“કોરોના” સંક્રમિત દર્દીઓ માટે હોમ આઇસોલેશન માટેની સામાન્ય માર્ગદર્શિકા

adminpoladgujarat
9 Min Read

 

સંકલન : મનોજ ખેંગાર

આહવા: તા: ૧૫: કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા “કોવિડ-૧૯”ના હળવા, મધ્યમ, અને ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓ માટે ‘હોમ આઈસોલેશન’ થવા અંગે સુધારેલી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકા મુજબ કોરોનાના હળવા, મધ્યમ અથવા ગંભીર લક્ષણો ધરાવતાં દર્દીઓને ‘કોવિડ કેર સેન્ટર’, ‘ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર’ અથવા ‘ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ’મા દાખલ કરવાની સૂચનો જારી કરવામા આવી હતી.પ્રવર્તમાન સંજોગોને ધ્યાને લઈને ‘એસિમ્પ્ટોમેટિક’ લક્ષણો ધરાવતા કેસો વધતા આ માર્ગદર્શિકામા જરૂરી સુધારા કરવામા આવ્યા છે.ડાંગ જિલ્લામા પણ વધતા જતા “કોરોના સંક્રમણ’ ને પગલે ઘણાં દર્દીઓ “હોમ આઇસોલેશન” મા રહેવાનો આગ્રહ રાખે છે, ત્યારે આવા દર્દીઓ તથા તેમના પરિવારજનો માટે આ સામાન્ય સમજ ઉપયોગી બની રહેશે.

દર્દીઓના હોમ આઈસોલેશન માટેના ધોરણો :-

– સારવાર કરતા મેડીકલ ઓફિસર દ્વારા દર્દીને એસિમ્ટોમેટિક/વેરી માઈલ્ડ સિમ્ટોમેટિક અને પ્રિ-સિમ્ટોમેટિક તરીકે દર્શાવવામાં આવ્યા હોય.

– તેવા કિસ્સામા દર્દી પાસે ઘરે આઈસોલેશન માટેની સુવિધા હોવી જોઈએ, તથા તેના સંપર્કમાં આવતા લોકો માટે પણ આઈસોલેશન સુવિધા હોવી અનિવાર્ય છે.

– ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા તેમજ HIV, ટ્રાન્સપ્લાન્ટ, કેન્સર થેરેપીના દર્દીઓને હોમ આઇસોલેશનની મંજૂરી આપવામાં આવતી નથી.

– ૬૦ વર્ષથી વધુ ઉમરના વૃદ્ધ દર્દીઓ અને હાયપરટેન્શન, ડાયાબિટીઝ, હ્રદયરોગ, ક્રોનિક ફેફસા, યકૃત/કિડની તેમજ સેરેબ્રો-વેસ્ક્યુલર જેવા રોગ ધરાવતા દર્દીઓને સારવાર કરતા તબીબી અધિકારી દ્વારા, યોગ્ય મૂલ્યાંકન કર્યા પછી જ હોમ આઇસોલેશન માટેની મંજૂરી આપવામાં આવશે.

– દર્દીની સંભાળ રાખવા માટે એક વ્યક્તિ ૨૪ કલાક હાજર હોવી જોઈએ, તેમજ આઇસોલેશનના સમયગાળા દરમિયાન દર્દી, અને હોસ્પિટલ વચ્ચે યોગ્ય કમ્યુનિકેશન થાય તે અનિવાર્ય છે.

– દર્દીની સંભાળ રાખનાર તેમજ દર્દીના નજીકના બધા સંપર્કોએ, અને સારવાર કરતા ડૉક્ટર્સ દ્વારા સૂચવ્યા મુજબ હાઇડ્રોક્સિક્લોરોક્વિન પ્રોફીલેક્સીસ લેવી જોઈએ.

– મોબાઈલમા ‘આરોગ્ય સેતુ એપ’ ડાઉનલોડ કરવી આવશ્યક છે., આ એપ્લિકેશન https://www.mygov.in/aarogya-setu- app પર ઉપલબ્ધ છે. જે એપ બ્લૂટૂથ અને વાઇફાઈના માધ્યમથી સતત કામ કરે છે.

