પદ્મશ્રી, અર્જુન એવોર્ડી અને  દસ વખત સિનિયર નેશનલ ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી શરથ કમલ ગુજરાતમાં આયોજિત નેશનલ ગેમ્સના મહામૂલા ખેલાડી

adminpoladgujarat
5 Min Read

૧૨ વર્ષ બાદ સુરતમાં ૩૬મી નેશનલ ગેમ્સમાં લઈ રહ્યા છે ભા

ભારતીય ટેબલ ટેનિસના દિગ્ગજ પ્લેયર શરથ કમલ કહે છે કે લક્ષ્ય નિર્ધારિત કરવું અને તેને હાંસલ કરવાનો સતત પ્રયાસ કરવો એ મારી સફળતાના મૂળમાં છે

હવે આપણી પાસે કેટલાય એવા પ્રતિભાશાળી ખેલાડીઓ છે જેમના કારણે વિશ્વ ટેનિસમાં આપણું આગવું સ્થાન બની રહ્યું છે:
વર્લ્ડ ચેમ્પિયનશિપ પહેલા નેશનલ ગેમ્સ અમારા માટે બેસ્ટ પ્રેક્ટિસ નીવડશે
: અચંત શરથ કમલ

સુરત:ગુરૂવાર: ભારતીય ટેનિસના દિગ્ગજ પ્લેયર અચંત શરથ કમલ ગુજરાતમાં આયોજિત નેશનલ ગેમ્સના મહામૂલા ખેલાડી છે. તે એવા પ્રથમ ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી છે, જેમણે દસ વખત સિનિયર નેશનલ ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી છે. શરથ કમલે આઠ વખત નેશનલ ચેમ્પિયન રહેલા કમલેશ મહેતાનો રેકોર્ડ તોડ્યો હતો. તેમણે મેલબોર્નમાં ૨૦૦૬ની કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને પ્રથમ વખત વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતાડ્યો હતો. ૨૦૨૨ની બર્મિગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ત્રણ ગોલ્ડ અને એક સિલ્વર મેળવીને શરથે સાબિત કર્યું કે ‘ઉંમર માત્ર એક સંખ્યા છે, જેને સારા કે ખરાબ પ્રદર્શન સાથે કોઈ લેવાદેવા નથી.’
૧૨ વર્ષના લાંબા અંતરાલ બાદ સુરતમાં ૩૬મી નેશનલ ગેમ્સમાં ભાગ લઈ રહેલા ૪૦ વર્ષીય શરથ કમલ મૂળ તમિલનાડુના વતની છે. તેમના પિતાનું નામ શ્રીનિવાસ રાવ અને માતાનું નામ શ્રીમતી અન્નપૂર્ણા છે. એક સ્પોર્ટ્સ પર્સન હોવા ઉપરાંત તેઓ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાં ઓફિસર પણ છે.
શરથ તા.૨૯મી સપ્ટે.એ ગુજરાતમાં નેશનલ ગેમ્સના ભવ્ય ઉદ્દઘાટન સમારોહ પહેલા સુરતમાં ટીટી ઈવેન્ટસ યોજવા બદલ કેન્દ્ર સરકાર અને ગુજરાતના આયોજકગણ પ્રત્યે આભાર વ્યક્ત કરે છે. તેમણે આ સંદર્ભે જણાવ્યું કે, ‘ગુજરાતમાં નેશનલ ગેમ્સની સાથોસાથ ચીનમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ યોજાઈ રહી છે, ત્યારે આયોજકોએ સુરતમાં ટેબલ ટેનિસની ઈવેન્ટ થોડી વહેલી યોજીને શીર્ષ ખેલાડીઓ માટે ઘણી અનૂકુળતા કરી આપી છે. વર્લ્ડ ચેમ્પિયનશિપ પહેલા નેશનલ ગેમ્સ અમારા માટે બેસ્ટ પ્રેક્ટિસ નીવડશે.’
