(વિશ્વા એમ. પટેલ : પોલાદ ગુજરાત ન્યુઝ નેટવર્ક)
તા.૨૭ જાન્યુઆરી : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શ્રીકૃષ્ણલાલ શ્રી ધરાણી પ્રાથમિક શાળા ક્રમાંક ૭૪ માં પ્રજાસત્તાક પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. ફૂલપાડા ગામના માજી કોર્પોરેટર નવીનભાઈ વાઘેલા, કુલપાડા ગામના હાલના કોર્પોરેટર નિરાલીબેન પટેલ, ભાજપના કાર્યકર્તા શીતલબેન પટેલ, સામાજિક કાર્યકર સંગીતાબેન પટેલ, અમૂલ્ય ગુજરાતના તંત્રી મહેશભાઈ પટેલ, આપ(AAP)ના કાર્યકર્તા દિનેશભાઈ કાછડીયા, ફુલપાડા માછી સમાજના પ્રમુખ ભગુભાઈ પટેલ, ગ્રામજનો, વાલીઓ, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરીમાં ૭૫ માં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
ધ્વજવંદન વિધિ બાદ વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમને અનુરૂપ વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. બાલવાડીથી લઈને ધોરણ ૮ સુધીના બાળકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. બાલવાટિકા અને ધોરણ ૧ અને ૨ના બાળકો ભારતમાતા, સૈનિક, પોલીસ, ડોક્ટર, શિક્ષક, સીતા-રામ, રાધાકૃષ્ણ, વગેરેની વેશભૂષામાં આવ્યા હતા. સ્વચ્છ ભારત થીમ આધારિત નાટક પણ રજૂ કર્યું હતું. ધોરણ ૪ થી ૮ના બાળકોએ દેશભક્તિના ગીતો પર ડાન્સ પર્ફોર્મન્સ રજૂ કર્યા હતા. ધોરણ ૮ની વિદ્યાર્થીની ગુપ્તા શિવાનીએ ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસા વિશે વક્તવ્ય આપ્યું હતું.
આ ઉપરાંત ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, મેડમ ભીખાઈજી કામા, જેવા દેશભક્તોના એકપાત્રીય અભિનય બાળકો દ્વારા કરવામાં આવ્યા હતા આ સાથે ૧ વર્ષથી નાની ઉંમરની ગામની દીકરીઓના વાલીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ફુલપાડા ગામની દીકરી શીતલબેન પટેલના હસ્તે ધ્વજવંદન વિધિ કરવામાં આવી હતી. સૌ મળીને રાષ્ટ્રધ્વજા ને સન્માન સાથે સલામી આપી હતી,