– કોરોનાગ્રસ્ત દર્દી તેના આરોગ્યની જાતે દેખરેખ રાખવા સંમત થઈ હોય, અને નિયમિતપણે તેની સ્વાસ્થ્યની સ્થિતિની જાણકારી જિલ્લા સર્વેલન્સ અધિકારીને જણાવશે. જે દર્દીને જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડશે.

– દર્દી સેલ્ફ આઇસોલેશન (જોડાણ ૧) મા દર્શાવેલ બાંહેધરી પત્ર ભરશે, અને હોમ ક્વોરન્ટાઈન માર્ગદર્શિકાઓનુ પાલન કરશે.

– સારવાર આપતા ડોક્ટરને હોમ આઇસોલેશન માટે મંજૂરી આપતા પહેલા તમામ બાબતો અંગે સંતોષ થવો હોવો જોઈએ.

મેડીકલ અટેન્શન :-

– દર્દીમા જો નીચે દર્શાવેલ લક્ષણો જણાય તો તાત્કાલિક તેને મેડીકલ સારવાર આપવાની રહેશે.

– કોરોનાગ્રસ્ત દર્દીને શ્વાસ લેવામા તફલીફ, શરીરમા ઑક્સીજનનુ સ્તર ૯૫ % થી ઓછું થાય, છાતીમા દુખાવો, માનસિક મુંઝવણ અથવા સજાગતાનો અભાવ, અસ્પષ્ટ અવાજ, કોઈપણ અંગ અથવા ચહેરામા નબળાઇ અથવા નિષ્ક્રિયતા, હોઠ/ચહેરાનો વાદળી રંગ જણાય.

રાજ્ય અને જિલ્લા આરોગ્ય તંત્રની ભૂમિકા :-

– હોમ આઈસોલેશન માટેની નવી માર્ગદર્શિકા અનુસાર રાજ્ય, અને જિલ્લા આરોગ્ય અધિકારીઓ આવા કેસની દેખરેખ રાખશે.

– હોમ આઇસોલેશનમા રહેલા દર્દીઓની તબિયતની સ્થિતિનુ કોલ સેન્ટર દૈનિક ધોરણે ફોલોઅપ કરશે, તેમજ ફીલ્ડ સ્ટાફ/સર્વેલન્સ ટીમો વ્યક્તિગત રીતે દર્દીની પરિસ્થિતિની જાણકારી મેળવશે.

– ફિલ્ડ સ્ટાફ/કોલ સેન્ટર દ્વારા દર્દીઓનો કલીનીકલ (શરીરનું તાપમાન, પલ્સ રેટ, અને ઓક્સિજન સેચ્યુરેશન) રેકોર્ડ રાખવામાં આવશે.

– સાથે જ દર્દીના કેર ટેકરને પણ ફિલ્ડ સ્ટાફ દ્વારા સૂચનાઓ આપવામાં આવશે, જેનું કડકપણે પાલન કરવાનું રહશે.

– હોમ આઇસોલેશન હેઠળના દર્દીઓ વિશેની વિગતો પણ કોવિડ-૧૯ પોર્ટલ, અને સુવિધા એપ્લિકેશન પર અપડેટ કરવાની રહેશે.

– નિયમોના ઉલ્લંઘન અથવા દર્દીને સ્થળાંતરિત કરવાના કિસ્સામા પદ્ધતિ નિયત કરવાની રહેશે, અને તેનો અમલ કરવો પડશે.

– ફિલ્ડના સ્ટાફ દ્વારા કુટુંબના બધા સભ્યો, અને નજીકના સંપર્કોનું પ્રોટોકોલ મુજબ નિરીક્ષણ, અને પરીક્ષણ કરવુ પડશે.

– ડિસ્ચાર્જ માર્ગદર્શિકાને ફીલ્ડ ટીમ દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ આપવાની સાથે તેનું સખત રીતે પાલન કરવાનું રહેશે.

