(અશ્વિન ભોયે/મનિષ બહાતરે : પોલાદ ગુજરાત નેટવર્ક)
ધારાસભ્ય વિજયભાઈ પટેલ દ્વારા સૂચવાયેલા ૧૧૯.૦૭ કિલોમીટર લંબાઇના માર્ગો મંજૂર કરાયા
ડાંગ જિલ્લાના ધારાસભ્ય વિજયભાઈ પટેલે સૂચવેલા જિલ્લાના ૧૭ જેટલા આંતરિક માર્ગો રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાતા જોબ નંબર ફાળવવામાં આવ્યા છે.
આ અંગેની વિગતો આપતા ધારાસભ્યએ જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લા પંચાયત હસ્તકના કુલ ૧૧૯.૦૭ કિલોમીટર લંબાઇના, ૧૭ જેટલા માર્ગો રૂપિયા ૩૯૭૧.૬૨ લાખના ખર્ચે મંજૂર કરી, તેને જોબ નંબર ફાળવવા અંગેનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પત્ર તેમને મળવા પામ્યો છે.
જેમાં ધારાસભ્યએ સૂચવેલા ગ્રામીણ માર્ગો (૧) ગડદ થી ડોન, (૨) વઘઈ-દોડીપાડા-દગડીઆંબા-ભેંડમાળ રોડ, (૩) લવચાલી-ઘાણા, (૪) મેઇન રોડ ટુ સરવર, (૫) માલેગામ-ગોટીયામાળ-સોનુનિયા- હુંમ્બાપાડા રોડ, (૬) આહિરપાડા-ઝરી-વાડયાવન રોડ, (૭) ભેંસકાતરી- કાકરદા-ભોંગડીયા-એન્જિનપાડા રોડ, (૮) ઢોંગીઆંબા-લહાનકસાડ-મોટી કસાડ રોડ, (૯) બોરિગાંવઠા-મહારાઈચોંડ રોડ, (૧૦) આહેરડી-નડગચોંડ રોડ, (૧૧) કસાડબારી-હાડોળ રોડ, (૧૨) ઘોઘલી-કાસવદહાડ-સુંદા-વાસુર્ણા-ચીખલી રોડ, (૧૩) માછળી-ખાતળ રોડ, (૧૪) સાતબાબલા વી.એ. રોડ, (૧૫) ભવાનદગડ-ધૂળચોંડ-આમસરવલણ રોડ, (૧૬) વાંઝટઆંબા-કોયલીપાડા રોડ, તથા (૧૭) ઈસખંડી વી.એ. રોડ મળી કુલ ૧૭ માર્ગો, કે જેની લંબાઈ ૧૧૯.૦૭ કિલોમીટર છે, તે મંજૂર થવા પામ્યા છે.
ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓ આહવા, વઘઈ, અને સુબીરના ગ્રામીણ વિસ્તારો માટે અતિ ઉપયોગી એવા આ માર્ગો મંજૂર થતાં અહીંના પ્રજાજનો માટે આશીર્વાદરૂપ પુરવાર થશે તેમ ધારાસભ્ય વિજયભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું.