કામરેજ ખાતે કૃષિ ઉર્જા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ૪૦૦ થી ઉમેદવારોને રોજગાર નિમણૂંક પત્રો અને એપ્રેન્ટિસશિપ કરારપત્રો એનાયત કરાયા

adminpoladgujarat
adminpoladgujarat
3 Min Read

સુરત સમગ્ર રાજ્યમાં રોજગારીનું હબ બન્યું છે, એટલે જ દેશના દરેક પ્રાંતના લોકો રોજગારી અર્થે સુરતમાં આવીને વસ્યા છે

યુવાનોનું કૌશલ્યવર્ધન કરીને રાજ્ય સરકારે અનેક ક્ષેત્રોમાં રોજગારીની ઉજળી તકો પૂરી પાડી છે: કૃષિ, ઉર્જા રાજ્યમંત્રી

કામરેજ ખાતે જિલ્લા કક્ષાનો ‘રોજગાર નિમણૂકપત્ર અને એપ્રેન્ટિસશિપ કરારપત્ર વિતરણ સમારોહ’ યોજાયો

સુરતઃસોમવારઃ રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા રોજગાર દિવસ નિમિત્તે સુરત જિલ્લાના કામરેજ સ્થિત દલપત રામા ભવન ખાતે કૃષિ, ઉર્જા પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રોજગાર નિમણૂકપત્રો અને એપ્રેન્ટિસશિપ કરારપત્રોના વિતરણનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંત્રીશ્રીના હસ્તે ૪૦૦થી વધુ ઉમેદવારોને રોજગાર નિમણૂકપત્રો અને એપ્રેન્ટિસશિપ કરારપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. યુવાનોનું કૌશલ્યવર્ધન કરીને રાજ્ય સરકારે અનેક ક્ષેત્રોમાં રોજગારીની ઉજળી તકો પૂરી પાડી છે. યુવાનોની સુષુપ્ત શક્તિઓ-ક્ષમતાને પારખીને સ્થાનિક ઉદ્યોગોને અનુકૂળ એવું માનવબળ પૂરૂ પાડી સ્થાનિક સ્તર પર યુવાધનને રોજગાર મળે તે માટેના સતત પ્રયાસો રાજ્ય સરકારે કર્યા છે.
વધુમાં મંત્રીશ્રીએ સુરત સમગ્ર રાજ્યમાં રોજગારીનું હબ બન્યું છે, એટલે જ દેશના દરેક પ્રાંતના લોકો રોજગારી અર્થે સુરતમાં આવીને વસ્યા છે એમ જણાવી રાજ્યના યુવાનોને રોજગારીના અવસરો મળી રહે અને આર્થિક રીતે આત્મનિર્ભર અને સક્ષમ બને તે માટે સરકારે ‘અનુબંધમ’ મોબાઈલ એપ અને વેબપોર્ટલ મારફતે ઘર બેઠા જ ડિજીટલ માધ્યમથી રોજગારીની તકો ઉભી કરી છે.
નોંધનીય છે કે, અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન થયેલા ITIના ૪૦૦ વધુ યુવા-યુવતીઓએ વિવિધ કંપનીમાં ડિઝાઈન એન્જિનિયર, કોમ્પ્યુટર ઓપરેટર, રિક્રુઈટર(એચ.આર), કંડક્ટર, એપ્રેન્ટિસ ટ્રેઈની, ઈલેક્ટ્રિશયન, ડિઝલ મીકેનીક, ફિટર સહિતની વિવિધ કંપનીઓમાં એપ્રેન્ટીસશીપ સહિત રોજગારી મેળવી છે, જેમને આજે નિમણૂકપત્રો અર્પણ કરાયા હતા.
આ વેળાએ અમદાવાદ ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આયોજિત રાજ્ય કક્ષાના રોજગાર- એપ્રેન્ટિસ ભરતી મેળાનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌ ઉમેદવારો અને મહાનુભાવોએ નિહાળ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય વી.ડી. ઝાલાવડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડી. એસ. ગઢવી, સુમુલ ડેરીના ડિરેક્ટર બળવંતભાઈ પટેલ, તા.પં. કારોબારી અધ્યક્ષ રસિકભાઈ પટેલ, કામરેજ પ્રાંત અધિકારી એસ.સી.સાવલિયા, રોજગાર અધિકારી પારૂલબેન પટેલ સહિત પદાધિકારીઓ, રોજગાર વિભાગના અધિકારીઓ તેમજ રોજગાર વાંચ્છુલઓ તેમજ વિવિધ કંપનીના હોદ્દેદારો અને અધિકારીઓ ઉપસ્થિ ત રહ્યા હતાં.
-૦૦-

Share this Article
Leave a comment