ડાંગ દરબાર 2022 : ખાઉલા,પીઉલા અને નાચુલા જેમનો જીવનમંત્ર છે તેવા ડાંગ જિલ્લાના ડાંગીજનોનો ‘શિમગા ઉત્સવ’

adminpoladgujarat
adminpoladgujarat
9 Min Read

નૈસર્ગિક જીવન જીવતા ડાંગી પ્રજાજનોના ઉત્સવો અને તેમની સંસ્કૃતિને નજીકથી જોવા, જાણવા, અને માણવા માટે ડાંગની મુલાકાત લેવી રહી:

ડાંગીજનોની હોળી તથા તેના ઉપપર્વ એવા ‘ડાંગ દરબાર’ ની તારીખ અને તવારીખ ઉપર એક દ્રષ્ટિપાત:
—–
આહવા તા: ૦૨: મનુષ્ય સ્વભાવથી જ આનંદપ્રિય પ્રાણી છે. ચીલા જેમ ચાલતા આ માનવ જીવનમા તહેવારો, ઉત્સવો આનંદ નિર્માણ કરી, મનુષ્ય જીવનને અતિ ઉત્સાહી બનાવે છે. લોકોની સામાજિક, સાંસ્કૃતિક તથા ધાર્મિક ધારણાઓ ઉપર તહેવારો સારો એવો પ્રકાશ પાડે છે. ઋતુચક્રનુ મહત્વ દર્શાવતા આ તહેવારોને આચરણમા લાવવાની ઇચ્છા એ માનવસહજ છે. આમ, મનુષ્યને પોતાના દુઃખ ભુલી જવા માટે, તથા આનંદ દ્વિગુણિત કરવા માટે ખરેખર તહેવારો એક મહાપર્વણીરૂપ છે. મોટા ભાગના ડાંગી આદિવાસીઓ ખેડૂતો હોવાથી તેમના તહેવારો ખેતીને લગતા જ છે, તે પણ એટલુ જ સ્વાભાવિક છે! આદિવાસી પ્રદેશમા હોળીના નોખા, અને અનોખા મહત્વને ધ્યાને લઇને, આજે આપણે ડાંગ જિલ્લાના આદિવાસી સમાજની હોળી, અને તેના રીતરિવાજ ઉપર એક દ્રષ્ટિપાત કરીએ.

ડાંગમા, ડાંગી આદિવાસીઓનો મોટામા મોટો તહેવાર હોળી છે. ફાગણ સુદ આઠમથી હોળીના તહેવારનુ અહીં વાતાવરણ જોવા મળે છે. સામાન્ય રીતે ફાલ્ગુન સુદ પૂનમે અહીં હોળી હોય. ડાંગી લોકો આ દિવસને ‘શિમગા’ તરીકે ઓળખે છે. શિમગા એ હોળીનુ બીજુ નામ છે. પૂનમે હોળી ઉજવ્યા બાદ રંગપંચમી સુધી હોળીના ગીતો અને વાદ્યોની મસ્તીમા જ ડાંગીજન જોવા મળે છે.
ડાંગી આદિવાસી પ્રજા, દિવાળી પછી જંગલ અને ખેતરોમા મજુરી કામે લાગી જાય છે. પરંતુ સામાન્યતઃ હોળી પહેલા દસ દિવસ અગાઉથી જ તે કામ ઉપર જવાનુ બંધ કરી દે છે. આઠમથી તે રંગપંચમી સુધી મોટા ભાગના ડાંગીઓ, પછી તે પુરૂષ હોય કે સ્ત્રી હોય, પોતાની આગવી મસ્તીમા, ઢોલના તાલ ઉપર નાચતા જ નજરે પડે છે. હોળીના દિવસે તો આ લોકો સાંજથી બીજા દિવસ સુધી આખી રાત નાચ્યા કરતા હોય છે.ઘર શણગારવુ, ખાવુ, ગાઉ અને નાચવુ (ખાઉલા, પીઉલા અને નાચુલા) એ જ હોળીનો તહેવાર મનાવવાની રીત. વસંતઋતુ પૂરી થઇ, હવે તૂ ખેતરના કામે લાગી જા એ જ સંદેશ ડાંગી આદિવાસીઓને હોળી આપે છે.
જંગલમય વિસ્તાર હોવાથી લાકડાની અછત નથી, એટલે ડાંગના ગામડે ગામડે ઠેર ઠેર મોટી હોળીઓ પ્રગટાવાય છે. આદિવાસીઓ મુહૂર્ત જાઇને જ હોળી પ્રગટાવે છે. ડાંગીઓ આને હોળીબાઇનુ લગ્ન કહે છે. હોળી પ્રગટાવતા પહેલા ડાંગી સ્ત્રીઓ,

