આદિવાસી વિસ્તારોમાં સાતત્યપૂર્ણ અને ગુણવત્તાસભર વિજપુરવઠો મળી રહે તે માટે રાજય સરકાર કટિબધ્ધ છેઃ નાણા, ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈ
———-
ઉમરપાડા ૧૯ ગામોના ૮૨૨૦ વીજ ગ્રાહકોને ગુણવત્તાસભર વીજપુરવઠો મળી રહેશેઃ
——–
ઉમરપાડા રેફરલ હોસ્પિટલ ખાતે ૨૫૦ LPMની કેપેસીટીના ઓક્સિજન પ્લાન્ટ સાથે
૩૦ ઓક્સિજન બેડની સુવિધા ઉપલબ્ધ બનીઃ
—–
કૃષિ,ઉર્જા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ:
——–
સુરતઃરવિવારઃ- સુરત જિલ્લાના આદિવાસી વિસ્તારના ખેડૂતો, ગ્રામજનોને સાતત્યપૂર્ણ વીજપૂરવઠો પૂરો પડવાના હેતુથી નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ તથા ઉર્જા રાજયમંત્રી શ્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઉમરપાડાના બરડી ગામે જેટકો દ્રારા રૂ.૮ કરોડના ખર્ચે સ્થાપિત થનારા ૬૬ કે.વી. સબસ્ટેશનનું ભૂમિપૂજન તથા ઉમરપાડા રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રૂા.૬૦ લાખના ખર્ચે નિર્મિત ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ સંપન્ન થયું હતું.
આ વેળાએ નાણા, ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારોમાં સાતત્યપૂર્ણ અને ગુણવત્તાસભર વિજપુરવઠો મળી રહે તે માટે રાજય સરકાર કટિબધ્ધ છે. નવા સબસ્ટેશનનું નિર્માણ થવાથી આદિવાસી ખેડુતોને વિના વિક્ષેપે ખેતી અને રહેણાંક માટે વિજળી મળી રહેશે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશમાં કોરોના રસીકરણનું જે કાર્ય થયું છે જેના પરિણામે આપણે સૌ કોરોનાની ત્રીજી લહેરનો મક્કમતાપૂર્વક સામનો કરી શકયા છીએ. આગામી સમયમાં પણ નવા સબ સ્ટેશનોનું ઝડપથી નિર્માણ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે ઉર્જારાજયમંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, જ્યોતિ ગ્રામ યોજના થકી આજે રાજ્યના તમામ ગામોમાં ૨૪ કલાક વીજળી પ્રાપ્ત થઈ રહી છે. જ્યોતિ ગ્રામ યોજના સાકાર કરવાનો વિચાર તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રજૂ કર્યો ત્યારે વિપક્ષો તેમના પર હસતા હતા. પરંતુ આ સંકલ્પને નરેન્દ્રભાઈએ સિદ્ધ કરી બતાવ્યો અને રાજ્યના ગામેગામને ૨૪ કલાક વીજસુવિધાની ભેટ આપી હતી. રાજ્ય સરકાર લો વોલ્ટેજની સમસ્યા નિવારી વિના વિક્ષેપ અને ગુણવત્તાયુક્ત વીજપુરવઠો આપવા સંકલ્પબદ્ધ હોવાનું મંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવી રાજ્ય સરકારની જનહિતકારી કામગીરીને વધુ તેજ ગતિમાં આગળ વધારશે એમ ઉમેર્યું હતું
આ પ્રસંગે ધારાસભ્ય અને પૂર્વમંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ૧૦૦થી વધુ ૬૬ કેવી સબ સ્ટેશન નિર્માણ કરીને અંધારામાંથી અજવાળા પાથરવાનુ કાર્ય આ સરકારે કર્યું છે. કોરોના દર્દીઓને સારવાર લેવા માટે દુર સુધી જવું ન પડે તે માટે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે. આગામી સમયમાં સટવાણ અને ઉભારીયા ગામે સબ સ્ટેશન નિર્માણ કાર્ય ચાલી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. ધારાસભ્યશ્રીએ આગામી સમયમાં સૌ કોઈએ પ્રિ-કોશન ડોઝ લેવાનો અનુરોધ કર્યો હતો.
ઉમરપાડાના બરડી ગામે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા સબ સ્ટેશન નિર્માણ થવાથી ૧૯ ગામોના ૮૨૨૦ વીજગ્રાહકોને ગુણવત્તાસભર વીજપુરવઠો પ્રાપ્ત થશે. જેમાં ઉમરપાડા તાલુકાના બરડી, અંબાડી, પીનપુર, દરડા, ઘાણાવાડ, દીવતણ, ઉમરગોટ, ચોખવાડા, ઉમરપાડા, ઉચવણ, વેન્જલી, કેવડી, બીલવાણ, શરદા, ગોપલીયા, ગોવટ, ચન્દ્રપાડા, સલ્લી અને હલધરી ગામો લાભાન્વિત થશે. જેમાં ૬૦૦ ખેતીવાડી ગ્રાહકો, ૭૨૦૦ રહેણાંક ગ્રાહકો, ૬૦ વોટરવર્કસ, ૩૫૦ વાણિજ્ય એકમો અને ૧૦ ઔદ્યોગિક ગ્રાહકોનો સમાવેશ થાય છે.
ઉમરપાડા રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ રૂા.૬૦ લાખના ખર્ચે નિર્મિત થયેલા ૨૫૦ LPMની કેપેસીટીના ઓક્સિજન પ્લાન્ટ સાથે ૩૦ ઓક્સિજન બેડની સુવિધા ઉપલબ્ધ બની છે. આમ કોરોનાની લહેર વચ્ચે છેવાડાના આદિવાસી વિસ્તારના કોરોના દર્દીઓ માટે ઓક્સિજન પ્લાન્ટ આશીર્વાદરૂપ બનશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભાવેશભાઇ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી રાજેન્દ્ર વસાવા, સંગઠન પ્રમુખ શ્રી સંદિપભાઈ દેસાઈ, જેટકોના એમ. ડી.શ્રી ઉપેન્દ્ર પાંડે, Dgvclના મુખ્ય ઈજનેર રીટા પરેરા, જેટકોના મુખ્ય ઈજનેરશ્રી કે. આર. સોલંકી, પ્રાંત અધિકારી શ્રી જનમ ઠાકોર, મેનેજિંગ ડિરેક્ટરશ્રી અરવિંદ વી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હસમુખભાઈ ચૌધરી સહિત DGVCL અને જેટકોના અધિકારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.