ખેડુતો માટે કિસાન સૂર્યોદય યોજના આશીર્વાદરૂપ:
દિવસે વીજળી મળતા ખેડુતોને પડતી મુશ્કેલીઓનો અંત આવશે : આદિજાતી મંત્રી
સોનગઢ તાલુકાના ૧૫ ગામોના ૮૨૨ ખેતી વિષયક વીજ જોડાણોને દિવસે વીજળી મળશે
વ્યારા: વન,આદિજાતી અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ તાપી જિલ્લામાં સોનગઢ તાલુકાના ૧૫ ગામોને આવરી લેતી “કિસાન સૂર્યોદય યોજના”નો બોરકુવા ગામેથી પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત ખેડૂતોને સંબોધન કરતા મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તે માટે કેન્દ્ર/રાજ્ય સરકારે વીજળીક્ષેત્રે ક્રાંતિ લાવતી મહત્વની કિસાન સૂર્યોદય યોજનાની શરૂઆત કરી છે. આ યોજનાથી આદિવાસી અને જંગલ વિસ્તાર ધરાવતા તાપી જિલ્લાના ખેડુતોને રાત્રે ખેતરમાં પિયત વેળાએ ઝેરી જીવ-જંતુ અને જંગલી જાનવરોનો ડર રહેતો હતો તે તમામ મુશ્કેલીઓનો અંત આવશે. રાજ્ય સરકારે જ્યોતિગ્રામ યોજના દ્વારા ૧૮ હજાર ગામોમાં વીજળીકરણ કર્યું છે. અગાઉના સમયમાં ખેડૂતોને સમયસર વીજળી, સિંચાઈ માટે પાણી મળતુ ન હતુ. પરંતુ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ અનેક ખેડુતલક્ષી યોજનાઓ અમલમાં મુકી કૃષિક્ષેત્રે આમુલ પરિવર્તન લાવી ખેડુતોને સમૃધ્ધ બનાવ્યા છે.
વધુમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં આદિવાસી વિસ્તારોના સર્વાગી વિકાસ માટે અનેક યોજનાઓનો પ્રારંભ કર્યો હતો જેના સુયોજિત અમલીકરણ દ્વારા સરકાર વિકાસના માર્ગે આગળ વધી રહી છે. ખેડુતોની આવક ૨૦૨૨માં બમણી કરવાના આશયથી ખેડુતો માટે રાજય સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. દિવસે વીજળી અને રાત્રે આરામની વિભાવનાને સાકાર કરવા માટે રાજય સરકારે કિસાન સૂર્યોદય યોજના અમલમાં મુકતા ખેડુતોને રાતના ઉજાગરા, વન્ય પ્રાણીઓ-જીવજંતુઓમાં ભય જેવી મુશ્કેલીઓથી કાયમ માટે મુકિત મળશે.
ધારાસભ્યશ્રી મોહનભાઈ ડોઢિયાએ જણાવ્યુ હતુ કે, વડાપ્રધાનશ્રીએ દેશના ખેડૂતોને પિયત માટે દિવસે વીજળી મળી રહે તે માટેની યોજનાનો પ્રારંભ કર્યો છે. ખેડુતોના કલ્યાણ માટે રાજય સરકાર હંમેશા કટિબધ્ધ રહી છે. કિસાન સૂર્યોદય યોજનાથી દિવસે વીજળી મળવાથી ખેડુતોને રાત્રી જંગલી પ્રાણીઓના હુમલાનો ભય નહી રહે. ખેડુતોને હવે દિવસે વીજળી મળવાથી સુરક્ષા મળી રહેશે.
આ યોજના અંતર્ગત પ્રથમ તબક્કે સોનગઢ તાલુકાના કુકડાડુંગરી, તરસાડી, કાકડકુવા ઉમરદા, આમલગુંડી, ચકવાન, બોરકુવા, ઘોડી રુવાળી, મૈયાલી, સાંઢકુવા, કાળાઘાટ, મોટા સાતશીલા, કાકડકુવા, રામપુરા કાનદેવી, કુકડઝર અને વડપાડા ટોકરવા ગામોના ૮૨૨ ખેતી વીજ કનેક્શનોમાં દિવસે વીજળી મળતી થશે. જ્યારે બીજા તબક્કામાં જિલ્લાના સાત ફીડરોના ૨૪ ગામો પૈકી સોનગઢ તાલુકાના ૧૫ તથા વ્યારા તાલુકાના ૯ ગામોના કુલ ૧૬૩૨ ખેતી વિષયક જોડાણોને દિવસ દરમિયાન સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પુરો પાડવામાં આવશે.
આ પ્રસંગે પક્ષપ્રમુખ ડો.જયરામભાઈ ગામીત, માજીમંત્રીશ્રી કાંતિભાઈ ગામીત, પ્રાંત અધિકારી હિતેષ જોષી, સોનગઢ નગર પાલિકા પ્રમુખ ટપુભાઈ ભરવાડ, અધિક મુખ્ય ઈજનેરશ્રી એન.ડી.ચૌધરી સહિત પદાધિકારી-અધિકારીઓ, ખેડૂતો તેમજ અગ્રણીઓ સોશ્યલ ડિસ્ટન્ટસ સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.