આહવા તાલુકાનો કાર્યક્રમ જાખાના અને વઘઈ તાલુકાનો કાર્યક્રમ સરવર ખાતે યોજાશે
(પોલાદ ગુજરાત): આહવા: તા: ૧૬: ડાંગ જિલ્લા કક્ષાના સુબીરના નવજ્યોત હાઇસ્કુલ ખાતે યોજાનારા પ્રજાસતાક દિન બાબતે, સંબંધિત જિલ્લા અધિકારીઓને માર્ગદર્શિત કરતા ઇન્ચાર્જ કલેક્ટર શ્રી બી. બી. ચૌધરીએ પ્રજાસત્તાક દિવસની ગરિમાપુર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવાની હિમાયત કરી હતી.
ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકને સંબોધતા ઇન્ચાર્જ કલેક્ટરશ્રીએ કાર્યક્રમ સ્થળની ચકાસણી સહિત રજૂ થનારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો, માહિતીપ્રદ ટેબ્લો, શિસ્તબદ્ધ પરેડ તથા વ્યક્તિ વિશેષના સન્માન સહિતના કાર્યક્રમની વ્યવસ્થાઓ બાબતે પરામર્શ કર્યો હતો.
જિલ્લા અધિકારીઓને કાર્યક્રમ સંબંધિત ફાળવેલી જવાબદારીઓ પૂર્ણ નિષ્ઠા સાથે સુપેરે બજાવવાની હિમાયત કરતા, કલેક્ટરે કાર્યક્રમનું મિનિટ ટુ મિનિટ રિહર્સલ, પાર્કિંગ વ્યવસ્થા, ડાયસ પ્લાન, એનાઉન્સર, મહાનુભાવોના આગમન સંબંધિત વ્યવસ્થાઓ વિગેરે મુદ્દે જિલ્લા અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
બેઠકની કાર્યવાહી સંભાળતા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ ખાંટે વિભાગવાર કામગીરી સંદર્ભે જિલ્લા અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનનો કાર્યક્રમ સુબીરના નવજ્યોત હાઇસ્કુલ, સુબીર ખાતે, આહવા તાલુકા કક્ષાનો કાર્યક્રમ જાખાના તેમજ, વઘઈ તાલુકા કક્ષાનો કાર્યક્રમ સરવર ખાતે યોજાનાર છે.