દર્દી વિશાલભાઇ પટેલનુ પ્રાઇવેટ હોસ્પિટલમાં અંદાજિત રૂ.૫૦ હજાર રૂપિયાનો ખર્ચના સામે રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન તથા દવાની વિનામૂલ્યે મળેલ સહાય
ઓપરેશન સારવાર નિ:શુલ્કપણે અને સફળતાપુર્વક પુર્ણ થતા દર્દી વિશાલભાઇ પટેલે સરકારશ્રીનો અને નર્મદા જિલ્લા મેડિકલ કોલેજ તથા સિવિલ હોસ્પિટલના સ્ટાફનો આભારની લાગણી વ્યક્ત કરી
(સાજીદ સૈયદ, નર્મદા)
રાજપીપલા, મંગળવાર:- નર્મદા જિલ્લાના રાજપીપલામા આવેલ જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ તથા સિવિલ હોસ્પિટલમા ઇતિહાસમા પ્રથમ વખત દુરબીનથી એપેન્ડિક્સનું ઓપરેશન કરવામા આવ્યુ હતું. આ ઓપરેશન સારવાર નિ:શુલ્કપણે અને સફળતાપુર્વક પુર્ણ થતા દર્દી વિશાલભાઇ પટેલે સરકારશ્રીનો અને નર્મદા જિલ્લા મેડિકલ કોલેજ તથા સિવિલ હોસ્પિટલના તબીબોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. સરકારશ્રી દ્વારા પી.એમ.જે.એ.વાય-મા યોજના/આયુષ્માન ભારત કાર્ડ થકી દેશના કોઇપણ ખુણે દર્દી નિ:શુલ્કપણે સારવાર મેળવી શકે છે.
GMERS સર્જરી વિભાગના મદદનીશ અધ્યાપક ડૉ.જીજ્ઞાશા રાઠવા પાસેથી મળેલ માહિતી મુજબ તા.૧૦ ઓકટોબરના રોજ એક દર્દીશ્રી વિશાલભાઇ પટેલની સર્જરી તા.૧૩ ઓકટોબર ૨૦૨૩ના રોજ નર્મદા જિલ્લાની જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ રાજપીપલા તથા સિવિલ હોસ્પિટલમાં ઇતિહાસમાં સૌ પ્રથમ વખત દુરબીનથી એપેન્ડિક્સ ઓપરેશનમા સફળતા મળતા અમે અત્યંત આનંદ તથા ગર્વની લાગણી અનુભવીએ છીએ.
ડૉ.જીજ્ઞાશા રાઠવાએ જણાવ્યુ કે, રાજપીપલા સિવિલ હોસ્પિટલમા તા.૧૦ ઓકટોબરના રોજ દર્દી વિશાલ સંજયભાઈ પટેલ એમના પિતા સાથે સર્જરી વિભાગમાં પેટના દુખાવાની સારવાર અર્થે આવ્યા હતા. વારંવાર એપેન્ડિકસના ચેપના કારણે હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે શરૂઆતમા બે દિવસ તેમને એન્ટિબાયોટીક્સ વડે સારવાર આપવામાં આવી પરંતુ ચેપ ઓછો થતો ન જણાતા દુરબિન વડે ઓપરેશન કરવાનો નિર્ણય ડોકટરો દ્વારા લેવામાં આવ્યો હતો અને આ ઓપરેશન સફળતાપૂર્વક પુર્ણ કરવામા આવ્યું છે.
આ ઓપરેશન સર્જરી વિભાગના મદદનીશ અધ્યાપક ડૉ.જીજ્ઞાશા રાઠવા, ડૉ.ધવલ વસાવા, ડૉ.ચિંતન ભીમસેન, સિનિયર રેસિડન્ટ ડૉ. રુશિતા ઠાકોર, ડૉ.ધવલ ચૌધરી, ડૉ.કૃપેશ ચૌધરી એનેસ્થેસીયા વિભાગના મદદનીશ પ્રધ્યાપક ડૉ.હીના પટેલ, ડૉ.કિંજલ સિધ્ધપુરીયા, ડૉ.વિરેન જ્લાંધરા, સ્ટાફ બ્રધર વિપુલ વસાવાની ટીમ દ્વારા સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. આ ઓપરેશનની સફળતા પાછળ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ.આરતી શર્મા તથા બાયોમેડિકલ વિભાગના શ્રી કૃણાલ સોનજી, રેડિયોલોજી વિભાગના ડૉ.હાર્દિક ગોલાણીનું પણ મહત્વનુ યોગદાન રહેલ છે.
દર્દીના પિતાશ્રી સંજયભાઇ પટેલ પાસેથી મળેલ વિગતો અનુસાર તેઓ ઉતર પ્રદેશના રહેવાસી છે. અને છેલ્લા ૧૭ વર્ષથી ભરૂચ જિલ્લાના રાજપારડીમાં ફરસાણનો વ્યવસાય કરીને પરિવાર આર્થિક રીતે સહાય પુરી પાડી રહ્યા છે. તેમના પત્નીશ્રી અનિલાબેન પટેલ બાળકો સાથે ઉત્તર પ્રદેશમા રહે છે. અને તેમના પરીવારમાં ૪ બાળકોના ભરણપોષણ કરીને ઘરને સંભાળે છે. એક મધ્યમ પરિવાર પર આવી પડેલી માંદગી સરકારી સારવારથી ઓછા ખર્ચે સારી થઇ ગઇ છે. પુત્રના સરવાર માટે સામાન્ય રીતે પ્રાઇવેટ હોસ્પિટલમાં અંદાજીત રૂ. ૫૦ હજાર ખર્ચ આવશે તેવી વાત સાંભળી પરિવાર મુશ્કેલીમા મુકાયો હતો તેની સામે અમને રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન તથા દવા વિના મૂલ્યે મળી છે.
દર્દીશ્રી વિશાલભાઇ પટેલ સાથેની વાતચિતમાં તેઓ જણાવે છે કે મારી ઉંમર ૧૭ વર્ષની છે અને હાલ હુ ૧૧ મા ધોરણમા અભ્યાસ કરુ છુ. મારા પિતાના મિત્રોની સલાહથી મને પેટના દુખાવાની સારવાર અર્થે ઉત્તર પ્રદેશથી ગુજરાત બોલાવ્યા હતા અને ઓપરેશન પછીના બે દિવસ બાદ સંપૂર્ણ સાજા થયા પછી અમને ડોક્ટરો દ્વારા ઘરે જવા માટે રજા આપવામાં આવી હતી. હાલ મારી તબિયત સારી છે મારી તકલીફ દૂર કરવા બદલ ડોક્ટર અને ગુજરાત રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરૂં છું.