‘ખેલો ઈન્ડિયા’ યોજનાના સથવારે ખો-ખોના ખેલાડી તરીકે ડાંગ અને ગુજરાતનુ ગૌરવ વધારતી ઓપીના ભિલાર

adminpoladgujarat
adminpoladgujarat
5 Min Read

ડાંગ નુ રતન : ઓપીના દેવજીભાઈ ભિલાર

 

‘આખુ ઈન્ડિયા બોલે, ખો” ખો ખો વર્લ્ડ કપ’ બાદ ‘ઓલિમ્પિકસ’ ના માર્ગે આગળ વધવાનુ સ્વપ્ન 

 

અહેવાલ : મનોજ ખેંગાર

 

(પોલાદ ગુજરાત): આહવા: તા: ૧૬: ભારત ભૂમિની માટીની ખુશ્બુ આંતરરાષ્ટ્રીય સ્તરે ખેલ પ્રેમીઓ તથા ખેલાડીઓને તરબતર કરી રહી છે ત્યારે, રાજ્યના છેક છેવાડે આવેલા, અને તેમાંયે અંતરિયાળ વિસ્તારના સુબિર તાલુકાના છેલ્લા ગામ એવા ‘બિલિઆંબા’ ગામને ગૌરવ અપાવતા અહીંની એક યુવતિએ, ખો ખો વર્લ્ડ કપની રાષ્ટ્રીય ટીમમા ભાગ લઈ ડાંગની માટીની મહેક, સમગ્ર વિશ્વમા પ્રસરાવી છે.

‘માટી થી મેટ’ સુધી પહોંચેલી ભારતની ગ્રામીણ રમત એવી ખો ખો ને વૈશ્વિક સ્તરે લઈ જવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નની પૂર્તિ સમાન ‘ખો ખો વર્લ્ડ કપ’ ચારેકોર ધૂમ મચાવી રહ્યો છે. ઠેર ઠેર થી ‘ખો’ નો નાદ સંભળાઈ રહ્યો છે. ત્યારે, ખો ખો ના સથવારે વિશ્વ ફલક ઉપર પોતાનુ નામ અંકિત કરનારી ડાંગની દિકરી ઓપીના ભિલારની કારકિર્દી ઉપર એક નજર કરીએ, તે પ્રાસંગિક લેખાશે.

 

સ્વામી વિવેકાનંદ નોન રેસિડેન્સીયલ સેન્ટર ઓફ એક્સિલન્સી, ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ, વ્યારા, જિ.તાપીના એક ખેલાડી તરીકે તાલીમબદ્ધ થઈ, ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના નાનકડા ગામ એવા બિલિઆંબાની કુ.ઓપીના દેવજીભાઈ ભિલારે, શરૂઆતના દિવસોમા ખૂબ જ સંઘર્ષ સાથે ગામની શાળામા ધોરણ-૧ થી ૮ સુધીનો અભ્યાસ કર્યો હતો. અહીં જ ખો ખો ના બીજનુ વાવેતર થવા સાથે, તેનુ જતન અને સંવર્ધન થવા પામ્યુ હતુ, અને અહીં જ તેણીના ગુરુજનો સર્વશ્રી વિમલ ગામિત અને રસિક પટેલે આ ખેલાડીની પ્રતિભાને પારખી, તેને પોંખી, ખો ખો ના ફલક સુધી ઉડાન ભરવાની પાંખો પુરી પાડી હતી.

બિલિઆંબામા ખો ખો ની પ્રાથમિક તાલીમ સાથે ઓપીના, સ્વામી વિવેકાનંદ નોન રેસિડેન્સીયલ સેન્ટર ઓફ એક્સિલન્સી યોજના હેઠળ સંચાલિત ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ, વ્યારા, જિ.તાપીના એક ખેલાડી તરીકે હાલ તેની કારકિર્દીને સીંચી રહી છે.

ઓપીના એ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ચાલતી ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ સ્કૂલ યોજના હેઠળ વર્ષ ૨૦૧૭/૧૮ સુધી તેણીના કોચ શ્રી સુનિલભાઈ બી મિસ્ત્રીના હાથ નીચે ઘનિષ્ઠ પ્રશિક્ષણ મેળવ્યુ છે. જ્યારે વર્ષ ૨૦૧૯/૨૦થી કોચ શ્રી સંજયભાઈ કોસાડાના માર્ગદર્શન હેઠળ, અને સ્વામી વિવેકાનંદ નોન રેસીડેન્સીયલ સેન્ટર ઓફ એક્સિલન્સી, બિનનિવાસી યોજનાના લાભાર્થી તરીકે પોતાને આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે તૈયાર કરી છે.

