ગિરિમથક સાપુતારા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ચાર માર્ગીય માર્ગનુ નિર્માણ કરાશે – માર્ગ મકાન મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદી

adminpoladgujarat
adminpoladgujarat
7 Min Read

સાપુતારા થી વઘઇના ઘાટ માર્ગો ઉપર અકસ્માત નિવારણ અર્થે
અધ્યતન ટેકનૉલોજિ થી સજ્જ રોલર બેરિંગ પ્રોટેક્શન વોલ ઉભી કરાશે :

ડાંગ જિલ્લાને રૂ.૫૪૮.૮૮ લાખના બે વિકાસ કામોની ભેટ મળી :

આહવા : તા : ૨૪ : ઉમરગામ થી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારના શ્રીરામ ભક્ત શ્રદ્ધાળુઓને, અયોધ્યા સ્થિત પ્રભુ શ્રી રામના દર્શનાર્થ માટે ગુજરાત સરકારનુ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ રૂ.૫/- હજારની આર્થિક સહાય કરી રહી છે, તેમ યાત્રાધામ વિકાસ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદીએ ડાંગના આંગણેથી ફરી એકવાર જણાવ્યુ હતુ.
ડાંગ જિલ્લામા રૂ.૫૪૮.૮૮ લાખના માર્ગ અને મકાન વિભાગના બે પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ માટે પધારેલા મંત્રીશ્રીએ માછળી અને ધવલીદોડ ખાતે આયોજિત કાર્યક્રમમા પ્રવાસન અને યાત્રાધામ વિકાસના માધ્યમથી સ્થાનિક રોજગારીનુ વિપુલ પ્રમાણમા નિર્માણ થઈ રહ્યુ છે તેમ ઉમેર્યુ હતુ.
મંત્રીશ્રીએ ગિરિમથક સાપુતારા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના નવા ચાર માર્ગિય રાજ્ય ધોરીમાર્ગની જાહેરાત કરતા, આ ફોરલેન રોડ સાપુતારા થી ગલકુંડ, આહવા, સુબિર, સોનગઢ, ઉકાઈ થઈ કેવડીયા સુધી વિસ્તારાશે, જેના માર્ગમા આવતા વિસ્તારોમા મોટે પાયે સ્થાનિક રોજગારીનુ સર્જન શક્ય બનશે તેમ કહ્યુ હતુ.

આ ઉપરાંત નેશનલ હાઇ વે નંબર ૪૮ ઉપર આવેલા ચિખલી થી ગિરિમથક સાપુતારા સુધીના માર્ગને ફોરલેન બનાવવાનુ બાકી કામ પૂર ઝડપે પૂર્ણ થાય તે દિશામા પણ રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે, તેમ જણાવતા શ્રી પૂર્ણેશભાઈ મોદીએ, વઘઇ થી સાપુતારા સુધીના ૫૦ કિલોમીટરના ઘાટ માર્ગ ઉપર અકસ્માતમા જાનહાનિને અટકાવી શકાય તે માટે અહી રૂ.૧૦ કરોડના ખર્ચે અધતન ટેકનૉલોજિ ધરાવતા રોલર બેરિંગ પ્રોટેકશન વોલનુ નિર્માણ કરાશે તેમ પણ વધુમા જણાવ્યુ હતુ.
આ ઉપરાંત નાના મોટા તમામ પ્રવાસન યાત્રા સ્થળોને જોડતી પ્રવાસન સર્કિટના વિકાસની નેમ વ્યક્ત કરતા મંત્રીશ્રીએ એડવેન્ચર અને ફોરેસ્ટ ટુરિઝમનો પણ વિકાસ કારશે તેમ જણાવ્યુ હતુ.

ડાંગના આંગણે વઘઇ તાલુકાના માછળી-ચિખલા-દિવડીયાવનને જોડતા નવા પુલનુ ખાતમુહૂર્ત, અને ધવલીદોડ-ધૂડા-પીપલાઇદેવી માર્ગના નવિનીકરણ બાદ લોકાર્પણના કાર્યક્રમ માટે પધારેલા રાજ્યના માર્ગ અને મકાન મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદીએ, રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમા ગુજરાતના ડુબાણમા જતા કુલ ૨૯૫ લો લેવલ કોઝવે માટે રૂ.૫૦૦/- કરોડ, અને આઝાદી બાદ, રાજયમા પ્રથમ વખત રાજ્યના ૧૮ જિલ્લાઓના ૪૧૭ જેટલા પેટા પરાના રોડ માટે પણ રૂ.૫૦૦/- કરોડની જોગવાઈ નોન પ્લાન સદરે કરીને, છેવાડાના માનવીઓ સુધી સુવિધા પહોંચાડવાનુ ભગીરથ કાર્ય હાથ ધર્યુ છે તેમ જણાવ્યુ હતુ.

વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત અનેકવિધ કાર્યો ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકારે રોડ કનેક્ટિવિટી, રેલ કનેક્ટિવિટી, એર કનેક્ટિવિટી સહિત નેટવર્કની કનેક્ટિવિટીને ઝડપી બનાવી, ગતિશક્તિને વેગ આપવા માટે આ તમામ કનેક્ટિવિટીઓનો વ્યાપ વધારવાના પ્રયાસો હાથ ધર્યા છે તેમ જણાવ્યુ હતુ.
મંત્રી શ્રી મોદીએ બુલેટ ટ્રેન, વડોદરા-મુંબઈ એક્સ્પ્રેસ વે, ભીલાડ થી ખંભાત કોસ્ટલ હાઇ વે, રો રો ફેરી સર્વિસ, સી-પ્લેન, ચાર્ટર પ્લેન જેવા વિવિધ પ્રકલ્પોનો પણ આ વેળા ખ્યાલ આપ્યો હતો.
બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન તેના જૂના શિડ્યુલ મુજબ શરૂ થઈ ચૂકી છે, તેમ જણાવતા વલસાડ-ડાંગના સાંસદશ્રી ડૉ. કે.સી.પટેલે ડાંગ જેવા દુર્ગમ અને પહાડી ક્ષેત્રોમા શરૂઆતના પ્રથમ તબક્કે પાંચ, અને ત્યાર બાદ ૨૨ મળી કુલ ૨૭ BSNL ટાવરોને મંજૂરીની મહોર મારી દીધી છે તેમ જણાવ્યુ હતુ.
પ્રાસંગિક વક્તવ્યમા સાંસદશ્રીએ બીલીમોરા-વઘઇ-સાપુતારા-મનમાડ (નાશિક)ને જોડતી રેલ્વે લાઇનના સર્વેનુ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યુ છે તેમ જણાવ્યુ હતુ. પાછલા ઘણા વર્ષોથી અંતરિયાળ વિસ્તારના પ્રજાજનોની આશા અને અપેક્ષાઓ મુજબ આ વિસ્તારોના ગ્રામજનો માટે સ્વપ્ન સમાન આ રેલ્વે લાઇન, અહીના વિસ્તારની કાયાપલટ કરશે તેમ તેમણે ઉમેર્યું હતુ.
ગ્રામ્ય વિસ્તારના સ્થાનિક પ્રશ્નોનો ક્રમશઃ નિકાલ કરવાના સહિયારા પ્રયાસોની હિમાયત કરતા ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે સૌના સાથ, સૌના વિકાસ, અને સૌના વિશ્વાસ સાથે ખાતળ-માછળી-ચિખલા-દિવડિયાવન-મહાલ જેવા અંતરિયાળ ગામોનો વિકાસ કરવાની નેમ વ્યક્ત કરી હતી.
માછળી ગામે પુલના ખાતમુહૂર્ત પ્રસંગે આયોજિત કાર્યક્રમમા બોલતા પ્રમુખશ્રીએ ડાંગની નદીઓ ઉપર મધ્યમ કદના ડેમના નિર્માણ સહિત માર્ગો અને પુલો તથા ‘નલ સે જલ’ યોજના અંતર્ગત પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સરકાર કટિબદ્ધ છે તેમ જણાવ્યુ હતુ.
દરમિયાન ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે પ્રજાકીય સહયોગ સાથે સ્થાનિક પ્રશ્નોનુ હકારાત્મક નિવારણ લાવીને, વિકાસ કામો હાથ ધરવાની હિમાયત કરી હતી. ધારાસભ્યશ્રીએ સ્થાનિક પ્રશ્નો, સમસ્યાઓને ધ્યાને રાખીને રાજ્ય સરકારે રૂ.૩૫૦/- લાખના માતબર ખર્ચે આ પુલનુ કામ મંજૂર કરીને પ્રજાજનોના આશીર્વાદ મેળવવાનુ કાર્ય કર્યું છે તેમ જણાવ્યુ હતુ.
