નાના અરજદારને અન્યાય ન થાય અને પશુ મૃત્યુના કિસ્સામાં હકારાત્મક અભિગમ અપનાવવા તાપી કલેકટર આર.જે.હાલાણીનો અનુરોધ

adminpoladgujarat
2 Min Read

તાપી કલેકટરની અધ્યક્ષતામાં પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિની બેઠક યોજાઈ

વ્યારા:- તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલમાં તાજેતરમાં કલેકટર આર.જે.હાલાણીના અધ્યક્ષસ્થાને સોસયટી ફોર પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનીમલ ( SPCA ) પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. સમિતિના સભ્યો સાથે યોજાયેલી આ બેઠકમાં સોસાયટીના ઉદ્દેશો, પ્રાણી ઉપર થતા અત્યાચાર નિવારણ,માળખાકીય સવલતો,પશુ ચિકિત્સકની નિમણૂંક, સત્તાઓ, સભ્યપદ સહિત વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી.
કલેકટરશ્રી આર.જે.હાલાણીએ સંવેદનશીલ અભિગમ અપનાવતા જણાવ્યું હતું કે પશુપાલકોને અન્યાય ન થાય અને ગરીબ લોકોને પશુઓના મૃત્યુના કિસ્સામાં વળતર મળી રહે તે જોવાનું રહેશે. વધુમાં વિમા કંપનીઓ સાથે વિચાર વિમર્શ કરી પશુઓના વિમા ઉતરાવવા હિમાયત કરી હતી. સાથે મેનેજર પાંજરાપોળ સુરતને હકારાત્મક અભિગમ અપનાવી સેવાનું કામ કરવા અનુરોધ કર્યો હતો. તાપી જિલ્લામાં પાંજરાપોળ વ્યવસ્થા ન હોવાના કારણે કતલખાને જતા ઢોરને પકડી પોલીસ કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે વ્યવસ્થાના ભાગરૂપે વહીવટી તંત્ર સાથે યોગ્ય સંકલન કરવામાં આવે જેથી કોઈ પણ પ્રશ્નનો સકારાત્મક નિકાલ થાય.
નાયબ પોલીસ અધિક્ષકશ્રી એ.કે.પટેલે સમિતિને સુચારૂ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, પશુઓ વહન કરવા અંગે સી.એમ.વી.આર.૧૯૮૯ ના નિયમ ૧૨૫(ઈ)નો અમલ કરવો જોઈએ. કતલખાને લઇ જવાતા ઢોર જ્યારે પકડાય ત્યારે સીધા સંઘર્ષમાં ન ઉતરતા પોલીસને દુરવાણી ઉપર જાણ કરવી જોઈએ. વધુમાં સમિતિના સભ્યને એક જ વર્ષનું આઈડેન્ટીટી કાર્ડ આપવામાં આવે છે. જે પૂર્ણ થતા રીન્યુ કરાવી લેવાનું રહેશે. નાયબ પશુપાલન નિયામકશ્રી ડો.પી.કે.ફુલેત્રાએ બેઠકનું સંચાલન કરતા જણાવ્યું હતું કે, હાલમાં તાપી જિલ્લામાં પ્રાણીઓ ઉપર થતા અત્યાચાર નિવારવા માટે માળખાકિય સવલતો માટે અંદાજીત ૫ એકર જમીનની જરૂરિયાત છે. જેથી પ્રાણીઓ માટે રહેઠાણ,પીવા માટેનું પાણી,ઘાસચારો સાથે પાંજરાપોળ ઉભી કરી શકાય. સોસાયટીમાં પશુઓની સારવાર માટે ચિકિત્સકની નિમણૂંક થાય એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. હાલમાં સોસાયટી પાસે રૂા.૨૩ લાખ ૫૬ હજાર રૂપિયા ભંડોળ છે. આ બેઠકમાં માનવ એકતા ચેરીટેબલ ટ્રસ્ટના હિતેશભાઈ કાયસ્થ, જીવદયાપ્રેમી પિયુષભાઈ પાઘડાળ, વન વિભાગના અધિકારી સહિત સમિતિના સભ્યો ઉપસ્થિત રહયા હતા.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 × three =

Exit mobile version