(પોલાદ ગુજરાત) : આહવા: તા: ૩: ડાંગ જિલ્લાની એડિશનલ સેશન્સ કોર્ટ-આહવાના ન્યાયાધીશ શ્રી રાહુલ પી.એસ.રાઘવ દ્વારા આજ રોજ વઘઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મર્ડરના ગુના રજીસ્ટર નંબર : ૧૧૨૧૯૦૦૭૨૦૦૮૩૦/૨૦૨૦, સેશન કેસ નંબર ૨૧/૨૦૨૧ના આરોપી, મંગુભાઈ કુલ્યાભાઈ સિંગાડને આજીવન કેદની સજા ફરમાવી છે.
આરોપી મંગુભાઈ કુલ્યાભાઈ સિંગાડે પોતાની પત્ની સારજુબેનને બીજા સાથે પ્રેમ સબંધ હોવાનો વહેમ રાખી ઝગડો તકરાર કરી, કુહાડા વડે ગળાના ભાગે, માથાના ભાગે, પીઠના ભાગે તથા હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નીપજાવી ગુનો કર્યો હતો. આ ગુના બાબતે વઘઈ પોલીસ સ્ટેશનમા ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યાર બાદ વઘઈ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી કેસ આહવા સેશન્સ કોર્ટમા ચલાવવામાં આવ્યો હતો.
આહવા સેશન્સ કોર્ટમા સરકારી વકીલ શ્રી સી.એમ. ઠાકરે દ્વારા આરોપી વિરુદ્ધ પુરાવાઓ રજૂ કરી ધારધાર રજુઆત કરતા, આહવા કોર્ટના વિદ્વાન ન્યાયાધીશ શ્રી રાહુલ પી.એસ. રાઘવ દ્વારા આરોપીને ઈ.પી.સી.કલમ ૩૦૨ મુજબ આ સજા ફરમાવવામાં આવી છે.