“કોરોના” સામેની વેકસીને દેશના પ્રજાજનોમા નવી આશા અને ઉમંગનો સંચાર કર્યો છે વન મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા

adminpoladgujarat
5 Min Read

ડાંગ જિલ્લામા બે સ્થળોએ “કોવિશિલ્ડ” રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ કરાવતા વન, આદિજાતિ, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા ;

આહવાની સિવિલ હોસ્પિટલ અને સાકરપાતળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરાયો રસીકરણનો પ્રારંભ

આહવા: તા: ૧૯: દેશના પ્રજાજનો જેની ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે “”કોરોના” સામે રક્ષણ આપતી રસી ગુજરાતના આંગણે આવી પહોંચતા કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ તબક્કાવાર આ રસી આપવાના કાર્યક્રમનો આજે પ્રારંભ થતા, દેશના પ્રજાજનોમા નવી આશા અને ઉમંગનો સંચાર થવા પામ્યો છે તેમ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યુ હતુ.

સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા, પૂણે દ્વારા તૈયાર કરાયેલી “”કોવિશીલ્ડ રસી ગુજરાતને પ્રાપ્ત થઇ છે. જેના તબક્કાવાર રસીકરણનો કાર્યક્રમ ભારત સરકારના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઘડી કાઢવામા આવ્યો છે. જે મુજબ દેશભરમા આજથી આ કાર્યક્રમનો શુભારંભ કરાયો છે તેમ જણાવી મંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આ કાર્યક્રમનુ સુક્ષ્મ નિરીક્ષણ કરી રહ્યા છે તેમ જણાવ્યુ હતુ.
ડાંગ જિલ્લામા આહવાની સિવિલ હોસ્પિટલ ખાતે રસીકરણનો શુભારંભ કરાવતા મંત્રીશ્રીએ આહવા ઉપરાંત સાકરપાતળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમા આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તેમ પણ જણાવ્યુ હતુ.

૨૮ દિવસના અંતરાલ બાદ ફરી આ જ કંપનીની રસીનો બીજો ડોઝ લેવો આવશ્યક છે તેમ જણાવતા શ્રી વસાવાએ બીજો ડોઝ લીધા બાદ ૧૪ દિવસ પછી આ રોગ સામે રક્ષણ મેળવવા માટે આપણું શરીર તૈયાર થાય છે તેમ તકનીકી વિગતો આપતા જણાવ્યુ હતુ. ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ પ્રાધાન્ય ધરાવતા જૂથને પ્રથમ આ રસી આપીને રક્ષિત કરાશે તેમ જણાવી મંત્રીશ્રીએ કોવિદ-૧૯ની તમામ સંશોધન પ્રક્રિયા મુજબ જ તૈયાર કરાયેલી આ રસીના સંશોધનોના તમામ ડેટાનો અભ્યાસ કરીને જ સરકારે તેના ઉપયોગ માટેની મંજુરી આપી છે તેમ જણાવ્યુ હતુ.
કોરોના સામે રક્ષણ મેળવવા, તેનુ સંક્રમણ અટકાવવા, અને કોરોના ને કારણે નોંધાતા મૃત્યુ દરને ઘટાડવા માટે આ રસી લેવી ખુબ જ આવશ્યક છે તેમ જણાવતા મંત્રીશ્રીએ રસી લીધા બાદ પણ સોશિયલ ડિસ્ટન્સ, ફેસ માસ્ક, અને વારંવાર હાથ ધોવા જેવી આદતો કેળવવી રહી તેમ જણાવ્યુ હતુ.
રસીકરણ માટે લાભાર્થીઓની ઓનલાઈન નોંધણી સાથે તેને મેસેજ દ્વારા રસીકરણ માટેની તારીખ, સમય અને સ્થળની જાણકારી આપવાની અમલી પદ્ધતિનો ખ્યાલ આપતા શ્રી ગણપતસિંહ વસાવાએ રસીકરણના સ્થળે લાભાર્થીના આઈ.ડી. પૃફની ચકાસણી કરવા સાથે તેને ઓનલાઈન સર્ટીફિકેટની સુવિધા પણ મળી રહેશે તેમ જણાવ્યુ હતુ.
ડાંગના અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.સંજય શાહે પુરક વિગતો આપતા ડાંગ જિલ્લામા પ્રથમ તબક્કે ૨૧૧૨ જેટલા હેલ્થ કેર વર્કરોને આ રસી અપાશે તેમ જણાવી ત્યાર બાદ ૯૧૮૪ જેટલા ફ્રન્ટલાઈન વર્કરો, ૪૩૬૩૭ ફિફ્ટી પ્લસ નાગરિકો, અને ૧૯૬૮ જેટલા ૧૫ થી ૫૦ વર્ષની વયજૂથના કોમોર્બિટ પ્રજાજનો મળી કુલ ૫૨૭૦૭ જેટલા લોકોને કોવિશીલ્ડની રસીનો પ્રથમ ડોઝ અપાશે તેમ ઉમેર્યું હતુ. ત્યાર બાદ તબક્કાવાર આ કામગીરી આગળ વધારાશે તેમ જણાવી શ્રી શાહે ડાંગ જિલ્લામા કલેકટર શ્રી એન.કે.ડામોર, અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણીયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનુ સુચારુ આયોજન કરાયુ છે તેમ જણાવ્યુ હતુ.
જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રી ડો.ડી.સી.ગામીતે ડાંગ જિલ્લામા આજની તારીખે કુલ ૧૫૯ જેટલા કોરોના ના પોઝેટીવ કેસો નોંધાયા છે તેમ જણાવી, જે પૈકી ૨૧ જેટલા કેસો એક્ટીવ હોવાની વિગતો આપી ૧૩૮ દર્દીઓને તેઓ સાજા થતા રજા આપી હોવાની વિગતો આપી હતી. આજદિન સુધી જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૨૯૩૪૫ જેટલા કોરોના ટેસ્ટ કરાયા હોવાનુ પણ તેમણે ઉમેર્યું હતુ.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રસીકરણ કાર્યક્રમના કરાવાયેલા શુભારંભનુ જીવંત પ્રસારણ નિહાળી આહવાની સિવિલ હોસ્પિટલ ખાતે આયોજિત રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. ડાંગ જિલ્લાના રસીકરણ માટેના બંને કેન્દ્રો ખાતે પ્રથમ દિવસે સો સો મળી કુલ ૨૦૦ લાભાર્થીઓનો લક્ષ નિર્ધારિત કરાયો છે.
આહવાના આ કાર્યક્રમમા મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા સહીત સામાજિક કાર્યકરો સર્વશ્રી દશરથ પાવર, બાબુરાવ ચૌર્યા, મંગળભાઈ ગાવિત અને અશોકભાઇ ધોરાજીયા, કલેકટર શ્રી એન.કે.ડામોર, નાયબ વન સંરક્ષક શ્રી નિલેશ પંડ્યા, અધિક કલેકટર-વ-પ્રાયોજના વહીવટદાર શ્રી કે.જિ.ભગોરા, પ્રાંત અધિકારી સુશ્રી કાજલ ગામીત, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.સંજય શાહ, સિવિલ સર્જનશ્રી ડો.રશ્મીકાંત કોકણી, આરોગ્ય વિભાગની ટીમ, લાભાર્થીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

6 + five =

Exit mobile version