ઘરે-ઘરે નળથી શુદ્ધ પાણી પહોચાડી ક્ષાર-ફલોરાઇડમુકત પાણી આપી
સૌની આરોગ્ય સુખાકારી વધારવી છે:-મુખ્યમંત્રીશ્રી
વનવાસી વિસ્તાર ડાંગ જિલ્લામાં રૂ. ૪૭ કરોડની પાણી પુરવઠા યોજનાનું ખાતમૂર્હત – જિલ્લાને રૂ. ૭પ કરોડના વિકાસકામોની ભેટ આપતા મુખ્યમંત્રીશ્રી
આદિજાતિ-ડુંગરાળ વિસ્તાર ડાંગમાં ‘નલ સે જલ’ માટે માથાદીઠ ખર્ચમાં વધારાની રકમ મંજૂર કરીને પણ વનબંધુઓના ઘરમાં શુદ્ધ પાણી પહોચાડવાનો ભગીરથ પુરુષાર્થ સરકારે આદર્યો છે
ડાંગ જેવા અંતરિયાળ ક્ષેત્રમાં મોબાઇલ ટાવર કનેકટીવીટી સમસ્યા નિવારવા સાયન્સ ટેકનોલોજી વિભાગને રૂ. ૮ કરોડના કામોની સૈદ્ધાંતિક મંજૂરી સરકારે આપી છે
ડુંગરાળ-દુર્ગમ અને વિષમ ભૌગોલિક સ્થિતીવાળા આદિજાતિ વિસ્તારોમાં સિંચાઇ-પીવાના પાણીની સુવિધા માટે ૧૦ ઉદવહન સિંચાઇ યોજનાઓના કામો રૂ. ૩૭૯૬ કરોડના ખર્ચે પ્રગતિ હેઠળ છે
આહવા, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના દૂરદરાજ અંતરિયાળ ગામો સહિતના વિસ્તારોમાં પીવાનું શુદ્ધ-પૂરતું પાણી પહોંચાડી પોલીયોમુકત ગુજરાત જેમજ પાણીથી થતા પાણીજન્ય રોગમુકત, હેન્ડપંપમુકત ગુજરાતના નિર્માણની પ્રતિબદ્ધતા દર્શાવી છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ આ અંગે કહ્યું કે, રાજ્ય સરકારે સૌને ક્ષારમુકત, ફલોરાઇડમુકત પાણી મળે તેવા સુદ્રઢ આયોજન સાથે પાણી પુરવઠા યોજનાઓ મારફતે ઘરે-ઘરે નળથી શુદ્ધ પાણી પહોચાડવાનું ભગીરથ અભિયાન ઉપાડયું છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના અંતરિયાળ આદિજાતિ વિસ્તાર ડાંગમાં રૂ. ૪૭ કરોડના ખર્ચે આકાર પામનારી પાણી પુરવઠા યોજનાનું ખાતમૂર્હત સાથે આ વનબંધુ વિસ્તારને કુલ રૂ. ૭પ કરોડના વિકાસકામોની ભેટ એક જ દિવસમાં આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, પાણીની અછત કે પાણી માટે હવે લોકોને બેડાં લઇને દૂર સુધી જવું ન પડે, ડંકી-હેન્ડપંપ સિંચીને પાણી પીવું ન પડે તે માટે આ સરકારે સમયબદ્ધ આયોજન કરોડો રૂપિયાના ખર્ચે યોજનાઓ કરીને પાર પાડયું છે. તેમણે ઉમેર્યુ કે, દંગામુકત, ફાટકમુકત, શૌચાલયયુકત ગુજરાતની જેમ હવે પાણીજ્ય રોગથી મુકત ગુજરાત બનાવી ઘરે-ઘરે શુદ્ધ પાણી આપવું છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ‘નલ સે જલ’ અન્વયે હરેક ઘરને નળ દ્વારા પાણી મળે તે માટે ગુજરાતમાં પાણી પુરવઠા વિભાગે સઘન કામગીરી ઉપાડી છે. ગ્રામીણ વિસ્તારો સહિત ૯પ લાખ નળ કનેકશન આપવાનો પુરૂષાર્થ આદર્યો છે.