ભારતીય ટેબલ ટેનિસમાં કેટલાય ઉભરતા સિતારાઓ નામના મેળવી રહ્યા છે, છતાં શરથ પોતાની આગવી રમત રમીને વધુ મજબૂત બની રહ્યા છે. તેઓ કહે છે કે, લક્ષ્ય નિર્ધારિત કરવું અને તેને હાંસલ કરવાનો સતત પ્રયાસ કરવો એ મારી સફળતાના મૂળમાં છે. હું છેલ્લે ૨૦૧૧માં નેશનલ ગેમ્સ રમ્યો હતો, અને હવે હું બીજી એડિશન રમવા સુરત આવ્યો છું. અહીંની સુંદર વ્યવસ્થા અને નાનામોટા તમામ ખેલાડીઓ પ્રત્યે સુરતવાસીઓનો આવકાર જોઈને ઘણો આનંદ થાય છે.
તેમણે વધુમાં કહ્યું કે, ૨૦૧૬ની ઓલિમ્પિક ગેમ્સ પછી મેં એશિયન ગેમ્સ-૨૦૧૮ માં વધુ સારૂ પ્રદર્શન કરવાનો નિર્ધાર કર્યો, અને ત્યારબાદ ૨૦૨૦ની ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું પણ લક્ષ્ય રાખ્યું, પરંતુ હું ૩૨માં રાઉન્ડમાં હારી ગયો. જેનો ખૂબ અફસોસ છે. પણ નિષ્ફળતાથી ગભરાવું નહીં અને સફળતાને માથા પર ચઢવા દેવી નહીં એ સિદ્ધાંત મેં અપનાવ્યો છે. જેના બળે આ વર્ષે બર્મિંગહામ કોમનવેલ્થમાં ફરી ટાઈટલ જીતવા ઉપરાંત મિક્સ ડબલ્સ અને ટીમ ગોલ્ડ મેડલ જીત્યા હતા. તેમણે ઉમેર્યું કે, જો હું હંમેશા કંઈક ચૂકી જાઉં છું તો મારૂ એકમાત્ર ધ્યેય રહે છે કે એને હું ફરી પ્રાપ્ત કરૂ. આ પ્રેરણાબળથી મેં ૨૦૦૬માં સિંગલ્સ મેડલ જીત્યો હતો, અને જ્યારે મેં ૨૦૧૮ માં બ્રોન્ઝ જીત્યો હતો.
શરથનું આગામી લક્ષ્ય ઓલિમ્પિક ગેમ્સમાં પોડિયમ સુધી પહોંચવાનો પ્રયાસ કરવાનો છે અને આ લક્ષ્ય તરફનું પહેલું પગલું ભારતીય ટીમ માટે પેરિસ ઓલિમ્પિક-૨૦૨૪ માટે ક્વોલિફાય થવાનું છે. તેઓ જણાવે છે કે, ‘૨૦૨૪માં અમે પુરૂષોની ટીમ તરીકે ક્વોલિફાય થવાનો પ્રયાસ કરીશું, કારણ કે અમારી પાસે મેડલ જીતવાની સારી અને દુર્લભ તક છે. અમે અગાઉ ઓલિમ્પિકમાં ક્વોલિફાય કરવાનું ચૂકી ગયા હતા, પરંતુ હવે મને લાગે છે કે અમારી પાસે સારી ગતિ છે. જો અમે આ જ ગતિ અને શ્રેષ્ઠ પ્રદર્શન જારી રાખીશું તો ઓલિમ્પિક માટે પણ ક્વોલિફાય પણ કરીશું, મેડલ પણ જીતી લાવીશું.’
શરથે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય ટેબલ ટેનિસનો જે રીતે વિકાસ થયો છે તેના પર પણ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, ‘લગભગ ૧૪ થી ૧૫ વર્ષ સુધી હું આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમવા અને મેજર ઈવેન્ટ્સમાં જીતવામાં એકલો રહ્યો હતો. પરંતુ ૨૦૧૬ થી, કેન્દ્ર સરકાર અને ફેડરેશનના પ્રયાસોથી આ ચિત્ર બદલાયું છે. હવે આપણી પાસે કેટલાય એવા પ્રતિભાશાળી ખેલાડીઓ છે જેમના કારણે વિશ્વ ટેનિસમાં આપણું આગવું સ્થાન બની રહ્યું છે.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

two × one =

Exit mobile version