ડોંગરીચી માઉલી ડ ડ, દેવાદારી ઉતરીલ ડ ડ ડ દેવાદારી ઉતરીલ ડ ડ ડ,
હોળીબાઇચ્યા લગ્નાલા ડ ડ, દેવાદારી ઉતરીલ ડ ડ ડ,
કળીયાલા ઉચિત ડ ડ, ખાંભવાલા ઉચિત ડ ડ, ડોંગરીચી માઉલી ડ ડ,

આ ગીત ગાઇને ડુંગર માવલીને હોળીબાઇના લગ્ન પ્રસંગે હાજર રહેવા વિનંતી કરે છે. ત્યાર બાદ બધા જ સ્ત્રી, પુરૂષો એકમેકની કમરમા હાથ નાંખીને, કુંડાળામા ફરતા ફરતા, નાચતા નાચતા ગીતો ગાતા ગાતા, આખી રાત પસાર કરે છે.

હોળીના ગીતો ખૂબ જ ઓછી સંખ્યામા છે. જે ગીતો છે, તે ગીતો ડાંગભરમા એક જ સૂરમા ગવાય છે.

કનચે મહિને ઉનીસો, ફાગુન મહિને ઉનીસો,
બાઇ ફાગુન મહિને ઉનીસો, કાય કાય ભેટ લસીલો ?
બાઇ કાય કાય ભેટ લસીલો ? ખાંભ ભેટ લસીલો, બાઇ ખાંભ ભેટ લસીલો,

આ ગીતોના સૂરથી આખો ડાંગ પ્રદેશ ગુંજી ઉઠે છે.

હોળેડડગ બાડડ ઇ ભોળે તૂં, સદા શિમગા ખેળે તૂં,
એ હોળીલા મનાવસુ, પહિલાચ તોરણ ચઢાવસુ,
હોળેગ ભાઇ ભોળે તૂં, સદા શિમગા ખેળે તૂં,

આ હોળી ગીત ખાસ કરીને દક્ષિણ ડાંગમા વધારે પ્રચલિત છે.

હોળીનુ ઉપ પર્વ: ડાંગ દરબાર

હોળીના મહાન પર્વમા એક બીજુ ઉપપર્વ છે. તે છે હોળીના તહેવાર દરમિયાન યોજાતો ‘ડાંગ દરબાર’. ડાંગમા ઇ.સ.૧૮૪૨ સુધી ડાંગી ભીલ રાજા અને નાયકો રાજ્ય કરતા હતા. ઇ.સ.૧૮૪૨મા ડાંગના જંગલના પટાઓ બ્રિટિશોને આપવામા આવ્યા, અને આ પટા પેટે જંગલના અધિકારપત્રો પણ ભીલ રાજા, નાયકોએ બ્રિટિશરોને સુપ્રત કર્યા. આ પટાની સામે ભીલ રાજાઓને આબકારી હક્કો, તેમજ હળપટ્ટીના રૂપમા જમીન મહેસૂલ, ઢોર માટે ઘાસચારાની તથા બીજી પેશ્વાઇ ભથ્થાની વાર્ષિક રકમ, રાજાઓના પોતપોતાના રાજ્યના આજુબાજુના વિસ્તારમાંથી તથા બ્રિટિશ પ્રદેશમાંથી મળતી હતી. આ અછળી રકમ, દર વર્ષે રાજા, નાયકો અને તેમના ભાઉબંધોને, ડાંગી પ્રજાજનોનો દરબાર ભરીને બ્રિટિશ હૂકુમત તરફથી એનાયત કરાતી.