આપણે ર૦રર પહેલાં રાજ્યના બધા ગામોના ઘરોમાં ૧૦૦ ટકા નલ સે જલ સાકાર કરવું છે તેની ભૂમિકા આપતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ડાંગ જેવા ડુંગરાળ વિસ્તારમાં છૂટાછવાયા વસેલા ગામો-પરાંઓમાં પાણી પહોચાડવા રાજ્યના અન્ય વિસ્તારોની તૂલનાએ માથાદિઠ ખર્ચ વધારે આવતો હોવા છતાં રાજ્ય સરકારે ખાસ જોગવાઇ કરીને પણ વનબંધુ વિસ્તારમાં શુદ્ધ પાણી પહોચાડવાનું આયોજન કરેલું છે.
રાજ્યના ૧૪ જિલ્લાના ૫૪ તાલુકાના આદિજાતિ વિસ્તારોમા વસતા વનબંધુઓને સિંચાઇના પાણી તથા જળ સમૃદ્ધિ આપવાની નિર્ણાયકતા સાથે ચાર વર્ષમા નાની/મોટી સિંચાઇ યોજનાના વિવિધ ૧૬૪૧ કામો દ્વારા કુલ ૪ લાખ ૨૪ હજાર ૫૦૭ એક જમીનમા સિંચાઇની સવલતો પૂરી પડી છે તેમ જણાવ્યુ હતુ.
૨૦૧૬ થી ૨૦૨૦ દરમિયાન આ વિસ્તારોમા નાની સિંચાઇ યોજનાઓ, હાઈ લેવલ કેનાલ, નાના/મોટા ચેકડેમો, લીફ્ટ ઈરીગેશન સ્કીમ, તથા ઉદ્વહન સિંચાઇ યોજનાઓના કામો મોટા પાયે હાથ ધરવા સંબંધિત વિભાગોને પ્રેરિત કાર્ય છે તેમ જણાવ્યુ હતુ. મુખ્યમંત્રીશ્રીએ ૩૪૪ એલ.આઈ.સ્કીમ, ૨૩૪ નાની/મોટી સિંચાઇ યોજનાઓ, ૪૩૨ નાના/મોટા ચેકડેમ તેમજ ૬૧૭ અનુશ્રવણ તળાવો દ્વારા વનબંધુ વિસ્તારોની સમગ્રતયા ૪.૨૪.૫૦૭ એકર જમીનને સિંચાઇનો લાભ આપવામા આવી રહ્યો છે.
ડુંગરાળ અને દુર્ગમ તથા વિષમ સ્થિતિ વાળા વિસ્તારોમા સિંચાઇ સુવિધા માટે રૂ.૩૭૯૬ કરોડની વિવિધ ૧૦ જેટલી ઉદ્વહન સિંચાઇ યોજનાઓના કામોને પણ રાજ્ય સરકારે મંજુરી આપી દીધી છે, તેમ જણાવી શ્રી વિજયભાઇ રુપાણીએ વિવિધ સ્તરે પ્રગતિ હેઠળની આ યોજનાઓના કામો પૂર્ણ થતા મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, નર્મદા, ભરૂચ, અને તાપી જિલ્લાના ૨૧ તાલુકાઓના ૫૯૦ ગામોમા સિંચાઇની સવલતો મળતી થશે તેમ ઉમેર્યું હતુ.
