સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા, રાષ્ટ્રકક્ષાના માન્ય એસોસીયેશન તેમજ ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ વિજેતા થયેલ ખેલાડીઓ માટે ઉત્તમ તક
–
અહેવાલ : ઉમેશ ગાવિત
(પોલાદ ગુજરાત): આહવા: તા: ૧૭: રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓ રાષ્ટ્ર કક્ષાએ તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થઈ, રાજયનુ અને રાષ્ટ્રનુ ગૌરવ વધારે તેવા ઉમદા આશયથી રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા સ્વામી વિવેકાનંદ પ્રતિભા સંવર્ધક કેન્દ્રની યોજના શરૂ કરવામા આવી છે.
જે અંતર્ગત પ્રતિભાશાળી ખેલાડીઓની યાદી નિયત કરેલા ધારા ધોરણો અનુસાર તૈયાર કરી, રાજ્ય સરકારશ્રી દ્વારા આયોજીત ‘ખેલે ગુજરાત’ સમર કોચીંગ કેમ્પમા ભાગ લેવા આમંત્રણ આપવામા આવે છે. જે દરમિયાન આ યોજના અંતર્ગત સમાવિષ્ટ કુલ-૨૪ જેટલી રમતો માટે નક્કી થયેલી મહત્તમ સંખ્યા ૧૪૦૦ ની સામે ખેલાડીઓની પસંદગી કરવામા આવે છે.
પસંદગીના ધોરણો અને લાભો
ખેલ મહાકુંભમા રાજ્યકક્ષાએ પ્રથમ, દ્વિતિય કે તૃતિય સ્થાન પ્રાપ્ત કર્યું હોય, અથવા સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા યોજાતી રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામા, ગુજરાત રાજ્યનુ પ્રતિનિધિત્વ કરેલ હોય, કે વિજેતા થયેલ હોય તેવા ખેલાડીઓ.
રાષ્ટ્રકક્ષાના માન્ય એસોસીયેશન દ્વારા યોજાતી નેશનલ ચેમ્પીયનશીપમા ગુજરાત રાજ્યનુ પ્રતિનિધિત્વ કર્યું હોય, કે વિજેતા થયેલ હોય.
આ ત્રણ સિધ્ધીઓમાંથી કોઈ પણ એક અથવા વધુ સિધ્ધી પ્રાપ્ત કરનાર, જે તે વર્ષના ખેલાડીઓને તે વર્ષ માટે, જે તે રમત માટે નક્કી કરેલી મહત્તમ સંખ્યાની મર્યાદામા આ યોજનામા પ્રવેશ પસંદગી માટે ક્વોલીફાઈડ ગણવામા આવે છે.
આ ખેલાડીઓને સ્ટાઈપન્ડ રૂ. ૭૫૦/- (પ્રતિમાસ), રાષ્ટ્ર તથા રાજયકક્ષાની સ્પર્ધામા ભાગ લેવા જવા માટેનો પ્રવાસ ખર્ચ રૂ. ૩૦૦૦/- (વાર્ષિક), સ્પેશયલ પૌષ્ટીક આહાર ભથ્થુ, રૂ.૭૦/- પ્રતિદિન, તાલીમ માટે દરરોજ આવવા-જવા માટેનો પ્રવાસ ખર્ચ (રૂ.૬૦ લેખે પ્રતિ દિન) રૂ.૧૮૦૦/- , મેડીકલ વીમો (સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા) રૂ.૧ લાખનો મેડીકલ વીમો, પ્રતિ ખેલાડી દીઠ વાર્ષિક અંદાજીત રૂ.૬૫,૦૦૦/- જેટલો ખર્ચ કરવામા આવે છે.
સાથે જ વૈજ્ઞાનિક ઢબે તાલીમ, પોષણયુક્ત આહાર, એજ્યુકેશન, ટ્રેનિંગ અને ટુર્નામેન્ટ એક્સપોઝર, અદ્યતન સાધન, અને સ્પોર્ટસ કીટ : પ્રતિ ખેલાડી દીઠ વાર્ષિક અંદાજીત કુલ રૂ.૩ લાખનો ખર્ચ કરવામા આવે છે.
આ ઉપરાંત સંબધિત ખેલાડીઓને વિશિષ્ટ કોચીંગ જે તે રાજ્યકક્ષાની એકેડમી ખાતે મળી રહે તે હેતુથી, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના એક્સપર્ટ કોચની નિમણુક પણ કરવામા આવે છે.
વધુમા, તાલીમ દરમિયાન ખેલાડીઓને થતી ઈજાઓના તાત્કાલીક નિવારણ અને માવજત માટે ફિજીયોથેરાપિસ્ટ, મસાઝર, ફિટનેશ ટ્રેનર, તેમજ પોષણયુક્ત ભોજન માટે ન્યુટ્રીશનીસ્ટની સેવાઓ પણ લેવામા આવે છે.
સ્વામી વિવેકાનંદ બિન નિવાસી પ્રતિભા સંવર્ધન કેન્દ્ર, તથા સ્વામી વિવેકાનંદ પ્રતિભા સંવર્ધન કેન્દ્ર (એકેડમી) યોજના અંતર્ગત અત્યાર સુધીમા ૭ હજારથી પણ વધુ ખેલાડીઓનો સમાવેશ કરવામા આવ્યો છે.