ઓપીના, ડીસ્ટ્રીક લેવલ સ્પોર્ટ સ્કૂલ ખાતે કાર્યરત રહી તાલીમ મેળવી, વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૧ સુધી ‘ખેલો ઇન્ડિયા’ સ્કીમનો પણ લાભ મેળવી ચૂકી છે. અહીંથી તેણીએ ૧૪ જેટલી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમા ભાગ લઈ, ત્રણ સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ પણ પ્રાપ્ત કર્યા છે.

આ ઉપરાંત ગુજરાતની ખો ખો ટીમની કેપ્ટન એવી કુ.ઓપીના એ, ૪ જેટલી રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમા ગોલ્ડ મેડલ પણ પ્રાપ્ત કર્યા છે. જેમા તેણીના કોચ શ્રી સુનિલભાઈ મિસ્ત્રી અને કોચ શ્રી સંજયભાઈ કોસાડાનુ બમૂલ્ય યોગદાન રહેવા પામ્યુ છે.

કુ.ઓપીના દેવજીભાઈ ભિલાર એ, હાલે દાબુ કેળવણી મંડળ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ-વ્યારા (તાપી) ખાતેથી ગ્રેજ્યુએટ થઈ, એમ.એ. નો અભ્યાસ પૂર્ણ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, કોલેજકાળ દરમિયાન થયેલી ACL ઈન્જરીને કારણે તેણીના ઘુટણનુ ઓપરેશન કરાવવાની ફરજ પડી હતી. ત્યારે ઓપીનાની સારવાર અને ઓપરેશનનો સંપૂર્ણ ખર્ચ, શ્રી સંજયભાઈ કોસાડા અને આ જ કોલેજ પરિવાર દ્વારા કરવામા આવ્યો હતો. આ ઓપરેશન અને રિકવરી બાદ ઉભા થતા ઓપીના, બે ઓલ ઇન્ડિયા કોમ્પિટિશન, બે નેશનલ ગેમ, અને સિનિયર નેશનલ ગેમ્સ રમી ચુકી છે. જ્યાંથી ફરી આરંભાયેલી ખો ખો ની આ સફર, આંતરરાષ્ટ્રીય ફલક સુધી વિસ્તરવા પામી છે. દિલ્હીના આ વર્લ્ડ કપ દરમિયાન મૂળ વડોદરાના એવા ખો ખો ફેડરેશનના એક્ઝિક્યુટિવ મેમ્બર્સ શ્રી સંતોષ ગરૂડની સહાયતા પણ ઓપીના ને પ્રાપ્ત થઈ રહી છે.

દિલ્હી ખાતે રમાઈ રહેલા ‘ખો ખો વર્લ્ડ કપ’ બાદ અર્જુન એવોર્ડ વિજેતા અને પદ્મશ્રી સુશ્રી પી.ટી.ઉષાને પોતાનો આદર્શ માનતી ઓપિના, સને ૨૦૩૬ના ભારતમા યોજાનારા ઓલિમ્પિક ની સફરે પ્રસ્થાન કરે, તે પહેલા પ્રથમ ‘ખો ખો વર્લ્ડ કપ’ નો સ્વર્ણ પદક ભારતના નામે કરી આગળનો માર્ગ કંડારાશે, તેમ તેણીએ દુરવાણી ઉપર થયેલી એક વાતચીત દરમિયાન જણાવ્યુ હતુ.

દરમિયાન ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિ, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ, અને ડાંગ કલેકટર શ્રી મહેશ પટેલે પણ ડાંગની દીકરીને શુભકામનાઓ પાઠવી છે. તો ઓપીના ભિલારે પણ સૌ ખો ખો ખેલાડીઓ, અને ગુજરાત ખો ખો એસોસિએશન, ગુજરાતના કોચ, તેણીના શુભેચ્છકો અને આશીર્વાદ પાઠવનારાઓ તથા ગુજરાત સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે.

ઓપીના ભિલારે તેના કોચ શ્રી સુનિલ મિસ્ત્રી, અને એક્ઝિક્યુટિવ મેમ્બર્સ શ્રી સંતોષ ગરુડનુ, ગુજરાતના ખેલાડીઓ પૈકી એટલિસ્ટ કોઈ એક ખેલાડી ભારત વતી રમે તેવા તેમના સ્વપ્નની પૂર્તિ થઈ છે, જેનો વિશેષ આનંદ વ્યક્ત કર્યો છે.

 

Share this Article
Leave a comment