આહવા : તા : ૨૩ : કાંતિલાલ જે પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત, ડૉ.કિરણ સી.પટેલ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના પરિસરમા સ્ત્રીરોગ અંગેનો નિઃશુલ્ક નિદાન તેમજ સારવાર કેમ્પ યોજાયો હતો. વનબંધુ આરોગ્ય ધામ ખાતે તારીખ ૨૦ અને તારીખ ૨૧ ના દિને યોજાયેલા આ મેડિકલ કેમ્પને સફળતા અપાવવા સર્વમંગલ ટ્રસ્ટ તેમજ ભણસાલી ટ્રસ્ટ, મુંબઇએ સેવાઓ આપી હતી. નિદાન તેમજ સારવાર સહયોગ સેવા રૂરલ, ઝઘડિયાના ડૉ.ગાયત્રીબેન, એમની ટીમ તેમજ કાંતિલાલ જે. પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડૉ.નિરાલીબેન તેમજ એમની ટીમે સેવા આપી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, કાંતિલાલ જે પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી, પ્રત્યેક વર્ષ અમેરિકા સ્થિત ડૉક્ટર્સના સહયોગથી સફળતાપૂર્વક ફ્રી મેડિકલ કેમ્પનુ આયોજન કરવામા આવે છે. કોવિડ સંક્રમણને કારણે ગત વર્ષ આવા કેમ્પ મોકૂફ રાખ્યા હતા. જેની હવે આ વર્ષથી શરૂઆત થઈ ચુકી છે. આ સ્ત્રીરોગ નિઃશુલ્ક સારવાર-નિદાન કેમ્પમા ડાંગ જિલ્લાના ૬૦૩ બહેનોએ વિનામુલ્યે સેવા મેળવી હતી.