પૂર્ણ થયેલા વિકાસકામોની વિગતો સી.એમ.ડેશબોર્ડમા મોકલવા તથા નવા આયોજન અગાઉ સ્થળ ચકાસણીની હિમાયત કરતા પ્રભારી મંત્રીશ્રી
આહવા; તા; ૪; વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની વિવેકાધીન જોગવાઈ હેઠળના સને ૨૦૧૮/૧૯ના વર્ષના પૂર્ણ થયેલા ૧૫૯ જેટલા વિકાસ કામોની વિગતો રાજ્ય કક્ષાએ સી.એમ.ડેશબોર્ડ ખાતે મોકલી આપવાની સુચના આપતા ડાંગના પ્રભારી મંત્રી શ્રી રમણલાલ પાટકરે વિકાસ પ્રકલ્પો માટે જમીન મેળવવા જેવા કામોમા સ્થાનિક પદાધિકારીઓનો સહયોગ મેળવવાની સંબંધિત વિભાગને સુચના આપી હતી.આહવા ખાતે સને ૨૦૧૮/૧૯ થી ૨૦૨૦/૨૧ ના વર્ષના વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળના કામોની સમીક્ષા કરતા મંત્રી શ્રી પાટકરે પ્રોત્સાહક જોગવાઈ, ધારાસભ્ય ફંડ, વિકાસશીલ તાલુકા, રાષ્ટ્રીય પર્વ, એમ.પી.જોગવાઈ, અને એ.ટી.વી.ટી. યોજના હેઠળના પ્રગતિ હેઠળના કુલ ૧૩ કામોની સુક્ષ્મ ચર્ચા કરી રદ થયેલા ૩ જેટલા કામો, અને તેની ગ્રાન્ટ બાબતે જરૂરી માર્ગદર્શન પૂરુ પાડ્યુ હતુ.ગ્રામ પંચાયત હસ્તકના કામો બાબતે તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા આવા કામો સત્વરે પૂર્ણ થાય તે માટે સહયોગ મેળવીને આવા કામો સત્વરે પૂર્ણ કરવાની સુચના આપતા મંત્રી શ્રી રમણલાલ પાટકરે વિકાસ કામો બેવડાય નહિ તે જોવાની પણ હિમાયત કરી હતી.નવા મંજુર કરાતા કામોની દરખાસ્ત કરતા અગાઉ આવા કામો માટેના સ્થળની જે તે અમલીકરણ અધિકારીઓ દ્વારા સ્થળ ચકાસણી થાય તે સુનિશ્ચિત કરવાની હિમાયત કરતા મંત્રી શ્રી પાટકરે સને ૨૦૧૯/૨૦ના રૂ.૨૪૧૫ લાખના ૬૪૫ કામો, અને ૨૦૨૦/૨૧ ના વર્ષના રૂ.૨૧૨૫ લાખના ૫૨૭ કામોની પણ સમીક્ષા હાથ ધરી હતી.આહવા (લશ્કર્યા) ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયેલા મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમમા યોગદાન આપનારા તમામ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓને અભિનંદન પાઠવતા કલેકટર શ્રી એન.કે.ડામોરે સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓને ધ્યાને રાખીને વિકેન્દ્રિત જિલ્લા આયોજન મંડળના તમામ કામો સત્વરે પૂર્ણ કરવાનો અનુરોધ કર્યો હતો. કલેકટરશ્રીએ વિકાસકામો માટેની નિયત થયેલી સમયમર્યાદા જાળવવાની સુચના આપતા કામોની ગુણવત્તા બાબતે કોઈ કચાશ ચલાવી નહિ લેવાઈ તેમ પણ જણાવ્યુ હતુ.બેઠકની કાર્યવાહી સંભાળતા નિવાસી અધિક કલેકટર-વ-ઇન્ચાર્જ જિલ્લા આયોજન અધિકારી શ્રી ટી.કે.ડામોરે વિકાસકામોના આયોજન, પ્રગતિ અને લક્ષ્યાંક સિદ્ધિની વિગતો રજુ કરી હતી.
ડાંગ જિલ્લા સેવા સદન, આહવા ખાતે આયોજિત બેઠકમા ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ સહીત જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણીયા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજા, નાયબ વન સંરક્ષકો સર્વશ્રી અગ્નીશ્વર વ્યાસ અને નીલેશ પંડ્યા, પ્રાયોજના વહીવટદાર શ્રી કે.જે.ભગોરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી આર.બી.ચૌધરી, પ્રાંત અધિકારી સુશ્રી કાજલ ગામીત, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.સંજય શાહ, સિવિલ સર્જનશ્રી ડો.રશ્મીકાંત કોકણી, કાર્યપાલક ઈજનેરો સર્વશ્રી ડી.બી.પટેલ, એસ.આર.પટેલ, ગીતાબેન પટેલ, વાસ્મોના યુનિટ મેનેજર શ્રી હેમંત ઢીમ્મર સહિતના વિવિધ અમલીકરણ અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામા ભાગ લીધો હતો.