ભૂતકાળની સરકારોએ પ્રજાજનોની પ્રાથમિક જરૂરિયાતોના કામો નહિ કરીને પ્રજાદ્રોહ કર્યો હતો, તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ શૌચાલયો, પીવાનુ શુદ્ધ પાણી, આવાસ, ગેસ જોડાણ જેવા કર્યો પૂર્ણ કરીને પ્રજાજનોની પ્રાથમિક જરૂરીયાતોની પૂર્તતા ભાજપા સરકારે કરી છે તેમ જણાવ્યુ હતુ. ક્ષારયુક્ત પાણીને કારણે પ્રજાજનોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો હતો તેવા સમયે હેન્ડપંપ મુક્ત ગુજરાતની દિશામા રાજ્ય સરકાર આગળ વધી રહી છે તેમ પણ તેમણે ઉમેર્યું હતુ.
રાજ્યમા ચાલી રહેલા વિકાસકાર્યોની વિસ્તૃત વિગતો આપતાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રુપાણીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમા રાજ્યમા અનેકવિધ નવા પ્રકલ્પો, યોજનાઓને પ્રજાર્પણ કરી રહ્યા છે તેમ જણાવી રાજ્યમા પાણી પુરવઠાના કાર્યો હાથ ધર્યા છે તેમ જણાવ્યુ હતું. સને ૨૦૨૨ સુધીમા રાજ્યના ઘર ઘર સુધી “નલ સે જલ” પહોંચાડવાનુ ભગીરથ કાર્ય ઉપાડવામા આવ્યુ છે.
મુખ્યમંત્રીશ્રીએ એમ પણ કહ્યું કે, ડાંગ જેવા પહાડી વિસ્તાર અને અંતરિયાળ વિસ્તારમાં નેટવર્ક કનેકટીવીટીની સમસ્યાના નિવારણ માટે આપણે મોબાઇલ ટાવર કનેકટીવીટી ઊભી કરવા સાયન્સ ટેકનોલોજી વિભાગને રૂ. ૮ કરોડના કામોની સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દીધી છે.
પ્રજાલક્ષી વિકાસ કાર્યોના કાર્યક્રમમા ઉદબોધન કરતા રાજ્યના આદિજાતિ, વન, મહિલા અને બાળકલ્યાણ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ આદિવાસી સમાજ માટે અનેકવિધ વિકાસ કાર્યોની ભેટ આપનાર સંવેદનશીલ રાજ્ય અને કેન્દ્ર સરકારના અભિગમનો ખ્યાલ આપી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર્ભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકારે તબક્કાવાર આયોજનો કર્યા છે તેમ જણાવ્યુ હતુ.
માતા અને બાળમૃત્યુ દર અંગે ચિંતા સેવીને મુખ્યમંત્રીશ્રીએ આદિજાતિ વિકાસ વિભાગના અનુદાનમાંથી રૂપિયા દોઢ કરોડના ખર્ચે ડાંગ જિલ્લામા “બ્લડ સેન્ટર” કાર્યરત કરાયું છે તેમ જણાવી મંત્રીશ્રીએ “કોરોના કાળ” મા પણ પ્રજાની પડખે રહેનારી સરકારના વિવિધ વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરી સરકારની પ્રતિબધતાનો ખ્યાલ આપ્યો હતો. અગામી દિવસોમા અનેકવિધ વિકાસ કાર્યો સાથે સરકારના આયોજનોનો ખ્યાલ આપી મંત્રીશ્રીએ પ્રજાકીય સહયોગની અપીલ કરી હતી.
રાજ્ય સરકારની વિવિધ પ્રજાકલ્યાણની યોજનાઓનો ખ્યાલ આપતા ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી-વ-રાજ્ય વનમંત્રી શ્રી રમણલાલ પાટકરે પ્રજા અને પ્રશાસનના સહયોગથી રાજ્યના આદિવાસી વિસ્તારોમા સર્વાંગીણ વિકાસ થઇ રહયો છે, તેમ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યુ હતુ.