હોમ આઇસોલેશનનો સમયગાળો :-

– ભારતના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા સુધારેલ હોમ આઈસોલેશન માર્ગદર્શિકા પ્રમાણે હોમ આઇસોલેશન હેઠળ રહેલા દર્દીને લક્ષણોના શરૂઆતના ૧૦/૧૪ દિવસમા જો ૩ દિવસ સુધી તાવ ન આવે, તો તેને ડિસ્ચાર્જ કરવામાં આવશે.

– ત્યારબાદ દર્દીને સલાહ આપવામાં આવશે કે હોમ આઇશોલેશન થઈને વધુ ૭ દિવસ સુધી તેમના સ્વાસ્થ્યનુ સ્વ-નિરીક્ષણ કરવું.

– હોમ આઇસોલેશનનો સમય સમાપ્ત થયા પછી પરીક્ષણની જરૂર નથી.

– કોરોનાના શંક્સ્પદ લક્ષણો ધરાવતાં હોય અથવા કોરોનાગ્રસ્ત હોય તેવા દર્દીઓએ નિયત સમયગાળા માટે સેલ્ફ આઇસોલેશન જાળવવા માટે બાંહેધરી આપવાની રહેશે.

દર્દી માટેની સૂચનાઓ :-

– હોમ આઈસોલેશન દરમિયાન દર્દીએ હંમેશા ટ્રિપલ લેયર મેડિકલ માસ્કનો ઉપયોગ કરવાનો રહેશે.

– જો માસ્ક ભીના થઈ જાય અથવા મેલા દેખાય કે ૮ કલાકના ઉપયોગ બાદ યોગ્ય નિકાલ કરી દેવો જોઈએ.

–  માસ્કને 1% સોડિયમ હાઇપો-ક્લોરાઇટથી ડીસઇન્ફેકટ કર્યા પછી જ તેનો નિકાલ કરવો.

– દર્દીએ નક્કી કરેલા રૂમમા ઘરના અન્ય લોકોથી દૂર રહેવું જોઈએ. ખાસ કરીને વડીલો અને હાયપરટેન્શન, રેનલ ડિસીઝ જેવા સહ-રોગની સ્થિતિ ધરાવતા લોકોથી દૂર રહેવું જોઈએ.

– દર્દીએ વધુમાં પ્રમાણમાં પ્રવાહી લેવું જોઈએ, અને પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી જોઈએ.

– વારંવાર સાબુ અને પાણીથી ૪૦ સેકન્ડ્સ સુધી હાથ ધોતા રહેવું, અથવા આલ્કોહોલવાળા સેનેટાઈઝરથી સાફ કરતા રહેવું જોઈએ.

– પોતાની અંગત વસ્તુઓ અન્ય લોકો સાથે શેર કરવી જોઈએ નહિ.

– ટેબ્લેટ્સ, ડોર નોબ્સ, હેન્ડલ્સ, વિગેરે કે જેને વારંવાર સ્પર્શ કરવામાં આવે છે, તેને 1% હાયપોક્લોરાઇટ સોલ્યુશન વાપરીને સાફ કરવા જરૂરી છે.

– દર્દીએ ડૉક્ટર્સની સૂચનાઓ અને સલાહનુ ચુસ્તપણે પાલન કરવુ જોઈએ, અને નિયમિત રીતે દવાઓ લેવી જોઈએ.

– દર્દી દૈનિક તાપમાનની દેખરેખ સાથે તેના સ્વાસ્થ્યનુ સ્વયં-નિરીક્ષણ કરશે. જો કોઈપણ પ્રકારના લક્ષણો જણાય તો તાત્કાલિક જાણ કરશે.

કેર ગીવર્સ માટે સૂચનાઓ :-

– માર્ગદર્શિકા પ્રમાણે દર્દીની સાર સંભાળ રાખનાર માટે પણ નિયમો બનાવવામાં આવ્યા છે. જે પ્રમાણે દર્દી સાથે દેખરેખ રાખનાર વ્યક્તિ એક જ રૂમમા હોય ત્યારે સંભાળ રાખનારને ટ્રિપલ લેયર મેડિકલ માસ્ક પહેરવાના રહેશે.

