વિવિધ યોજનાઓના ૮૨૧ લાભાર્થીઓને કુલ રૂ.૨૯૨.૬૯ લાખની સહાયનું પણ કરાયું વિતરણ
આહવા : તા.૯ : “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણી કરતાં રાજ્ય સરકારે, બહુલ આદિજાતિ વસ્તી ધરાવતા ડાંગ જિલ્લાને કુલ રૂ.૭૪.૯૫ કરોડના ૮ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત, અને રૂ. ૧૦.૨૫ કરોડના ૧૨ કામોનું લોકાર્પણ કરી, “આદિવાસી દિવસ” ની ભેટ આપી છે.
આહવા ખાતે ડાંગ સ્વરાજ આશ્રમના પટાંગણમાં આયોજિત “વિશ્વ આદિવાસી દિવસ” ઉજવણી કાર્યક્રમના મંચ ઉપરથી, રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલે ડાંગવાસીઓને આ વિકાસ કાર્યોની ભેટ આપી હતી.
જે આઠ કામોનું અહીથી ખાતમુહૂર્ત કરાયું છે. તેમાં પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હસ્તકના (૧) જામલાપાડા-ઉગા રોડ, (૨) નાનાપાડા-ખાપરી રિવર રોડ, (૩) સાકરપાતળ-સુરગાણા રોડ, (૪) ચિખલા-બરડીપાડા (વાયા ભાગરાપાણી) રોડ, (૫) કૂડકસ ચિકાર રોડ, તથા (૬) વડથલ-ભવાનદગડ (વાયા સુંદા ) રોડ સહિત રાજય માર્ગ અને મકાન વિભાગના (૧) આહવા-ચિંચલી-બાબુલઘાટ રોડ, અને (૨) સાપુતારા ખાતે ન્યુ રેસ્ટ હાઉસના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું.
આ ઉપરાંત પંચાયત હસ્તકના (૧) માળુંગા થી શ્રીભુવન રોડ, (૨) દેવીપાડા થી હાડકાઈચોંડ રોડ, (૩) કિલાઈબારી થી ભેંડમાળ રોડ, (૪) ઝાવડા થી પારડી રોડ, (૫) કાલીબેલ થી ટેક્પાડા રોડ, સહિત (૫) ભુજાડ થી બરડીપાડા રોડનું લોકાર્પણ પણ મંત્રીશ્રી ના હસ્તે કરાયું હતું.
ગ્રામ્ય માર્ગો ઉપરાંત ડાંગ જિલ્લામાં ગારખડી-૨ ચેકડેમ, વાંવદા ચેકડેમ અને ગોળષ્ટા ચેકડેમ તથા બરડીપાડા, ઝરી-૨ અને ગાઢવી-૧ ગામે તૈયાર થયેલા આંગણવાડી કેન્દ્રોનું પણ લોકાર્પણ કરાયું હતું.
આ ઉપરાંત કાર્યક્રમના ભાગરૂપે વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ પણ, મંત્રીશ્રી સહિતના મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું.
ડાંગ જિલ્લામાં આજે વન અધિકાર અધિનિયમ-૨૦૦૫ ના ૧૮૪ લાભાર્થીઓને અધિકાર પત્રો એનાયત કરવા સાથે, બોર્ડર વિલેજ આવાસ યોજના, વ્યક્તિગત આવાસ યોજના, કુંવરબાઈનું મામેરું યોજના, બોર્ડર વિલેજના પશુપાલકો માટેની દુધાળા પશુઓની ખરીદીની યોજના, સ્માર્ટ ફોન સહાય યોજના, દિવ્યાંગ વ્યક્તિઓ માટેના બસ પાસની યોજના, સંત સુરદાસ યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, વૃદ્ધ પેન્શન યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, પાલક માતાપિતા યોજના, ઉજ્જવલા યોજના, આયુષ્યમાન કાર્ડ યોજના, અને માલિકી યોજના જેવી વિવિધ યોજનાઓના ૮૨૧ લાભાર્થીઓને કુલ રૂ.૨૯૨.૬૯ લાખની સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે.
ડાંગ જિલ્લામાં ઉજવાયેલા ‘વિશ્વ આદિવાસી દિવસ’ ના કાર્યક્રમ દરમિયાન, આદિજાતિ સમાજના પાંચ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓનું મુખ્ય સ્ટેજ ઉપરથી સન્માન કરવા સાથે, રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કુષ્ઠ દેખાવ કરનારા અગિયાર જેટલા રમતવીરો, આદિવાસી વિસ્તારમાં રહીને આદિજાતિ પરિવારના આરોગ્યનું જતન સંવર્ધન કરતા, શ્રેષ્ઠ કામગીરી કરનારા આરોગ્ય કર્મચારી, અને શ્રેષ્ઠ દૂધ મંડળીનું સંચાલન કરતા સંચાલકનું પણ સન્માન કરાયું હતું.
–