આહવા : તા : ૯ : ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંર્વધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલે, આહવા ખાતે આયોજિત ‘તિરંગા યાત્રા’ ને પ્રસ્થાન કરાવ્યુ હતું.
રાષ્ટ્ર ભાવનાને બળવત્તર કરતા શ્રેણીબદ્ધ કાર્યક્રમોના સથવારે આયોજિત, ડાંગ જિલ્લાની “તિરંગા યાત્રા” ની આહવાના ગાંધી ઉધાન થી શરૂઆત કરવામાં આવી હતી. આ યાત્રાએ, નગરના મુખ્ય માર્ગો પર ફરીને લોકચેતના જગાવી હતી.
તા.૮ મી ઓગષ્ટથી ૧૨ મી ઓગષ્ટ સુધી આયોજિત ‘તિરંગા યાત્રા’ આહવા બાદ આજે, એટલે કે તા.૧૦ મી ઓગષ્ટે જિલ્લાના સુબીર ખાતે, ૧૧ મી ઓગષ્ટે ગિરિમથક સાપુતારા ખાતે, અને તા.૧૨ મી ઓગષ્ટે વઘઇ ખાતે આયોજિત કરવામાં આવી છે.
આહવા ખાતેની તિરંગા યાત્રામાં મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલે, તિરંગા યાત્રા સાથે રાજ્યભરમાં આયોજિત દેશભક્તિની થીમ આધારિત ફેન્સી ડ્રેસ કોમ્પીટિશન, રંગોળી અને ચિત્ર સ્પર્ધા સહિત મેટ્રો સિટીમાં આયોજિત મેગા પરેડના કાર્યક્રમોની જાણકારી આપી હતી.
દરમિયાન રાજયભરમાં તિરંગા સેલ્ફી, તિરંગા શપથ, તિરંગા કેન્વાસ, તિરંગા ટ્રીબ્યુટ, તિરંગા મેળા, અને તિરંગા રનનું આયોજન કરાયું છે, તેની પણ ભૂમિકા સ્પસ્ટ કરી હતી.
પોલીસ બેન્ડની સુરાવલી સાથે નીકળેલી આહવાની તિરંગા યાત્રામાં મંત્રીશ્રી સહિત, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈન, પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી શ્રી સુભાષભાઈ ગાઇન, કલેકટર શ્રી બી.બી.ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજ સુથાર, પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયા, પ્રાંત અધિકારી શ્રી સાગર મોવાલીયા સહિતના અધિકારીઓ, ભાજપા સંગઠન પ્રભારી શ્રી રાજેશ દેસાઈ, પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત સહિતના પદાધિકારીઓ, નગરજનો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ વિગેરે જોડાયા હતા.