ગણેશ પ્રાગટ્ય દિન, પાલ સિદ્ધિ વિનાયક મંદિરે ગણેશ યાગનું આયોજન

adminpoladgujarat
adminpoladgujarat
2 Min Read

(અશોક મુંજાણી) 

સુરત, તા.31
તા.1લી ફેબ્રુઆરીના રોજ માઘ શુક્લ ચતુર્થીનો દિન એટલે કે ગણપતિ ભગવાનનો પ્રાગટ્ય દિવસ ગણાય છે. આ દિવસે સુરતના પાલ પાટીયા સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ખાસ શ્રીગણેશ પ્રાગટ્યોત્સવનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રસંગે સવાસો કિલોનો મોતી ચૂરનો લાડું સિદ્ધિ વિનાયક ગણપતિ ભગવાનને ધરાવવામાં આવશે અને એ પછી પ્રસાદ લોકોમાં વિતરીત કરવામાં આવશે. સંધ્યાકાળે ભવ્યાતિભવ્ય આતશબાજીનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે.

વધુ માહિતી આપતા સિદ્ધિ વિનાયક મંદિર પાલના ટ્રસ્ટી નીતિન મહેતાએ જણાવ્યું હતું કે આગામી શનિવારે તિલકુદ ચતુર્થી છે અને એ દિવસને શાસ્ત્રોમાં દેવાધિદેવ ગણપતિ બાપ્પાનો પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પાલ પાટિયા સ્થિત સિદ્ધ વિનાયક ગણપતિ મંદીરમાં આ દિવસે વહેલી સવારથી મોડી સાંજ સુધી અનેક ધાર્મિક-આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ગણેશ પ્રાગટ્યોત્સવ નિમિત્તે શનિવારે વહેલી સવારે 5.30 કલાકે સિદ્ધિ વિનાયક મંદિર, પાલમાં કેસર સ્નાનથી પૂજા-અર્ચના, આારાધના શરૂ થશે. આ પ્રસંગે ભવ્ય ગણેશ યાગનું આયોજન સવારે 9 વાગ્યાથી કરવામાં આવ્યું છે. આ ગણેશ યાગની પૂર્ણાહૂતિ સાંજે 5.30 કલાકે નાળીયેર હોમવાની સાથે થશે. એ પછી હાલમાં શહેરની જરૂરીયાત મુજબ સુરત રક્તદાન કેન્દ્રના સહયોગ સાથે મંદિર પરીસરમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ઋષિકુમારો દ્વારા વેદપારાયણનું ઉચ્ચારણ કરવામાં આવશે.
એ પછી ભગવાન ગણપતિ દાદાની ભવ્ય મહાઆરતીનું આયોજન સાંજે 7 કલાકે હાથ ધરવામાં આવ્યું છે. તેમજ રાત્રે 8.30 કલાકે ભજન સંધ્યા યોજવામાં આવી છે.
નીતિન મહેતાએ ઉમેર્યુ કે દર વર્ષે ગણેશ પ્રાગ્ટયોત્સવમાં પાલ પાટિયા સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરમાં સમગ્ર ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં ગણેશ ભક્તો પરીવાર સમેત દર્શનાર્થે, પૂજાપાઠ માટે આવતા હોય છે. આ વખતે દર્શનાર્થે આવનારા લોકો માટે મંદિરમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર મેનેજમેન્ટ દ્વારા દરેક ભાવિકોને સમગ્ર દિવસ દરમિયાન તેમના અનુકૂળ સમયે દર્શનાર્થે પધારવાનું નિમંત્રણ આપવામાં આવ્યું છે.

Share this Article
Leave a comment