આહવા: તા: ૧૨: ડાંગના વન વિસ્તારમાંથી ગેર કાયદેસર રીતે સાગી લાકડાની તસ્કરી કરી તેને જિલ્લા બહાર સગેવગે કરાઈ રહ્યો હોવાની મળેલી બાતમીને આધારે, દક્ષિણ ડાંગ વન વિભાગના ઝાંબાઝ વન અધિકારીઓએ અંદાજીત ₹ ૩ લાખની કિંમતના ૧૫ નંગ સાગી ચોરસ (૨.૦૬૬ ઘન મીટર) તથા ૩ લાખની ગાડી મળી કુલ ₹ ૬ લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર દક્ષિણ ડાંગ વન વિભાગના ચીંચીનાગાંવઠા રેન્જના વન અધિકારીઓને ટાટા ઝેનોન ગાડી નંબર : GJ21 V 5977 મા ગૌર્યા વિસ્તારમાંથી જંગલ ચોરીના સાગી ચોરસા ભરાઈ રહ્યા હોવાની બાતમી મળી હતી. જેને લઈને અહીંના વન અધિકારીઓએ જુદી જુદી ટુકડીઓ બનાવી આહવા-વઘઇ રોડ ઉપર સતત ૧૫ મિનિટ સુધી આ વાહનનો પીછો કર્યો હતો. દરમિયાન ત્રણ વખત ઉક્ત વાહને વન વિભાગની જીપને ટક્કર મારી હતી.
જીવ સટોસટની આ ઘટનામા વઘઇ પાસે જંગલ ચોરીનો માલ લઈને જતા તસ્કરો, ચાલુ ગાડીએ કૂદીને જંગલ ભણી ભાગી છૂટ્યા હતા. જ્યારે સાગી ચોરસા ભરેલી આ ગાડી રોડ સાઈડ પલટી મારી ગઈ હતી.
ઘટના સ્થળે ચીંચીનાગાંવઠા તથા વઘઇ રેંજના સ્ટાફે ગાડી સહિત ૧૫ નંગ સાગી ચોરસા (૨.૦૦૬ ઘન મીટર) કે જેની અંદાજીત કિંમત ₹ ૩ લાખ, તથા ₹ ૩ લાખની કિંમતની ગાડી મળી કુલ ₹ ૬ લાખનો મુદ્દામાલ કબજે લીધો છે.
લાકડા ચોરોની ગાડીનો પીછો કરતા વન વિભાગની ગાડી (ટાટા સુમો GJ15 G 0844) ને ભારે નુકશાન પહોંચવા સાથે, તેના ચાલકને પણ ઇજા પહોંચતા તેને વઘઇ CHC ખાતે સારવાર લેવી પડી હતી.
વલસાડ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક શ્રી મનેશ્વર રાજાના માર્ગદર્શન હેઠળ દક્ષિણ ડાંગ વન વિભાગના મદદનીશ વન અધિકારી શ્રી રોહિત ચૌધરી, તથા ટીમ્બર ડેપોના વન અધિકારી ફરીદા વળવી, વઘઇ રેન્જના વન અધિકારી શ્રી દિલીપ રબારી, ચીંચીનાગાંવઠા રેન્જના વન અધિકારી તથા તેમની ટીમે આ દિલધડક ઓપરેશન પાર પાડ્યુ હતુ. નાયબ વન સંરક્ષક શ્રી નિલેશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ આ કેસની તલસ્પર્શી તપાસ હાથ ધરવામા આવી છે.
ઉલ્લેખનિય છે કે, તાજેતરમા જ દેશભરમા ધૂમ મચાવી રહેલી ‘પુષ્પા’ ફિલ્મનુ અનુકરણ કરીને, કેટલાક લોકો ગેર કાયદેસર રીતે લાકડા ચોરીના રવાડે ચડીને, રીલ અને રિયલ લાઈફ વચ્ચેનો તફાવત ભૂલી પોતાનો જીવ જોખમમા મૂકી રહ્યા છે. પરંતુ રાજ્ય સરકાર તથા વન વિભાગ સતત સતર્કતા અને ચોકસાઈ સાથે આવા તત્વો ઉપર નજર રાખી રહ્યુ છે. તેમ, નાયબ વન સંરક્ષક શ્રી નિલેશ પંડ્યાએ જણાવ્યુ છે.
–