રાજ્ય સરકારની નકલી સેનિટાઇઝર અને હેન્ડ વોશના ઉત્પાદકો સામે લાલ આંખ

adminpoladgujarat
4 Min Read

સુરતમાં બનાવટી લાયસન્સ અને ખોટા સર્ટીફીકેટ ધરાવનાર હેન્ડ સેનિટાઇઝર અને હેન્ડ વોશના ઉત્પાદકો સામે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની કડક કાર્યવાહી

૧૩ લાખની કિંમતના સેનીટાઇઝર જપ્ત કરાયા

 ‘‘ફર્સ્ટ ક્લાસ હેન્ડ વોશ, ફર્સ્ટ ક્લાસ હેન્ડ સેનીટાઇઝર, જે.પી. ફર્સ્ટ ક્લાસ હેન્ડ રબ, આરુશ હેન્ડ સેનીટાઇઝર” બ્રાન્ડનેમ વાળા હેન્ડ સેનિટાઈઝર તથા હેન્ડ વોશનો જથ્થો જપ્ત કરાયો

આજે વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યુ છે. નાગરિકો સાવચેતી સાથે સ્વાસ્થ્ય સુરક્ષા હેતુ હેન્ડ સેનિટાઇઝર અને હેન્ડ વોશનો વપરાશ કરી રહ્યા છે. નાગરિકોને ગુણવત્તાયુક્ત હેન્ડ સેનિટાઈઝર તથા હેન્ડ વોશ મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનરશ્રી ડૉ.એચ.જી.કોશિયાએ જણાવ્યુ છે કે, રાજ્ય સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સુરતમાં બનાવટી લાયસન્સ અને ખોટા સર્ટીફીકેટ ધરાવનાર હેન્ડ સેનિટાઇઝર અને હેન્ડ વોશના ઉત્પાદકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. મે. જે. પી. પેઇન્‍ટસ એન્ડ કેમીકલ, પ્લોટ નં. ૭, ૮, ગ્રાઉન્‍ડ ફ્લોર, સ્વાગત ઇન્‍ડસ્ટ્રીયલ એસ્ટેટ, તા. ઓલપાડ, જી. સુરત ખાતે સુરતના ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ રેડ કરીને અલગ-અલગ બેચના જુદા જુદા પેકીંગ વાળા “ફર્સ્ટ ક્લાસ હેન્ડ વોશ, ફર્સ્ટ ક્લાસ હેન્ડ સેનીટાઇઝર, જે.પી. ફર્સ્ટ ક્લાસ હેન્ડ રબ, આરુશ હેન્ડ સેનીટાઇઝર” બ્રાન્ડનેમ વાળા હેન્ડ સેનિટાઈઝર તથા હેન્‍ડ વોશ વગેરે નકલી બનાવટો પકડી છે, જેના નિયમિત નમૂના લઇ બાકીની બનાવટો, કાચા દ્રવ્યો, પેકીંગ મટીરીયલ તેમજ મશીનરીનો જથ્થો વધુ કાર્યવાહી માટે જપ્ત કરવામા
આવ્યો છે.કમિશનરશ્રી ડૉ.એચ.જી.કોશિયાએ વધુમાં જણાવ્યુ છે કે, રેડ દરમિયાન માલીક શ્રી યોગેશભાઇ ફુલવાણીએ કબૂલ કરેલ છે કે તેઓ આ ગેરકાયદેસર ઉત્પાદન વગર પરવાને શરૂ કરી કોઇપણ જાતના ટેસ્ટીંગ કર્યા વગર ટુંકા ગાળામાં વધુ પૈસા મેળવી લેવાની લાલચથી હેન્ડ સેનીટાઇઝર તથા હેન્ડ વોશનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન કરી વેચાણ કર્યુ છે અને તેમના ગોડાઉનમાંથી ૧૦,૦૦૦ લીટર સેનીટાઇઝર બનાવવા માટેનું પ્રવાહી, 525 X 5 Ltr., 159 X 500 ml., 39 X 250 ml., 78 X 100 ml. (કુલ ૨૭૨૨ લીટર) તૈયાર પ્રોડકટ, પેકીંગ મટીરીયલ, કાચા દ્રવ્યો, મશીનરી, ૧૨૦ કિ.ગ્રા. અલગ અલગ ફ્લેવર વગેરે મળી કુલ ૧૩ લાખ રૂપિયાનો ૩ ટ્રક જેટલો મુદ્દામાલ કબ્જે કરવામા આવ્યો છે. તેમજ તેઓએ જાતે બનાવેલ બનાવટી લાયસન્સ અને ખોટા સર્ટીફીકેટ (WHO-GMP Certifications સ્કીમ મુજબ) પકડ્યા છે. તેઓ દ્વારા કેટલા સમયથી આ બનાવટોનું ઉત્પાદન થાય છે? તથા અત્યાર સુધી કોને કોને વેચાણ કરવામાં આવ્યું છે? તે ઉપરાંત ઉપયોગ કરેલ આલ્કોલ ક્યાંથી મેળવ્યુ છે? ક્યાં ક્યાં વેચાણ કર્યુ છે? તેની સઘન તપાસ સુરતના ડ્રગ્સ વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે.શ્રી યોગેશ ફુલવાણીએ વગર પરવાને, ગુણવત્તાના કોઇપણ માપદંડની ચકાસણી કર્યા વગર હેન્‍ડ સેનીટાઇઝરનું ઉત્પાદન કરી, ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારાની કલમ ૧૮(સી)નો ભંગ કર્યો છે તથા આવા વગર પરવાને ઉત્પાદીત હેન્ડ સેનીટાઇઝરની ગુણવત્તા અને અસરકારકતા સામે પણ મોટો પ્રશ્ન ઉદ્દભવે છે. હેન્ડ સેનીટાઇઝરની ગુણવત્તા ચકાસવા માટે ૧૪ જેટલા નમુના લઈ ખોરાક અને ઔષધ પ્રયોગશાળા, વડોદરા ખાતે પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે. સમાજમાં આવા ગુનાહિત્ત કૃત્યો આચરનાર અને ગેરમાર્ગે દોરનાર વ્યક્તિઓ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ કડક કાર્યવાહી શરુ કરતા આવા અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાઇ રહ્યો છે અને આવા તત્વોને જેર કરવા તંત્ર ભૂતકાળમાં પણ સફળ રહ્યું છે અને ભવિષ્યમાં ગમે તેવા ચમરબંધીને પણ બક્ષશે નહીં તેમ ડૉ. એચ.જી.કોશિયાએ વધુમાં જણાવ્યુ છે.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

9 + 20 =

Exit mobile version