(મનીષ બહાતરે/અશ્વિન ભોયે)
ડાંગ જિલ્લાના સુબીર ગ્રામ પંચાયતમાં વસતા જિલ્લા બહારના દુકાનદારોને તગેડવા સુબીર ગ્રામ પંચાયત દ્વારા સરપંચની આગેવાનીમાં રૂઢિગત ગ્રામ સભા યોજીને તા.૧૨/૧૦/૨૦૨૪નાં રોજ બપોરે અપીલ નોટિસ ફટકારવામાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ સરપંચ દ્વારા નોટિસ પરત માંગી લેવાતાં ગામ લોકોએ સરપંચ સામે વાંધો ઉઠાવ્યો છે તેવી લોક ચર્ચા સાંભળવા માંડી છે.
તા.૧૧/૧૦/૨૦૨૪નાં રોજ સુબીર ગ્રામપંચાયતની કચેરીએ સુબીર ગામના લોકો દ્વારા સરપંચની આગેવાનીમાં રૂઢિગત ગ્રામ સભા યોજાઈ હતી. જેમાં ગામના વડીલો અને યુવાનો ઉપસ્થિત રહી જિલ્લા બહારથી આવી અને સુબિરમાં વસી જઈ દુકાન કે અન્ય કોઈ પણ ધંધો વ્યવસાય કરી રહ્યા છે તેવા વ્યક્તિને ગામમાં રાખવું નહીં અને ગામના જે લોકો જિલ્લા બહારના વ્યક્તિઓને રાખશે કે દુકાન , ધંધા માટે જગ્યા,સહારો આપશે તેવા જમીન માલિકો ઉપર પણ ગ્રામ પંચાયત દ્વારા નોટિસ કાઢવામાં આવશે તેવી રૂઢિગત ગ્રામ સભામાં
ચર્ચા કરી નોટીસ કાઢવાનો નિર્ણય લેવાયો હતો. અને બીજા દિવસે એટલે કે ૧૨/૧૦/૨૦૨૪નાં રોજ પંચાયત દ્વારા જિલ્લા બહારના વ્યક્તિઓને જગ્યા આપનાર સુબીર ગામના તમામ જમીન માલિકોનાં ઘરે જઈ અને સરપંચના સહી સિક્કા મારી નોટીસ આપી નકલ રવાનાં સુબીર ટીડીઓ અને મામલતદારને મોકલવામાં આવી હતી અને તે જ દિવસે સાંજે સરપંચનાં કહેવાથી નોટિસ પરત માંગી લેવાતા ગામ લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા અને નોટીસ એકજ દિવસમાં પરત માંગી લેવા અંગે સુબીર ગામ લોકો કારણ પૂછતાં સરપંચ કોઈ જ સ્પષ્ટતા કરવાં તૈયાર નથી જેથી સુબીર સરપંચ દુકાનદારો સાથે સેટિંગ તો નથી કરી ગયા ને તેવી ચર્ચા સુબીરમાં સંભળાઈ રહી છે.
આ રૂઢિગત ગ્રામસભા મામલે સુબીર ટીડીઓ અને મામલતદારને પૂછતાં તેઓ દ્વારા જણાવ્યું હતું કે અમારાં સુધી એવી કોઈ નોટીસ આવી નથી અને અમે હાલમાં જ આ બાબતે તપાસ કરાવીએ છીએ.
રૂઢિગત ગ્રામસભા શું છે તેની પુરતી માહિતી સરપંચને જ ખબર ન હોય તો બીજાના ઇશારે સરપંચે કેમ સહી સિક્કા સાથે લોકોને નોટિસ આપી પોતાની જ બેન્ડ વગાડી લીધી.