– ઉપયોગ દરમિયાન માસ્કના આગળના ભાગને સ્પર્શ કરવો નહીં. જો માસ્ક ભીનું અથવા ગંદુ થાય ત્યારે તરત જ બદલવું આવશ્યક છે. માસ્કના નિકાલ પછી હાથની સ્વચ્છતા અવશ્ય રાખો.

– સંભાળ રાખનાર વ્યક્તિએ પોતાના ચહેરા, નાક અથવા મોં ને સ્પર્શ કરવાનું ટાળવું.

– ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરતા પહેલા, જમતા પહેલા, શૌચાલયનો ઉપયોગ કર્યા પછી, અને જ્યારે પણ હાથ ગંદા લાગે ત્યારે હાથની સ્વચ્છતાને પ્રાથમિકતા આપવી.

– ઓછામા ઓછા ૪૦ સેકંડ સુધી હાથ ધોવા માટે સાબુ, અને પાણીનો ઉપયોગ કરવો.

– જો હાથ દેખીતી રીતે ગંદા ન હોય તો આલ્કોહોલ આધારિત હેન્ડ રબનો ઉપયોગ કરી શકાય છે.

– સાબુ અને પાણીનો ઉપયોગ કર્યા પછી, સુકા હાથ માટે કાગળના ટુવાલનો ઉપયોગ ઇચ્છનીય છે. જો ઉપલબ્ધ ન હોય તો, ખાસ અલગ રાખેલા સ્વચ્છ કાપડના ટુવાલનો ઉપયોગ કરો, અને જ્યારે એ ભીનો થાય ત્યારે તેને બદલો.

– ગ્લોવ્ઝ દૂર કરતા પહેલા, અને પછી હાથની સ્વચ્છતા રાખો.

દર્દી સાથે સીધો સંપર્ક/આસપાસનુ વાતાવરણ :-

– દર્દીના શરીરના પ્રવાહી તેમજ શ્વસન સ્ત્રાવ સાથે સીધો સંપર્ક ટાળો.

– દર્દીને સાચવતી વખતે એકવાર ઉપયોગ કર્યા બાદ ફેંકી શકાય તેવા ગ્લોવ્સનો ઉપયોગ કરો.

– એ ઉપરાંત વાતાવરણમા સંભવિત દૂષિત ચીજોના સંસર્ગને ટાળવું જોઈએ.

– દર્દીને તેના રૂમમા ખોરાક પૂરો પાડવો આવશ્યક છે, દર્દી દ્વારા ઉપયોગમા લેવાતા અન્ય વાસણો તેમજ ડીશને સાબુ/ડીટરજન્ટ, અને ગ્લોવ્ઝ પહેરી પાણીથી સાફ કરવા જોઈએ. વાસણોનો ફરીથી ઉપયોગમાં કરી શકાય છે.

– દર્દી દ્વારા ઉપયોગમા લેવામા આવતી વસ્તુઓ, કપડા સાફ કરતી વખતે ટ્રિપલ લેયર મેડિકલ માસ્ક, અને નિકાલજોગ ગ્લોવ્સનો ઉપયોગ કરો.

– ગ્લોવ્ઝ દૂર કરતા પહેલા, અને પછી હાથની સ્વચ્છતા જાળવો.

– માસ્ક, નિકાલજોગ વસ્તુઓ, ફૂડ પેકેટ્સ વિગેરેનો નિકાલ સીપીસીબી માર્ગદર્શિકા મુજબ કરવો જોઇએ.

દર્દી અને તેના પરિવારના સભ્યોની સંભાળ :-

– દર્દીની સાર સંભાળ રાખનાર, અને તેની નજીક રહેનાર તમામ વ્યક્તિઓએ દૈનિક તાપમાન માપીને સ્વાસ્થ્યનુ સ્વયં-નિરીક્ષણ કરવાનું રહેશે, અને જો તેઓ ‘કોવિડ -૧૯’ના તાવ, ઉધરસ, શ્વાસ લેવામા તકલીફ જેવા કોઈ લક્ષણ જણાય તો તાત્કાલિક જાણ કરવાની રહેશે.
-૦-

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

16 − 13 =

Exit mobile version