મુખ્યમંત્રીએ સિંગણપોરના કોઝવે ખાતે તાપી કિનારે ભુદેવોના વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂણ્યસલિલા તાપીમૈયાનું પૂજન-અર્ચન કર્યું

adminpoladgujarat
3 Min Read

મુખ્યમંત્રીશ્રીએ શ્રમદાન કરી નદીઓને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાનો સંદેશ આપ્યો: ઉપસ્થિત સૌએ નદીઓને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાના સામૂહિક સંકલ્પ ગ્રહણ કર્યા
સુરત , રવિવાર: ‘તાપી નદી પર ઝડપભેર રિવરફ્રન્ટનું નિર્માણ કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ગુજરાતને ગ્રીન કવરથી આચ્છાદિત કરવા તેમજ ઉદ્યોગો દ્વારા ટ્રીટેડ વોટર જ નદીઓમાં છોડવામા આવે તે દિશામાં રાજ્ય સરકાર નક્કર આયોજન કરશે.,’એમ સુરતની તાપીનદીના તટેથી આજે રાજ્યવ્યાપી ‘નદી ઉત્સવ’નો શુભારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું.

દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણતાના અવસરે દેશભરમાં ઉજવાઈ રહેલા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે દેશની પ્રગતિ અને પ્રકૃત્તિમાં મહત્વનું યોગદાન આપતી નદીઓનું ગૌરવગાન અને સન્માન કરવાના હેતુથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં સુરતના સિંગણપોર વિયર કમ કોઝવે ખાતે રાજ્યકક્ષાનો “નદી ઉત્સવ” યોજાયો હતો. જ્યાં તાપી નદીના પાવન તટે મુખ્યમંત્રીશ્રીએ ભૂદેવોના વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂણ્યસલિલા તાપીમૈયાનું પૂજન-અર્ચન કર્યું હતું. તેમણે શ્રમદાન કરી નદીઓને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાનો સંદેશ આપ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ ‘નદી ઉત્સવ’ નદીઓના કિનારે વિસરાયેલી ભવ્ય સંસ્કૃતિને સજીવન કરવાનો આ પ્રયાસ હોવાનું જણાવી વધુમાં ઉમેર્યું કે, નદીઓ, પર્યાવરણ આપણી મહામૂલી સંપત્તિ છે. આપણી નદીઓ રાજ્યના અપ્રતિમ વિકાસની મૂક સાક્ષી છે. માનવજીવન સહિત અનેકવિધ સજીવો માટે નદીઓ શુદ્ધ મીઠા પાણીઓ એકમાત્ર સ્ત્રોત છે. આપણી આવનારી પેઢીઓ સાથે પર્યાવરણની સુરક્ષા માટે જીવનદાતા નદીઓની જાળવણી કરવી આપણી ફરજ છે.
મુખ્યમંત્રીશ્રીએ ભૂતકાળની સરકારના શાસનમાં જોવા મળતી સુવિધાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, એક સમયે સાબરમતી નદીના પટ પર ક્રિકેટના મેદાનો અને સર્કસના ડેરા-તંબુ જોવા મળતા હતા, જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિના પરિણામે આજે આધુનિક સુવિધાઓથી સજ્જ રિવરફ્રન્ટ સાકાર થયો છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, તા.૨૬ થી ૩૦ ડિસેમ્બર દરમિયાન રાજ્યભરમાં ‘નદી ઉત્સવ’ના માધ્યમથી નદીઓ, વૃક્ષો સહિતની કુદરતી સંપત્તિના સંરક્ષણની આહલેક જગાવવામાં આવશે. ઉપરાંત, નદીઓને સિટી બ્યુટીફિકેશન સહિતના બહુવિધ વિકાસઆયામો સાથે જોડીને લોકસુવિધા ઊભી કરવાની સરકારની નેમ છે. નર્મદાના કેવડીયા ખાતે એકતા ક્રુઝ અને રિવરરાફટીંગ જેવી આનંદ-પ્રમોદની સુવિધાઓ સરકારે વિકસાવી છે એમ પણ તેમણે કહ્યું હતું.
રાજ્ય સરકાર સુશાસનના પ્રણેતા પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલબિહારી વાજપેયીજીની સ્મૃત્તિમાં દરેક વ્યક્તિને સરળતાથી સરકારી સેવાઓના લાભ આપવા સાથે નાગરિકોની સમસ્યાઓ નિવારવાના અનેકવિધ પ્રયાસો કરી ‘સુશાસન સપ્તાહ’ની ઉજવણી કરવા પણ સંકલ્પબદ્ધ હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આ વેળાએ મુખ્યમંત્રીશ્રી, મંત્રીશ્રી અને શહેરીજનોએ નદીઓને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાના સામૂહિક સંકલ્પ ગ્રહણ કર્યા હતા. બાલિકાઓએ ‘ધન્ય ધન્ય તાપીના પાણી’ ગીત પર મનમોહક નૃત્ય રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.
પ્રારંભે નર્મદા, જળ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના સચિવશ્રી કે.એ.પટેલે સ્વાગત પ્રવચન કરતા નદી ઉત્સવની રૂપરેખા આપી રાજ્ય સરકાર દ્વારા નદીઓને સ્વચ્છ, સુરક્ષિત અને જીવંત રાખવા માટેના રાજ્ય સરકારના પ્રયાસોની ભૂમિકા સ્પષ્ટ કરી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળસંપત્તિ, પાણી પુરવઠામંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ, શહેરીવિકાસ અને શહેરી ગૃહનિર્માણ રાજ્યમંત્રીશ્રી વિનોદભાઈ મોરડિયા, કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, સાંસદશ્રી સી.આર.પાટીલ, મેયર શ્રીમતી હેમાલી બોઘાવાલા, જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક, મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાની સહિત ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીઓ, શહેરીજનો, મનપાના કર્મચારીગણ ઉપસ્થિત રહ્યાં હતા.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

three × three =

Exit mobile version