માછળી ગામે પૂર્વ ધારાસભ્ય અને સ્થાનિક સામાજિક કાર્યકર શ્રી ગોવિંદભાઈ પટેલે સ્થાનિક રોજગારી સહિત માર્ગ, પુલો, પાણી, વીજળી, વાહન વ્યવહાર, અને ઉત્કૃષ્ટ સંદેશા વ્યવહારની આવશ્યકતા ઉપર લક્ષ કેન્દ્રિત કરવાની અપીલ કરી પ્રજા અને પ્રશાસનના સૂચારૂ સંકલનની હિમાયત કરી હતી.
ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે સમીસાંજે યોજાયેલા માછળી અને ધવલીદોડ ખાતેના કાર્યક્રમોમા ડાંગ જિલ્લાના સામાજિક અને રાજકીય અગ્રણીઓ સર્વશ્રી રાજેશભાઈ ગામિત, ઘનશ્યામભાઈ પટેલ, તાલુકા/જિલ્લાના પદાધિકારીઓ, સ્થાનિક સરપંચો, ગ્રામજનો સહિત ડાંગ કલેક્ટર શ્રી ભાવિન પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ.વિપિન ગર્ગ, સુરત વર્તુળના અધિક્ષક ઇજનેરો સર્વશ્રી ગિરીશ પટેલ અને અમિત વસાવા, ડાંગના કાર્યપાલક ઇજનેરો સર્વશ્રી રાજુભાઇ ચૌધરી અને એસ.આર.પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનિય છે કે, માર્ગ અને મકાન મંત્રી શ્રી પુર્ણેશભાઈ મોદી દ્વારા જે વિકાસ કામોની ડાંગના પ્રજાજનોને ભેટ મળનાર છે તેમા (૧) માછળી-ચિખલા-દિવડ્યાવન ગામને જોડતા ડૂબાઉ કોઝ વે ના સ્થાને રૂ.૩૫૦ લાખના ખર્ચે તૈયાર થનારા મેજર બ્રિજના કામનો સમાવેશ થાય છે. આ કોઝ વે ખાસ કરીને ચોમાસા દરમિયાન દુબાણમા જતા આ ગામોના પ્રજાજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જેના કાયમી નિવારણ અર્થે રાજ્ય સરકારે અહી મેજર બ્રિજ સહિત જરૂરી રિવર પ્રોટેકશન વર્કની કામગીરી મંજૂર કરી છે. આગામી ૧૧ માસમા આ બ્રિજનુ કામ પૂર્ણ થતા માછળી ગામના ૫૮૯ પ્રજાજનો સહિત ચિખલાના ૧૬૯૫, દિવડ્યાવનના ૬૬૪, અને ખાતળના ૧૧૨૫ મળી કુલ ૪૦૭૩ ગ્રામજનોને આ માર્ગ ચોમાસા દરમિયાન પણ આવાગમન માટે ઉપયોગી પુરવાર થશે.
આ ઉપરાંત (૨) ૧૩.૨૬૦ કિલોમીટરની લંબાઈ ધરાવતા ધવલીદોડ-ધૂડા-પીપલાઈદેવી માર્ગનુ પણ રૂ.૧૯૮.૮૮ લાખના ખર્ચે નવિનીકરણની કરવામા આવ્યુ છે. માર્ગ સુધારણના આ કામથી ધવલીદોડના ૨૨૮૦, ધૂડાના ૭૮૯, પીપલપાડાના ૨૨૪, અને પીપલાઈદેવીના ૬૫૯ મળી કુલ ૩૯૫૨ ગ્રામજનોનો વાહન વ્યવહાર સરળ બનવા સાથે, વિધ્યાર્થીઓ, નોકરિયાતો, અને સ્થાનિક ખેડૂતોને તેમની ખેતપેદાશોના સરળ વાહતુકની સુવિધા મળી રહેશે.
આમ, ડાંગના અંતરિયાળ વિસ્તારના ગ્રામીણજનો માટે ‘મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના’ અંતર્ગત કુલ રૂ.૫૪૮.૮૮ લાખના બે વિકાસ કામોની ભેટ મળી છે. જેનુ ખાતમુહૂર્ત/લોકાર્પણ માર્ગમકાન મંત્રીશ્રીના હસ્તે કરાયુ હતુ.

Share this Article
Leave a comment