(પોલાદ ગુજરાત) આહવા: તા: ૧૪: સાપુતારાની નોટીફાઈડ એરિયા કચેરી, અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ-વલસાડની સંયુક્ત ટિમે હાથ ધરેલી વિવિધ હોટલ, રેસ્ટોરન્ટની આકસ્મિક તપાસણી દરમિયાન કુલ રૂપિયા બાર હજાર આઠસો વિસ ની કિંમતના ૧૪૫ કિલો ખાદ્ય સામગ્રીના જથ્થાનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન જરૂર મુજબના બાર જેટલા સેમ્પલો લઈ, ચકાસણીમાં ધ્યાને આવેલી ક્ષતિઓની પૂર્તતા કરવા સંચાલકોને સૂચના આપવામાં આવી હતી.
સાપુતારાના ચીફ ઓફિસર શ્રી એમ.જે.ભરવાડ તથા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, વલસાડના ફૂડ સેફટી ઓફિસર સર્વશ્રી કે.જે.પટેલ તથા સી.એન.પરમાર સાથે બંને વિભાગની સંયુક્ત ટિમે, સાપુતારાની ૧૯ જેટલી હોટલ, રેસ્ટોરન્ટ અને બે હોસ્ટેલની પણ આકસ્મિક તપાસ હાથ ધરી હતી. જે પૈકી ચાર હોટલોમાંથી ચટણી, વાસી ખરાબ બોઈલ શાકભાજી, ખરાબ કાંદા બટાકા ,લસણ, બ્રેડ, પનીર, ફુડ કલર આઈટમ, છાસ, દૂધ મળી કુલ ૧૪૫ કિલોગ્રામ જથ્થાનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો.
સાથે જરૂર મુજબના સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરી, દુકાનોમાં સ્વચ્છતાની જાળવણી સહિતની સૂચના આપવામાં આવી હતી.