ડાંગ જેવા પહાડી વિસ્તારના વાહનચાલકો માટે માર્ગદર્શિકા જાહેર કરતું વાહન વ્યવહાર વિભાગ

adminpoladgujarat
adminpoladgujarat
2 Min Read

પ્રવાસી વાહનચાલકો પણ સાવચેત રહે

(પોલાદ ગુજરાત): આહવા: તા: ૧૫: સહ્યાદ્રિ પર્વતમાળામાં આવેલા ડાંગ જિલ્લાના પહાડી વિસ્તારના સર્પાકાર માર્ગો, ઊંચા પહાડો, ઊંડી ખીણો અને દુર્ગમ વિસ્તારમાં માર્ગ અકસ્માતને રોકી પ્રજાકીય જાનમાલને થતા નુક્શાનને અટકાવવા માટે, વાહન વ્યવહાર વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી છે.

સામાન્ય રીતે પહાડી વિસ્તારમાં વાહન ચલાવવું મુશ્કેલ હોય છે. ત્યારે અનુભવી અને કાબેલ ચાલકો દ્વારા જ અહીં ડ્રાઇવિંગ કરાય તે ઈચ્છનીય છે.

અહીંની વિષમ ભૌગોલીક સ્થિતિને લીધે મેદાની વિસ્તારો પર વાહન ચલાવવા કરતાં અહીં ખાસ પ્રકારના કૌશલ્ય અને મગજના સંતુલનની જરૂરિયાત રહે છે. આવા દુર્ગમ પ્રદેશના માર્ગો, સામાન્ય માર્ગો કરતા અલગ રીતે ડિઝાઈન કરેલા હોય છે.

સંખ્યાબંધ વળાંકોને લીધે વાહનચાલકની દ્રષ્ટિની એક મર્યાદા હોવાને લીધે, ચાલકે વાહનને વધુ પડતું વાળવું પડતું હોઇ તેમને વધુ થાકે લાગતો હોય છે.

જ્યારે પહાડ પર વાહન ચલાવવાનું થાય ત્યારે વાહન ચાલકે કેટલીક ખાસ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. જેથી માર્ગ અકસ્માતથી થતું નુકશાન અટકાવી શકાય. તે માટે ડાંગના વાહન વ્યવહાર અધિકારી શ્રી સી.આર.પટેલ દ્વારા પ્રજાકીય જાગૃતિ અર્થે કેટલીક ટિપ્સ જારી કરવામાં આવી છે.

• વાહનચાલક જો અનુભવી ન હોય તો, પહાડી માર્ગો પર વાહન ચલાવવુ જોઈએ નહીં.
• હંમેશા ઝડપની મર્યાદા અનુસરી,અને વળાંક પર ઝડપ ઘટાડવી જોઈએ,
• વાહન ચલાવતી વખતે હંમેશાં સાવધ રહી, જરા પણ ધ્યાન વિચલિત કરે એવા કાર
સ્ટીરીઓ, મોબાઈલનો ઉપયોગ વિગેરેને ટાળવા જોઈએ,
• પહાડ ઉપર ચઢતા ટ્રાફિકને માર્ગ આપીને તેમને પ્રાધાન્ય આપવુ જોઈએ,
• આલ્કોહોલ પીધા પછી ક્યારેય વાહન ચલાવવુ નહીં,
• વળાંકો, વક્રો અને પુલો પર ઓવરટેક કરવુ નહીં,
• વાહનને ઓવરલોડ કરવા નહીં,
• વળાંકો અને હેરપિન બેન્ડ્સ પર ક્લચ પેડલ્સનો ઉપયોગ કરવાનું ટાળવુ,
• પહાડ પરથી ઉતરતી વખતે વાહનને ન્યુટ્રલ ગિયર પર ચલાવશો નહીં,
• હંમેશાં વળાંક પર હોર્ન વગાડવો,
• પહાડની સફર શરૂ કરો તે પહેલા હંમેશાં વાહનની તપાસ કરો, ખાસ કરીને બ્રેક્સ અને ટાયર્સની ચકાસણી કરી લેવી જરૂરી છે.

Share this Article
Leave a comment