મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરત મનપા અને ડ્રીમ સિટીના રૂ.૩૫૨ કરોડના વિવિધ જનહિતલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

adminpoladgujarat
adminpoladgujarat
7 Min Read

વિકસિત ભારત માટે ગુજરાત અને વિકસિત ગુજરાત માટે સુરત નેતૃત્વ લેશે: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીશ્રી:-
 પાણી અને પર્યાવરણના સંરક્ષણ તેમજ સ્વચ્છતા જાળવવા કર્તવ્યનિષ્ઠ બનીએ
 સુરત માટે જરૂરી એક પણ વિકાસકાર્ય બાકી ન રહે તેવું આયોજન અમે આગામી બજેટમાં કર્યું છે
 સરકારના કોઈપણ કાર્યમાં જનભાગીદારીથી વિકાસકાર્યો દીપી ઉઠે છે
——-
સુરતને દેશનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાની સિદ્ધિમાં ‘પાયાના પથ્થર’ સમાન સ્વચ્છતાકર્મીઓને બિરદાવતા મુખ્યમંત્રી

 સુરત મહાનગરપાલિકાના રૂ.૧૨૯.૫૩ કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
 ડ્રીમ સિટીના રૂ.૨૨૩.૨૧ કરોડના પ્રકલ્પોનું લાકાર્પણ
———
સુરત મનપાની ૧૮ સુમન શાળાઓમાં ઈનોવેટિવ એજ્યુકેશન આપવાના હેતુથી નવનિર્મિત રોબોટિક લેબ્સનું લોકાર્પણ
——–
મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જર્મન સરકારની કંપની GIZ સાથે સુરત મહાનગરપાલિકા વચ્ચે અર્બન મોબિલિટીને સુદ્રઢ કરવા એમઓયુ થયા

 

સુરત મહાનગરપાલિકા, ડ્રીમ સિટીના રૂ.૩૫૨ કરોડના વિવિધ જનહિતલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ‘વિકસિત ભારત માટે ગુજરાત’ અને ‘વિકસિત ગુજરાત માટે સુરત’ નેતૃત્વ લેશે. રાજ્યના અર્થતંત્રને મજબૂતી આપવામાં સુરતનું અપ્રતિમ યોગદાન છે એટલે જ સુરત માટે જરૂરી એક પણ વિકાસકાર્ય બાકી ન રહે તેવું આયોજન અમે આગામી બજેટમાં કર્યું છે. વિકસિત ભારત માટે ગુજરાત અને વિકસિત ગુજરાત માટે સુરત નેતૃત્વ લેશે.

નાણા, ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની વિશેષ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રીએ સુરત મનપાની ૧૮ સુમન શાળાઓમાં ઈનોવેટિવ એજ્યુકેશન આપવાના હેતુથી નિર્મિત રોબોટિક લેબ્સનું પણ લોકાર્પણ કર્યું હતું.
સુરતમાં વધી રહેલી વસ્તી અને ટ્રાફિકના કારણે માસ ટ્રાન્સપોર્ટેશનની જરૂરિયાત વધી છે, ત્યારે શહેરને સસ્ટેનેબલ અર્બન મોબિલિટીને વધુ સક્ષમ, સુદ્રઢ બનાવવા માટે સુરત ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જર્મન સરકારની કંપની GIZ અને સુરત મનપા વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા હતા.
સુરતના અઠવાલાઈન્સ સ્થિત કૃષ્ણકુંજ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા સમારોહને સંબોધન કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, શહેરો-નગરોનો સમગ્રતયા વિકાસ થાય તે રાજય સરકારની પ્રાથમિકતા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ ધ્યેયમંત્રને સાકાર કરવાની નેમ સાથે આપણા ગૌરવશાળી વારસાનું જતન કરવા ઉપરાંત ‘ઈઝ ઓફ લિવિંગ’ અને વિકાસને પણ તેજ ગતિ આપી છે.
પાણી અને પર્યાવરણના સંરક્ષણ તેમજ સ્વચ્છતા જાળવવા કર્તવ્યનિષ્ઠ બનીએ એમ ભારપૂર્વક જણાવી મુખ્યમંત્રીશ્રીએ સુરતને દેશનું સૌથી સ્વચ્છ શહેર બનાવવામાં સુરતની સ્વચ્છતા ટીમ અને કર્મચારીઓના પુરૂષાર્થ-પરિશ્રમને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, ‘સ્વચ્છ સુરત’ માટે પાયાના પથ્થર સમાન સૌ સ્વચ્છતાકર્મીઓ સમગ્ર ગુજરાત માટે પ્રેરણારૂપ બન્યા છે
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, સરકારના કોઈપણ કાર્યમાં જનભાગીદારીથી વિકાસકાર્યો દીપી ઉઠે છે. સુરતે જનભાગીદારીથી વિકાસને નવી ઉંચાઈ બક્ષી છે. આગામી પ્રજાસત્તાક પર્વના સંદર્ભે તેમણે કહ્યું કે, આઝાદીના સમયમાં દેશ માટે મરવાના આહ્વાન થતા હતા, પરંતુ હવે આપણે આઝાદ અને પ્રજાસત્તાક રાષ્ટ્રમાં જીવીએ છીએ ત્યારે દેશને ઉપયોગી બની દેશ માટે જીવવાનું છે.