વલસાડ-ડાંગના સાંસદશ્રી ડો.કે.સી.પટેલે પ્રાસંગિક ઉદબોધન કરતા સંવેદનશીલ રાજ્ય અને કેન્દ્ર સરકારના અભિગમનો ખ્યાલ આપી પ્રધાનમંત્રી સિંચાઇ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, કિસાન સન્માન નિધિ યોજના, નલ સે જલ યોજના, સંદેશા વ્યવહાર સહિતની કલ્યાણલક્ષી યોજનાઓનો ખ્યાલ આપ્યો હતો. નવનિયુક્ત ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે ડાંગ જિલ્લાની પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે અનેકવિધ યોજનાઓના સથવારે તરસ્યા પ્રજાજનોની તરસ છીપાવી છે, ત્યારે આગામી દિવસોમા જિલ્લાની પાંચેય નદીઓ ઉપર ડેમ બનાવીને ખેતીવાડી માટે પણ પુરતુ પાણી મળી રહે તેવા પ્રયાસો હાથ ધરાયા છે, તેમ જણાવ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામા આજે આહવા નજીક લશ્કર્યા ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે પાણી પુરવઠાની અંદાજીત રૂ.૪૭ કરોડની કિમતની જુદી જુદી પાંચ યોજનાઓના ખાતમુહુર્ત સાથે, અંદાજીત રૂ.૨૮ કરોડના ખર્ચે ડાંગ જિલ્લામા નવા તૈયાર થયેલા વોકેશનલ ટ્રેનીગ સેન્ટર, સહકાર ભવન, સામુહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, અને પેટા આરોગ્ય કેન્દ્રોનુ પણ લોકાર્પણ કરવામા આવ્યુ હતુ. સાથે સાથે આહવાની સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે કાર્યરત કરાયેલા “બ્લડ સેન્ટર” નુ પણ મુખ્યમંત્રીશ્રીએ પ્રજાર્પણ કર્યું હતુ.
મુખ્યમંત્રીશ્રીના હસ્તે ડાંગ જિલ્લાની સગર્ભા બહેનો તથા નવજાત શિશુની સુખાકારી માટે પ્રયોશા પ્રતિષ્ઠાન અને દિવાળીબેન ટ્રસ્ટ પુરસ્કૃત “માતૃશક્તિકરણ કલ્પ”નો શુભારંભ કરી પ્રસુતા મહિલાઓને સુખડી, પોષક તત્વો, અને બેબી કીટનુ વિતરણ કરાયુ હતુ. ડાંગ જિલ્લાની તમામ ઇન્ટીટ્યુશનલ ડીલીવરીના લાભાર્થીઓને તબક્કાવાર આ કીટનુ વિતરણ અમલીકરણ સંસ્થા દ્વારા કરવામા આવશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રુપાણીએ પાણી પુરવઠા વિભાગની વિવિધ યોજનાઓનુ ડીજીટલ ખાતમુહૂર્ત કર્યું હતુ. સાથે જુદા જુદા વિભાગોના વિકાસ પ્રકલ્પોનુ પણ તેમણે લોકાર્પણ કર્યું હતું.
કાર્યક્રમમા વરિષ્ઠ પદાધિકારીઓ, કાર્યકરો સહિત જિલ્લા કલેકટર શ્રી એન.કે.ડામોર, પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજા, નાયબ વન સંરક્ષકો સર્વશ્રી અગ્નીશ્વર વ્યાસ અને નીલેશ પંડ્યા, નિવાસી અધિક કલેકટર શ્રી ટી.કે.ડામોર, પાણી પુરવઠા બોર્ડના સુરત ઝોનના મુખ્ય ઈજનેર શ્રી એન.એચ.પટેલ, ડાંગના પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેર શ્રી ડી.બી.પટેલ, વાસ્મોના યુનિટ મેનેજર શ્રી હેમંત ઢીમ્મર સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ વિગેરેએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી. કાર્યક્રમના ઉદ્ઘોષક તરીકે શ્રીમતી બીજુબાલા પટેલ અને શૈલેશભાઈએ સેવા આપી હતી.
….