દરબાર યોજવા પાછળનો બ્રિટિશરોનો મુખ્ય આશય એવો હતો કે, ડાંગી રાજાઓ, નાયકો તથા તેમની પ્રજા, એક જ જગ્યાએ એકત્ર થાય, અને બ્રિટિશ સત્તા માટે સદ્ભાવ અને વ્યવહાર ભાવના કેળવે.

આજથી સો વર્ષ અગાઉના અભ્યાસ ઉપરથી દરબારનો પ્રસંગ વિશિષ્ટ રીતે ઉજવવામા આવતો હતો, તેવુ ફલિત થાય છે. તે વખતે રાજાઓ, નાયકો તથા તેમના ભાઉબંધો રંગબેરંગી પોષાકમા અહીં આવતા, અને બે થી ત્રણ દિવસ દરબારના મેળાનો આનંદ મનાવતા હતા. બ્રિટિશ પોલિટિકલ એજન્ટોના હાથે સાલિયાણુ મેળવવુ, એ ઘણુ માનભર્યુ સમજતા હતા.

ઇ.સ. ૧૮૭૬/૭૭મા રાણી વિક્ટોરીયાનો ભારતના મહારાણી તરીકે રાજ્યાભિષેક થયો તે પ્રસંગે ધુળિયા (મહારાષ્ટ્ર) મા દરબાર યોજવામા આવ્યો હતો. પે પછી પીપળનેર, પીપલાઇદેવી, અને શીરવાડામા પણ દરબાર યોજાયાના અહેવાલો પ્રાપ્ત થયા છે. ઇ.સ.૧૯૦૦ના મે માસમા આ દરબાર વઘઇ ખાતે યોજવામા આવ્યો હતો.

આ દરબાર વખતે રાજાઓને જંગલ સબસિડી, અને શિરપાવ આપવામા આવતો. નાયકો તથા પોલીસ પટેલોને પણ આગ નિવારણ તથા બીજા કામો માટે બક્ષિસો આપવામા આવતી. સને ૧૯૧૦મા પિંપરીના નાયકને જંગલ ખાતાની ઉપયોગી સેવા કરવા બદલ, એક બંદૂક બક્ષિસમા આપવામા આવી હોવાના ઉલ્લેખ જોવા મળે છે. તે જ વરસમા સારી જાતના પાક માટે, કેટલાક પોલીસ પટેલોને કદરરૂપે ચાંદીના કડા બક્ષિસ તરીકે આપવામા આવ્યા હતા.

ઇ.સ.૧૯૧૧મા ચિંચલી-ગડદના નાયકને બ્રિટિશ સરકાર પ્રતિ વફાદાર રહેવા બદલ સોનાની વિંટી (અંગુઠી) આપવામા આવી હતી. ઇ.સ.૧૯૧૩ના દરબારમા લોકો ઘણી મોટી સંખ્યામા હાજર રહ્યા હતા. આ દરબાર વખતે ગાઢવી, પીંપરી, દહેર, ચિંચલી, કિરલી તથા વાસુર્ણાના રાજાઓ તથા ગાઢવી રાજાના કુટુંબના એક વયોવૃદ્ધ આસામીને, દિલ્હી દરબાર તરફથી ચંદ્રકો એનાયત કરવામા આવ્યા હતા. તેમ છતા ઇ.સ. ૧૯૧૪મા ભીલ રાજાઓ તથા નાયકોએ બ્રિટિશ હૂકુમત સામે બળવો પોકાર્યો હતો.