 

સુરતથી શરૂ થયેલા ‘જળસંચય જનભાગીદારી’અભિયાનને બિરદાવી તેમણે કહ્યું કે, જળકટોકટીની સમસ્યાથી ઉગરવા માટે અને ભાવિ પેઢીને આપણી કુદરતી સંપદાનો અમૂલ્ય વારસો આપવા માટે જળસંચય અભિયાન મહત્વપૂર્ણ બની રહેવાનું છે. જળસંચય માટે લોકોની સહભાગિતાને પ્રાધાન્ય આપવું જરૂરી છે, ત્યારે વરસાદનું ટીપે-ટીપું ભૂગર્ભમાં ઉતરે એ માટે સતત કાર્યશીલ રહેવા સૌને પ્રેરણા આપી હતી.
ભારત સરકારના નીતિ આયોગે દેશના પસંદ કરેલા પ્રદેશોમાં આર્થિક વિકાસને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે “ધ ગ્રોથ હબ “ (જી-હબ) પહેલ શરૂ કરી છે, જેમાં સુરત, ભરૂચ, નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લાઓના બનેલા ‘સુરત ઈકોનોમિક રિજીયન’ ઇકોનોમિક પ્લાનને સફળ બનાવવા રાજ્ય સરકારે પૂરતા વેગથી કામ આરંભી દીધું છે, જેના ઉમદા પરિણામો દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
વર્ષ ૨૦૦૩ થી જ ગુજરાત દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય છે એનો પણ મુખ્યમંત્રીશ્રીએ સહર્ષ ઉલ્લેખ કર્યો હતો.
ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સુરત વિશ્વના ઝડપી વિકસતા શહેરોમાં નામના ધરાવે છે. ગમે તેવી આફતને અવસરમાં પલટાવી દેવા માટે સુરતીઓ જાણીતા છે. પ્લેગ અને નેક પૂરોનો સામનો કરી આ શહેરે દેશને તેના ખમીર અને સ્પિરીટના દર્શન કરાવ્યા છે. વિકટ સમસ્યાઓનો સામનો કરવોએ સુરતની આગવી તાસીર રહી છે એમ જણાવી વિશ્વ ફલક પર ડાયમંડ અને ટેક્સટાઈલ ક્ષેત્રે જાણીતુ સુરત સ્વચ્છતામાં હવે પરમેનન્ટ નંબર બન્યું છે. જે માટે તમામ સુરતવાસીઓ, સ્વચ્છતાકર્મીઓ અને મનપાના અધિકારીઓ અભિનંદનને પાત્ર છે.
આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું હતું કે, સુરત શહેર આયોજનબદ્ધ રીતે આગળ વધતુ અને ધબકતું શહેર છે. જેમ જેમ સુરત ઝડપી વિસ્તરીત થઈ રહ્યું છે તેમ રાજ્ય- કેન્દ્ર સરકાર અને સુરત મનપા સાથે મળીને લોકોને વધુને વધુ ઈન્ફાસ્ટ્રકચર સહિતની સુવિધાઓ પૂરી પાડી રહ્યા છે. રાજ્યમાં હયાત આઠ મહાનગરપાલિકામાં રાજ્ય સરકારે હવે વધુ ૯ મહાનગરપાલિકાનું ગઠન કરીને રાજ્યના શહેરી વિકાસ ક્ષેત્રે મોટી છલાંગ લગાવી છે.
મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલે સ્વાગત પ્રવચન કરી સુરત મનપાની વિકાસયાત્રાની રૂપરેખા આપી મુખ્યમંત્રીશ્રીને આવકાર્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી સંદીપભાઈ દેસાઈ, પ્રવિણભાઈ ઘોઘારી, વિનોદભાઈ મોરડિયા, સંગીતાબેન પાટીલ, પૂર્ણશભાઈ મોદી, કાંતિભાઈ બલર, જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી, ડે. મેયર ડો.નરેન્દ્ર પાટીલ, સ્થાયી ચેરમેન રાજન પટેલ, શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી, વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, કોપોર્રેટરશ્રીઓ, મનપા અધિકારીઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
————————————–

 

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જર્મન સરકારની કંપની GIZ સાથે સુરત મહાનગરપાલિકા વચ્ચે અર્બન મોબિલિટીને સુદ્રઢ કરવા એમઓયુ થયા
. . . . . . . . . . . . . . .
સુરતની સતત વધી રહેલી વસતી અને ગામડાઓમાંથી સુરતમાં રોજગારી અર્થે મોટી સંખ્યામાં થઈ રહેલા સ્થળાંતરના કારણે વાહનવ્યવહાર, ટ્રાફિક, પાર્કિંગની સમસ્યા વધી રહી છે. જેથીજાહેર પરિવહન( માસ ટ્રાન્સપોર્ટેશન)ની જરૂરિયાત વધી છે. આ સમસ્યાના નિવારણ માટે તેમજ શહેરને સસ્ટેનેબલ અર્બન મોબિલિટીને વધુ સક્ષમ, સુદ્રઢ બનાવવા માટે સુરત ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભારત સરકાર, જર્મન એજન્સી GIZ, રાજ્ય સરકાર અને સુરત મનપા વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા હતા. મ્યુ. શાલિની અગ્રવાલ અને GIZ (ઈન્ડિયા)ના ડિરેક્ટર શ્રી ડેનિયલ મોઝેરએ હસ્તાક્ષરિત એમ.ઓ.યુ.ની આપલે કરી હતી.

 

 

 

 

Share this Article
Leave a comment