mobile version