પરંતુ તેમા રાજાઓ ફાવ્યા નહીં. ઇ.સ.૧૯૧૫મા દરબાર વખતે જે રાજાઓ, અને નાયકોએ બળવામા ભાગ લીધો હતો, તેમને દંડ કરવામાં આવ્યો, અને જેમણે ભાગ ન લીધો તેમને ચાંદીના ઘરેણા, અને રોકડ આપી, તેમનુ સન્માન કરવામા આવ્યુ હતુ. ત્યાર પછી દરબાર કોઇપણ વિઘ્ન વિના ભરવામા આવતો હતો.

ઇ.સ.૧૯૩૫મા ભરાયેલો દરબાર વિશિષ્ટ પ્રકારનો હતો. આ દરબાર ખાસ “રૌપ્ય મહોત્સવ” દરબાર તરીકે ઉજવવામા આવ્યો હતો. આ દરબારમા રોકડ રકમ, અને શિરપાવની વહેંચણી કરવામા આવી હતી. ઇ.સ.૧૯૪૭ સુધીમા ત્રણ વખત આહવામા દરબાર યોજાયો હતો.

ઇ.સ.૧૯૪૮મા ડાંગનુ વિલિનિકરણ થયુ. છતા દરબાર પ્રતિવર્ષ નિયમિત ભરવામા આવતો. પરંતુ ઇ.સ.૧૯૫૪થી મુંબઇ સરકારે રાજા, નાયકો અને ભાઉબંધોને પેશગી આપવાની પ્રથામા ફેરફાર કરી, તેમના મૂળ હક્કોના બદલામા તેમને વંશપરંપરાગત પોલિટિકલ પેન્શન (રાજકીય પેન્શન) આપવાનુ નક્કી કર્યુ. અગાઉથી યોજાતા આવેલા દરબાર વખતે પેન્શન આપવાનો ખાસ પ્રસંગ આજે પણ દરબાર વખતે યોજાય છે. ઇ.સ.૧૯૫૪થી આજ સુધીમા દરબાર આહવા ખાતે જ યોજવામા આવ્યા છે.

દરબાર ચાલુ થાય તે પહેલા પાંચથી છ દિવસ અગાઉથી બજાર (હાટ) ભરાવાનુ ચાલુ થાય છે. જેમા ડાંગી પ્રજા રોજબરોજની ચીજવસ્તુઓ ખરીદે છે. દરબારમા લગભગ સૌ ડાંગીજનો ભાગ લેતા હોય છે.

રંગપંચમી પછી દરબારની ગિર્દી અને હોળીનો ઉત્સાહ ઓછો થતો જાય છે. આ હોળીના તહેવારના મીઠાસભર્યા પ્રસંગો, સ્મૃતિમાંથી દૂર ન થાય ત્યાં જ બીજુ પર્વ આવીને ઊભુ રહે છે.

આમ, વર્ષભર પ્રકૃત્તિના ખોળે વસતા, ડાંગી પ્રજાજનો ઉત્સવો, પર્વોની ઉજવણી સાથે તેમનું નૈસર્ગિક જીવન જીવતા નજરે પડે છે. આ વિશિષ્ટ જનજીવન, તેમના રીતરિવાજા, તેમનો પહેરવેશ, રહેણીકરણી અને તેમની આદતો, માન્યતાઓને નજીકથી જોવા, જાણવા અને માણવા માટે, તમારે ડાંગ જિલ્લાની મુલાકાત લેવી જ રહી.

‘કોરોના કાળ’ એટલે કે ૨૦૨૧ના વિરામ બાદ આ વર્ષે ફરીથી ભરાઈ રહેલા ડાંગ દરબારના આ ભાતીગળ લોકમેળાનુ ઉદ્દઘાટન, રાજવીઓની શોભાયાત્રા, અને તેમને પોલિટિકલ પેન્શન એનાયત કરવાનો કાર્યક્રમ આગામી તા.૧૨મી માર્ચે યોજાશે. ત્યાર બાદ સતત પાંચ દિવસ સુધી એટલે કે તા.૧૬/૦૩/૨૦૨૨ સુધી ભાતીગળ લોકમેળો અને જુદા જુદા કાર્યક્રમો, મેળામા આવતા પ્રજાજનોને માણવા મળશે.
—–

Share this Article
Leave a comment