માર્ગ અને મકાન વિભાગના ડિવીઝન-૧ના કાર્યપાલક ઈજનેર પ્રશાંત ચૌધરીએ ‘કડોદરા અન્ડરપાસ’ અને ઈકલેરા ખાડી બ્રિજનું નિરીક્ષણ કર્યુંઃ

adminpoladgujarat
adminpoladgujarat
3 Min Read

માર્ગ અને મકાન વિભાગ-૧ હસ્તકના ૮૪.૭૩ કિ.મી. લંબાઈના ૧૮ રસ્તાઓ પર યુદ્ધના ધોરણે માઈક્રો કોન્ક્રીટ, પેવર બ્લોકથી પેચવર્કની પ્રાથમિક કામગીરી પૂર્ણ કરાઈ: કાર્યપાલક ઈજનેર પ્રશાંત બી. ચૌધરી
——–
એક મેજર તથા પાંચ માઈનોર બ્રિજની ચકાસણી પૂર્ણ:
——–
ચોમાસાની સિઝનમાં પણ કડોદરા અન્ડરપાસ રહ્યો પાણીમુક્ત: ૪૧ ઈંચથી વધુ વરસાદ પછી પણ અન્ડરપાસમાં ટ્રાફિક સુગમ અને સરળ રહ્યો
——
CCTV કેમેરાથી અન્ડરપાસનું રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ
——

(પોલાદ ગુજરાત) સુરતઃમંગળવાર: મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજયભરના બ્રિજોની ચકાસણી તથા રસ્તાના પેચવર્કની કામગીરી કરવાના આપેલા આદેશના ભાગરૂપે આજે સુરત જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના ડિવીઝન-૧ના કાર્યપાલક ઈજનેરશ્રી પ્રશાંત બી. ચૌધરીએ પલસાણાના કડોદરા અન્ડરપાસ તથા ઈકલેરા ખાડી બ્રિજની ચકાસણી કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, સુરત થી બારડોલી તરફ જતા નેશનલ હાઈવે- ૪૮ પર રાજય સરકાર દ્વારા બે વર્ષ પહેલા મે-૨૦૨૩ માં અન્ડરપાસ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કડોદરા અન્ડરપાસ આધુનિક ટેકનોલોજી સાથે નિર્માણ પામ્યો છે. જૂન માસ દરમિયાન સતત ભારે વરસાદ છતા પણ વાહનવ્યવહાર કોઈ પણ અડચણ વિના સરળ અને સુગમ ચાલી રહ્યો છે.

ચોમાસાની આ સિઝન દરમિયાન કડોદરા વિસ્તારમાં ૪૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હોવા છતાં અન્ડરપાસમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યા સર્જાઈ નથી. અંડરપાસની અંદર બન્ને તરફ દોઢ લાખ લીટરની ક્ષમતાની ટાંકીઓ આવેલી છે. જે વરસાદી પાણી પડે તેમાં સંગ્રહ થાય છે, અને બન્ને તરફ ૨૫ એચ.પી.ની ત્રણ મોટરો કાર્યરત છે. જે પાણી ભરતા જ ઓટોમોડ પર કાર્યરત થઈને પમ્પિંગ દ્વારા જ પાણીને નજીકની નેચરલ ખાડીમાં છોડવામાં આવે છે. અંડરપાસ પાસે આવેલી ઓફિસમાંથી દેખરેખ તેમજ અન્ડરપાસનું સીસીટીવી કેમેરા દ્વારા રાઉન્ડ ધ ક્લોક ૨૪ કલાક મોનિટરિંગ કરવામાં આવે છે. જેનાથી ન માત્ર વાહનચાલકોને રાહત મળી છે, પણ ઔદ્યોગિક વિકાસ માટે મહત્વના માર્ગ પર ટ્રાફિક પ્રવાહ સતત ગતિમાન રહ્યો છે.

કાર્યપાલક ઈજનેરે વધુમાં જણાવ્યું કે, ચોમાસા દરમિયાન પડેલા વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓની મરામત કામગીરી કરવામાં આવી રહી છે. માર્ગ અને મકાન વિભાગ-૧ અંતર્ગત આવતા ૮૪.૭૩ કિ.મી. લંબાઈના ૧૮ રસ્તાઓ પર યુધ્ધના ધોરણે માઈક્રો કોન્ક્રીટ, પેવર બ્લોક, ડામરથી પેચવર્કની પ્રાથમિક કામગીરી પૂર્ણ કરાઈ છે, જ્યારે મેજર બ્રિજ કડોદરા અંડરપાસ તેમજ માઈનોર બ્રિજમાં ડિડોલી-કરડવા-ઈકલેરા રસ્તા પર ઈકલેરા ખાડી બ્રિજ, ઉધના-ડીંડોલી, ખરવાસા-ભાટીયા રોડ પર બોણંદ ખાડી બ્રિજ, સુરત-સચિન-નવસારી લાજપોર ગામના કોલક ખાડી બ્રિજ તથા કપલેથા ખાડી બ્રિજ તેમજ રાંદેર-બરબોધન-તેના રોડ પર મલગામા ખાડી બ્રિજની ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે. સઘન ચકાસણી બાદ તમામ બ્રિજોની સ્થિતિ સલામત હોવાનું તેમણે કહ્યું હતું.

Share this Article
Leave a comment