કોરોનાના કહેર વચ્ચે ઐતિહાસિક “ડાંગ દરબાર”ની પ્રણાલી નિભાવતુ પ્રશાસન

adminpoladgujarat
3 Min Read

કોરોના સંક્રમણના ઓથાર હેઠળ હોળીનો મેળો રદ કરવા સાથે રાજવી પરિવારોને પોલીટીકલ પેન્શન એનાયત કરવાની પરમ્પરા સાદ્ગીપૂર્ણ રીતે જાળવી ;

ડાંગના રાજવીઓને ગરિમાપૂર્ણ રીતે સોનાના સિક્કા સાથે સાલીયાના અર્પણ કરાયા

આહવા; તા; ૨૪; ઐતિહાસિક પરંપરા ધરાવતા “ડાંગ દરબાર”નો મેળો સાંપ્રત પરિસ્થિતિ ધ્યાને લેતા રદ કરાયો છે, ત્યારે ડાંગના માજી રાજ્વીશ્રીઓને પોલીટીકલ પેન્શન એનાયત કરવાની સદીઓ જૂની રીતરસમને ખુબ જ સાદગીપૂર્ણ રીતે ઉજવીને જાળવી લેવામા આવી છે.ડાંગ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સમાહર્તા શ્રી એન.કે.ડામોરની ચેમ્બરમા ડાંગના પાંચ રાજ્વીશ્રીઓને પોલીટીકલ પેન્શન એનાયત કરવા સાથે તેમનુ શાલ ઓઢાડીને સન્માન કરાયુ હતુ. સાથે પાનબીડુ અર્પવાની પ્રથા નિભાવી આ વર્ષે પહેલી વખત રાજ્વીશ્રીઓને સ્મૃતિભેટમા સોનાના સિક્કાનુ પણ વિતરણ કરાયુ હતુ.

ડાંગ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી મંગળભાઈ ગાવિત, તથા ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનના ડીરેક્ટર શ્રી બાબુરાવ ચૌર્યાની ઉપસ્થિતિમા ડાંગના ગાઢવી રાજના રાજવી શ્રી કિરણસિંહ યશવંતરાવ પવાર, દહેરના રાજવી શ્રી તપનરાવ આનંદરાવ પવાર, લિંગાના રાજ્વી શ્રી છત્રસિંહ ભંવરસિંહ સૂર્યવંશી, વાસુર્નાના રાજ્વી શ્રી ધનરાજસિંહ ચંદ્રસિંહ સૂર્યવંશી, અને પિંપરીના રાજ્વી શ્રી ત્રિકમરાવ સાહેબરાવ પવારનુ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે અદકેરું સન્માન કરાયુ હતુ.

“કોવિદ-૧૯”ની માર્ગદર્શક સૂચનાઓ ને ધ્યાને લેતા આ સાદગીપૂર્ણ કાર્યક્રમમા જિલ્લા કલેકટર શ્રી એન.કે.ડામોર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયા, પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજા, નાયબ વન સંરક્ષકો સર્વશ્રી અગ્નીશ્વર વ્યાસ અને નીલેશ પંડ્યા, નિવાસી અધિક કલેકટર શ્રી તેરસીંગ ડામોર, પ્રાંત અધિકારી સુશ્રી કાજલ ગામીત સહીત માત્ર દસેક અધિકારી/પદાધિકારીઓ, પાંચ રાજ્વીશ્રીઓ અને તેમના અંગત સ્ટાફ સહીત દસેક જેટલા રાજવી પરિવારના સભ્યો, અને દસેક જેટલા મીડીયાકર્મીઓની હાજરીમા યોજાયેલા પોલીટીકલ પેન્શન એનાયત કરવાના આ કાર્યક્રમ દરમિયાન રાજવી પરિવાર વતી વાસુરણાના રાજવી શ્રી ધનરાજસિંહે પ્રજાકીય સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રાધાન્ય આપવુ એ જ રાજધર્મ છે તેમ જણાવી, “કોરોના” ની સ્થિતિ વચ્ચે જિલ્લા પ્રશાસને આ ઐતિહાસિક પ્રથા નિભાવી તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

“ડાંગ દરબાર” નો ભાતીગળ લોકમેળો, અને આ મેળાના પ્રારંભે ડાંગના રાજવી પરિવારોને વાર્ષિક “સાલિયાણુ” અર્પવાની ઐતિહાસિક પરંપરા ઉપર “કોરોના” સંક્રમણના ઓથાર હેઠળ, ચાર દિવસીય સમગ્ર કાર્યક્રમને રદ કરીને, સ્થાનિક હાટ/બજારમા પણ જયારે ડાંગ બહારના વેપારીઓના આવાગમન ઉપર પ્રતિબંધ છે, છતાં રાજવી પરિવારોનો માનમોભો જળવાઈ રહે, અને તેમને ગરિમાપૂર્ણ રીતે પોલીટીકલ પેન્શન એનાયત કરી શકાય તે માટે, “કોવિદ-૧૯”ની માર્ગદર્શિકા અનુસાર ખુબ જ સાદગી સાથે “સાલીયાણા અર્પણ” કરવાનો કાર્યક્રમ આયોજીત કરાયો છે, તેમ ડાંગ કલેકટર શ્રી એન.કે.ડામોરે જણાવ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે, ડાંગના માજી રાજવીઓ, નાયકો, અને ભાઉબંધોને સને ૨૦૨૦/૨૧ દરમિયાન વાર્ષિક કુલ રૂ.૨૧ લાખ, ૮૦ હજાર, ૯૨૩ નુ સાલિયાણુ અર્પણ કરાયુ છે. જેમા ગાઢવી રાજ સહીત દહેર રાજ, આમાલા (લિંગા) રાજ, પિંપરી રાજ, વાસુરણા રાજ, કિરલી રાજ, શિવબારા રાજ, ચિંચલી રાજ, અવચાર રાજ, પોળ્સવિહિર રાજ, પીપ્લાઈદેવી રાજ, વાડયાવન રાજ, બિલબારી રાજ, ઝરી-ગારખડી રાજનો સમાવેશ થાય છે.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

fifteen + twelve =

Exit mobile version