ડાંગમાં શિક્ષણનો પ્રકાશ ફેલાવનાર અને ડાંગ જિલ્લાને ગુજરાત રાજ્યમાં સમાવવા મહત્વનો ભાગ ભજવનાર નાયક બંધુઓની સાક્ષી પુરતી આ પાવન ભુમી એટલે ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે ભાજપા કાર્યક્રતાઓએ સાફસફાઈ અભિયાન, સ્વંત્રસેનાનીની મુલાકાત, મહાપુરુષોનું સન્માન, ટીફીન બેઠક જેવા વિવિધ કાર્યક્રમો યોજી ગુજરાત સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી.
જિલ્લા સંગઠન મહામંત્રી હરિરામભાઈ સાવંતની ઉપસ્થિતિમાં સૌપ્રથમ અહીં આવેલ હનુમાનજી મંદિરની સાફ સફાઈ કરી, પુજા અર્ચના કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ અહીંની ઐતિહાસિક સ્મૃતિ થકી પ્રેરણા આપનારી સરદાર વલ્લભભાઈ પટેલ, પુર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ અને સ્વતંત્ર સેનાની સ્વ. છોટુભાઈ નાયકની પ્રતિમાઓને ફૂલહાર, પુષ્પાંજલિ અર્પણ કરી આ મહાપુરુષોએ દેશ માટે આપેલ યોગદાનને યાદ કરવામાં આવ્યું.
૯૦ ની આયુ પાર કરવા છતાં દેશ, રાજ્ય અને ડાંગ માટે હજુ પણ એજ જુસ્સો અને લાગણી દાખવનારા સ્વતંત્ર સેનાની આદરણીય ગાંડાકાકા સાથે મુલાકાત વેળા સૌ કાર્યકર્તાઓએ તેમના ચરણ સ્પર્શ કરી ખરા અર્થમાં રાષ્ટ્ર પ્રેમ અને અંત્યોદય વ્યક્તિના વિકાસ માટેની પ્રેરણા મેળવી. ગુજરાત સ્થાપના દિન નિમિત્તે ઈતિહાસને સ્મરણ કરી ભાવુક થયેલા શ્રી ગાંડા કાકાએ ભારત માતા કી જય ના નારાનો ઉદઘોષ કરાવી યુવા કાર્યકર્તાઓને દેશ માટે હરહંમેશ સમર્પિત રહેવાનું ઉત્તમ દ્રષ્ટાંત પુરું પાડી સૌને આશીર્વાદ આપ્યા.
ત્યારબાદ સૌ કાર્યકર્તાઓએ સંસ્થાના સંચાલક વનરાજભાઈ નાયક અને સ્વતંત્ર સેનાની સ્વ. છોટુભાઈ નાયકના પુત્રવધુ પાર્વતીબેન ગટુલભાઈ નાયક સાથે મુલાકાત કરી. અહીં ઐતિહાસિક પ્રસંગોને સ્મરણ કરતાં સ્વ. છોટુભાઈ નાયક, સ્વ. ધીરુભાઈ નાયક, સ્વ. ઘેલુકાકા, સ્વ. ગટુલભાઈ નાયક સહિત સૌ વ્યક્તિ વિશેષને યાદ કરી ડાંગ જિલ્લાની શૈક્ષણિક, રાજકીય ચર્ચા કરતાં કરતાં ટીફીન બેઠક કરી સૌ કાર્યકર્તાઓએ સમૂહમાં ભોજન લીધું.
આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મહામંત્રી હરિરામભાઈ સાવંત, કાર્યાલય મંત્રી મેરીશ પવાર, આહવા મંડલ મહામંત્રી સતિષભાઈ સૈદાણે, જિલ્લા બક્ષિપંચ મોરચા પ્રમુખ વિશ્વનાથભાઈ મહાલે, જિલ્લા યુવા મોરચા મહામંત્રી આઝાદસિંહ બઘેલ, આહવા તાલુકા યુવા મોરચા પ્રમુખ જીગરભાઈ પટેલ, આહવા તાલુકા યુવા ઉપપ્રમુખ સિદ્ધાર્થભાઈ નાયક, ગ્રામ પંચાયત સદસ્ય મહેન્દ્રભાઈ લાવરે, રોહિતભાઈ કાનત, નવનાથભાઈ સહિત યુવા કાર્યકર્તાઓએ ઉત્સાહભેર ભાગ લીધો.