કામરેજ ખાતે બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા ‘સુરક્ષિત બાળક: સુવિકસિત ભારત’ અંતર્ગત ઝોનલ વર્કશોપ યોજાયો

adminpoladgujarat
adminpoladgujarat
4 Min Read

બાળકોના અધિકારોનું રક્ષણ કરવાની જવાબદારી સરકારી વ્યવસ્થાતંત્ર, કુટુંબ અને સમગ્ર સમાજની સહિયારી છે: આયોગના ચેરપર્સન ધર્મિષ્ઠાબેન ગજ્જર

‘ચાઈલ્ડ સેફ્ટી’ના પ્રોટોકોલ્સનું ચુસ્ત પાલન થાય તે આપણી પ્રાથમિકતા હોવી જોઈએ: જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધી

વર્કશોપમાં પોલીસતંત્ર, વહીવટીતંત્ર અને વિવિધ વિભાગના અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો: બાળકોના અધિકારોની સુરક્ષા અંગે સૌ સંકલ્પબદ્ધ થયા

(પોલાદ ગુજરાત) સુરત:શુક્રવાર: ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા સુરત જિલ્લાના કામરેજ ખાતે દક્ષિણ ગુજરાત ઝોન માટે ‘બાળ અધિકારો: જાગૃતતા અભિયાન’ અંતર્ગત એક વિશેષ વર્કશોપ યોજાયો હતો. ‘સુરક્ષિત બાળક, સુવિકસિત ભારત’ના સંકલ્પ સાથે દક્ષિણ ગુજરાતના સુરત સહિત ભરૂચ, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ એમ ૬ જિલ્લાના ૮૦૦ જેટલા પ્રતિનિધિઓ માટે દલપત રામા ભવન, રામકબીર શૈક્ષણિક સંકુલ, કામરેજમાં આયોજિત વર્કશોપમાં બાળકોના સર્વાંગી વિકાસ અને કલ્યાણ માટે શિક્ષણ, સ્વાસ્થ્ય, સુરક્ષા અને સહભાગિતા જેવા ચાર મુખ્ય વિષયો પર અલગ અલગ નિષ્ણાંતો દ્વારા જાણકારી અને તાલીમ આપવામાં આવી હતી.
આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય બાળ અધિકારો પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને બાળકો માટે એક સુરક્ષિત વાતાવરણ નિર્માણ કરવાનો હતો. વર્કશોપમાં પોલીસતંત્ર, વહીવટીતંત્ર અને વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ શાળાના આચાર્યો, શિક્ષકો, પોલીસ વિભાગ, કાયદા વિભાગના અધિકારી-કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને બાળકોના અધિકારોની સુરક્ષા અંગે સૌ સંકલ્પબદ્ધ થયા હતા.

આ પ્રસંગે સુરત જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીએ જણાવ્યું હતું કે, બાળકો એ રાષ્ટ્રની સાચી સંપત્તિ છે. તેમના સુરક્ષિત વર્તમાનમાં જ ભારતનું સુવિકસિત ભવિષ્ય છુપાયેલું છે. વહીવટીતંત્રના દરેક વિભાગે સંકલન સાધીને એ સુનિશ્ચિત કરવું જોઈએ કે કોઈ પણ બાળક તેના મૂળભૂત અધિકારોથી વંચિત ન રહે. ખાસ કરીને છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચે અને ‘ચાઈલ્ડ સેફ્ટી’ના પ્રોટોકોલ્સનું ચુસ્ત પાલન થાય તે આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું કે, બાળકોના હિતો અને તેમના અધિકારો માટે કામ કરતા જાહેર વિભાગોના અધિકારી-કર્મચારીઓએ આ કાર્યશિબિરમાંથી ઉમદા ભાથું શીખી વહીવટી સ્તરે બાળકોના કલ્યાણ માટેની દરેક નીતિમાં અમલીકૃત કરે એ માટે સૌના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી.
ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષા શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરે પ્રાસંગિક ઉદબોધન આપી બાળકોના સુરક્ષિત ભવિષ્ય માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બાળકોના અધિકારોનું રક્ષણ કરવાની જવાબદારી સરકારી વ્યવસ્થાતંત્ર, કુટુંબ અને સમગ્ર સમાજની સહિયારી છે એવો મત તેમણે વ્યક્ત કર્યો હતો.

પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોતે પોલીસ વિભાગ દ્વારા બાળકો અને મહિલાઓની સુરક્ષા માટે લેવામાં આવતા પગલાં વિષે જણાવી તેમની સુરક્ષા એ પોલીસ વિભાગની પ્રાથમિકતા હોવાનું કહ્યું હતું. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી વિજયભાઈ પરમારે શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
કાર્યક્રમના વિવિધ સત્રોમાં નિષ્ણાતો દ્વારા બાળઅધિકારો અને સુરક્ષાના વિવિધ વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. પ્રથમ સત્રમાં આયોગના સચિવ શ્રી ડી.ડી. કાપડિયાએ આયોગની કામગીરી અને કાયદાકીય જોગવાઈઓ વિશે પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપી હતી, જ્યારે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ શ્રી ડી.આર. જોશીએ POCSO અને જે.જે. એક્ટના અસરકારક અમલીકરણ અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. જિજ્ઞાબેન સોનીની પેનલ દ્વારા ઓપન હાઉસ ચર્ચા યોજાઈ હતી. બીજા અને ત્રીજા સત્રમાં બાળ શ્રમિકોના પડકારો અંગે શ્રી એચ.એસ. ગામિત અને બાળ માનસની સમસ્યાઓ અંગે ડો. નવીનભાઈ પટેલે વક્તવ્ય આપ્યું હતું. જિ. સમાજ સુરક્ષા અધિકારી શ્રી પટેલે આભાર વિધિ કરી હતી.

પોક્સો (POCSO) એક્ટ અને રાઈટ ટુ એજ્યુકેશન (RTE) જેવા કાયદાઓના અસરકારક અમલીકરણ માટે વિવિધ વિભાગો વચ્ચે સંકલન સાધવા, પડકારો પર ચર્ચા કરવા અને શ્રેષ્ઠ પદ્ધતિઓના આદાન-પ્રદાન માટે વિષય નિષ્ણાંતોએ સમજ આપી હતી. ઉપસ્થિત સૌએ બાળ સુરક્ષા સંકલ્પ ગ્રહણ કર્યા હતા.
આ કાર્ય શિબિરમાં સમાજ સુરક્ષા અધિકારી શ્રી પટેલ, આસિસ્ટન્ટ લેબર કમિશ્નર શ્રી એચ.એસ ગામીત, પ્રાદેશિક માહિતી કચેરીના સંયુક્ત માહિતી નિયામક શ્રી અરવિંદ મછાર, શ્રી કમલેશ રાઠોડ, શ્રીમતી અમૃતાબેન અખિયા, શ્રીમતી વર્ષાબેન પટેલ, બાળ આયોગના સભ્યોએ ઉપસ્થિત રહી પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

Share this Article
Leave a comment